ફૈઝ અહમદ ફૈઝ

ગુલોં મેં રંગ ભારે બાદ એ નૌ બહાર ચલે ; ચલે ભી આઓ કિ ગુલશન કા કારોબાર ચલે. 

….

નિસાર મૈં તેરી ગલીયોં પે એ વતન કે જહાં ; ચાલી હૈ રસ્મ કિ કોઈ ના સર ઉઠાકે ચલે

જો કોઈ ચાહને વાળા તવાફ કો નિક્લે ; નજર ચૂરા કે ચલે, જિસ્મ-ઓ-જાં બચા કે ચલે.

આ છે ફૈઝ અહમદ ફૈઝ ! ઉર્દૂ શાયરીના ઈશ્કે મિજાજ અને વતન-સમાજ-દુખી ઇન્સાન માટે રુહે આવાઝ, બંનેમાં હૃદય રેડીને લખતા 19મી સદીના અખંડ હિંદુસ્તાનના એક મહાન ઉર્દૂ શાયર ફૈઝ અહમદ ફૈઝ. ભારતના ભાગલાની પીડા સર્જાઈ અને એ રાતોરાત પાકિસ્તાની બની ગયા પણ કવિતામાં ક્યાં હિંદુસ્તાન કે પાકિસ્તાન હતું? 

ચાર ચાર દાયકા સુધી ફૈઝ પોતાની શાયરીથી કવિતાના આકાશમાં ચમકતા રહ્યા.

ઉત્તમ ઊર્મિકવિ ફૈઝ.

સારી દુનિયા સે દૂર હો જાયે, જો જરા તેરે પાસ હો બૈઠે

ન ગઈ, તેરી બેરુખી ન ગઈ, હમ તેરી આરઝૂ ભી ખો બૈઠે.  

સુખ્યાત સમાજવાદી કવિ ફૈઝ.

ઔર ભી દુખ હૈ જમાને મે મુહોબ્બત કે સિવા

રાહતેં ઔર ભી હૈ વસ્લ કી રાહત કે સિવા.

જુલ્મો-સિતમ સામે સદાયે જાગૃત કવિ ફૈઝ.

બોલ કિ લબ આઝાદ હૈ તેરે, બોલ જબાં અબ તક તેરી હૈ

તેરા સુતવાં, જિસ્મ હૈ તેરા, બોલ કિ જાં અબ તક તેરી હૈ. 

લોકપ્રિય શાયર ફૈઝે ઉર્દૂને એક નવી ઊંચાઈ આપી. ગાલિબ અને ઈકબાલની સમૃદ્ધ ભાષાનો વારસો ફૈઝે સાચવ્યો છે. ફૈઝની ભાષામાં ઉર્દૂનું  અરબી-ફારસી સાથેનું અનુસંધાન પ્રગટ થાય છે. એમની પ્રણય કવિતાઓની ખુશ્બુ અલગ છે. ઉર્દૂ શાયરીની ઇશ્કી પરંપરા એમણે આમ જાળવી છે.

એમના બેમિસાલ શેર.

તેરી ઉમ્મીદ તેરા ઇન્તઝાર જબ સે હૈ ; ન *શબ કો દિન સે શિકાયત, ન દિન કો શબ સે હૈ. (*રાત્રિ)

ગર બાજી ઈશ્ક કી બાજી હૈ, તો જો ભી લાગા દો ડર કૈસા ; જીત ગયે તો બાત હી ક્યા, હારે તો ભી હાર નહીં.

ફૈઝ ચાર ચાર દાયકા સુધી ઉર્દૂ પ્રગતિશીલ કવિતાના સર્જક પ્રહરી રહ્યા. એમણે કવિતાને સમાજવાદી અને રાષ્ટ્રવાદી સ્વરૂપ આપ્યું અને એ સામાન્ય માનવીની પીડા, ઝંખના અને અજંપાનું પ્રતીક બની ગઈ. એમણે કદીયે જુલ્મ અને સિતમ સામે નમતું ન જોખ્યું, સદાય પોતાનો અવાજ ઉઠાવ્યો. પાકિસ્તાનમાં એમણે દેશદ્રોહના આરોપસર પાંચ વર્ષ જેલમાં વીતાવ્યા જ્યાં એમને કુરાન સિવાય કશું જ ન આપવામાં આવ્યું. જેલ થઈ તો પણ કારાવાસમાં એમણે કવિતાઓ લખી અને લોકહૈયે એને સ્થાન મળ્યું. 

મતા એ લૌહ ઓ કલમ છીન ગઈ તો ક્યા ગમ હૈ ; કિ ખૂને દિલ મેં ડૂબો લી હૈ, ઉંગલિયા મૈંને.  

જુબાં પે મુહર લગી હૈ તો ક્યા, કિ રખ દી હૈ હરેક હલક એ ઝંઝીર મેં જુબાં મૈંને.

ફૈઝમાં ઊર્મિકવિ અને ક્રાંતિકારી બંને સાથે જીવે છે. કારાવાસની પીડા અને એકલતા એમણે કાવ્યોમાં જે રીતે નિરૂપી છે, એમાં પ્રેયસીનો વિરહ અને એનું સૌંદર્ય પ્રગટ્યા છે.

મુઝસે પહેલી સી મુહોબ્બત મિરે મહેબૂબ ન માંગ…. 

લંબી હૈ ગમ કી શામ મગર શામ હી તો હૈ….

ફૈઝની આવી અનેક ગઝલ-નઝમ ખૂબ પ્રખ્યાત છે અને ઘણા ગાયકોએ એ ગાઈ છે. એમની કવિતામાં‘ઈશ્ક’ બે અર્થમાં આવે છે. પરંપરાગત અને સમાજિક સંદર્ભ સાથેનો. એમના પ્રતીકો કલામય છે. શબ્દોના ચયન માટે વાહ પોકારવી પડે. એમની શાયરીમાં પ્રેમની વેદનાનો તરફડાટ અને ઊંડું આત્મચિંતન બંને પ્રગટે છે.  ફૈઝને માનવી પર થતાં જુલ્મ સિતમે ખળભળાવ્યા. પોતાની કવિતામાં એમણે માનવીય મૂલ્યોની સ્થાપના કરી. સમાજની પીડાનો ઉપાય ફૈઝને સમાજવાદમાં દેખાયો, એ પ્રતિબદ્ધ માર્ક્સવાદી બની ગયા અને એ વિચારસરણી એમની માશૂકા બની ગઈ. ફૈઝ માનવીય મૂલ્યોમાં માનતા હતા – સાહિત્યકારનું દાયિત્વ માત્ર સૌંદર્યાભિમુખ ન હોઇ શકે. સમાજના દુખ-દર્દ જાણવાની પણ તેની ફરજ છે એમ તેઓ માનતા અને તેમની રચનાઓમાં એ નોંધપાત્ર રીતે પ્રગટ થયું છે. 

લોકહૃદય સાથે જોડાયેલા ફૈઝસાહેબની શાયરીમાં ક્લિષ્ટતાને બદલે સરળતા છે. વિખ્યાત ગાયક મહેંદી હસને એમની શાયરી – નજમોને ગાઈ અને એ જનમનમાં પ્રસરી ગઈ. પાકિસ્તાની ગાયિકા નૂરજહાં અને ભારતના ગઝલગાયક જગજીતસિંઘે એમની ગઝલો ગાઈ અને એ લોક હૃદયે વસી ગઈ. આ ઉપરાંત અનેક ગાયકોએ ફૈઝસાહેબની રચનાઓ ગાઈ છે.  

1981માં ફૈઝ ભારત આવેલા. એમના માનમાં અલ્હાબાદ વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં એક મુશાયરાનું આયોજન થયેલું જેમાં મંચ પર ફૈઝ, ફિરાક અને મહાદેવી વર્મા જેવી મહાન હસ્તીઓએ સ્થાન લીધું હતું. આ કવિઓની લોકપ્રિયતા જુઓ, સભા ચારથી પાંચ હજાર શ્રોતાઓથી ખીચોખીચ ભરાઈ ગઈ હતી.

તેમણે એ વખતના સમયમાં યુધ્ધના ચક્રોમાં ફસાયેલા ફિલીસ્તીનના બાળકો માટે એક લોરી ગીત રજું કર્યું હતું . “મત રો બેટે…” જેનો ભાવાર્થ એવો હતો કોઇ પણ મુલ્ક માણસોને જીતવા શસ્ત્રો શા માટે એકઠા કરે છે ? માણસોને જીતવાનું હથિયાર પ્રેમ તો તેની પાસે જ છે.

ફૈઝ સાહેબને એક પ્રશ્ન પૂછાયો કે આપને નથી લાગતું કે જ્યારે કોઈ ગાયક કોઈ શાયરની સુંદર ગઝલને ઉત્તમ રીતે ગાય છે ત્યારે એ ગઝલ શાયરને બદલે ગાયકની બની જાય છે ! એમણે બહુ પ્રેમથી જવાબ આપ્યો કે મને ઘણીવાર લોકો કહે છે કે ફૈઝ સાહેબ, પેલી નૂરજહાંવાળી ગઝલ સાંભળવી છે કે પેલી ફરીદા ખાનમ વાળી ગઝલ તો સંભળાવી જ દો !….. બસ, હું તો ભૂલી જ જાઉં છું કે એ ગઝલમાં ‘મેરે મહેબૂબ’ હોવું જોઈએ કે ‘મેરી મહેબૂબ’ ! અને આગળ કવિ કહે છે જેમ દીકરી સાસરે જઈને પરાઈ થઈ જાય, કવિતાનું પણ એવું જ થતું હશે ! અલબત્ત કવિ માટે આ દુખની વાત છે. ફૈઝસાહેબની ગઝલના વિડીયો શોધતાં મને આ જ અનુભવ થયો. ખૂબ જાણીતા ગાયકોએ પણ કવિના નામોલ્લેખ વગર એમની ગઝલ-નજ્મ ગાઈ છે ! એવું નહીં થવું જોઈએ.  

પાકિસ્તાનની તત્કાલીન સરકાર જિયા-ઉલ-હકની સરકારે સાડી પર પ્રતિબંધ મૂક્યો ત્યારે એટલે કે 1986માં ઇકબાલ બાનોએ લગભગ 50000 લોકોની મેદની સામે સાડી પહેરી આ નજ્મ ગાઈ હતી. જેવા આ શબ્દો ગવાયા ‘સબ તાજ ઉછાલે જાયેંગે, સબ તખ્ત ગિરાયે જાયેંગે’ કે તરત ‘ઇંકલાબ જિંદાબાદ’નું સૂત્ર પોકારાયું. આમ આ નજ્મ સરકારનો વિરોધ કરવાનું સાધન બની ગઈ. આ શાયરની નજ્મ ‘હમ દેખેંગે’ પર સાંપ્રદાયિક હોવાનો આક્ષેપ થયો હતો.  

हम देखेंगे, लाज़िम है कि हम भी देखेंगे

*

1930માં એમણે બ્રિટિશ મહિલા એલિસ સાથે લગ્ન કર્યા હતા. વિખ્યાત કવયિત્રી અમૃતા પ્રીતમે એલિસનો ઇન્ટરવ્યુ લીધો છે. એલિસ એમાં કહે છે કે બારાતમાં ત્રણ લોકો હતા. એક ફૈઝ, બીજા એમના મોટાભાઇ અને ત્રીજા એમના દોસ્ત નઈમ. એલિસે પૂછ્યું કે શાદીની અંગૂઠી લાવ્યા છો ને ? એલિસને એમ હતું કે ફૈઝને એની આંગળીના માપની તો ન ખબર હોય ! ફૈઝ હસતાં હસતાં કહે અંગૂઠી અને સાડી બંને લાવ્યો છું. વીંટી હું તો મારા માપની વીંટી લાવ્યો છું. એલિસ કહે છે, હૃદય મળે ત્યારે આંગળીઓનું માપ પણ મળી જતું હશે !!

*

શાયર ફૈઝ અહમદ ફૈઝ

જન્મ : 13 ફેબ્રુઆરી 1911, સિયાલકોટ, પાકિસ્તાન

અવસાન : 20 નવેમ્બર 1984, લાહોર, પાકિસ્તાન

જીવનસાથી : એલિસ ફૈઝ  સંતાન : અલ્યાસ ફૈઝ  

સંગ્રહો  

1.नक़्शे-फ़रियादी     2. दस्ते सबा      3. सरे-वादियाँ सीना    4. दस्ते-तहे-संग    5. जिंदानामा     6. शामें सहरे यारां     7. सारे सुखुन हमारे     8. नक्ता है वफ़ा 9. मिरे दिल मिरे मुसाफिर  10. गुबारे अय्याम   11.  पंजाबी नज्में    12. असंकलित नज्में   13. असंकलित ग़ज़लें   14. फ़ैज़ द्वारा अनुदित रचनाएं

આ ઉપરાંત ‘मीझान  એમનો લેખસંગ્રહ છે. ‘सलीबें मेरे दरीचे में’ પત્ની એલિસ ફૈઝને લખેલા પત્રોનો સંગ્રહ છે.

સન્માન

સોવિયેત સંઘ દ્વારા લેનિન પુરસ્કાર 1963

નોબલ પુરસ્કાર માટે એમનું નામ પ્રસ્તાવિત થયું હતું.

‘હમ દેખેંગે’ રચના ઇકબાલ બાનોના અવાજમાં આ લિન્ક પર સાંભળી શકો છે.

‘મુઝ સે પહેલી સી મુહોબ્બત મેરે મહેબૂબ ન માંગ’ ગઝલ વિખ્યાત ગાયિકા નૂરજહાંએ ખૂબસૂરત અંદાજમાં ગાઈ છે.

OP 13.2.21

***

લલિત ત્રિવેદી

11-07-2021

સલામ… ફૈઝ સાહેબ

Purushottam Mevada, Saaj

13-04-2021

શાયર ફૈઝ વિષેનો આપનો આસ્વાદ/ઓળખ કરાવતો લેખ ફૈઝની સમગ્ર ઓળખાણ આપે છે. ખૂબ ગમ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: