કવિ દાદ ~ અરવિંદ બારોટ

કાળજામાં વાગે છે ટેરવાં 

ડિસેમ્બર 1969, સાહિત્ય પરિષદનું 25મું સંમેલન જૂનાગઢમાં મળેલું. આ સંમેલનમાં જયમલ પરમાર અને રતુભાઈ અદાણીના નેતૃત્વમાં લોકસાહિત્યના એક ત્રણેક કલાકના કાર્યક્રમનું આયોજન થયેલું. ઉમાશંકર જોશી, સુંદરમ્, હરિવલ્લભ ભાયાણી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, વિનોદ અધ્વર્યુ, ઉશનસ્, ગુલાબદાસ બ્રોકર, ઝીણાભાઈ દેસાઈ, સુરેશ જોષી, હીરાબહેન પાઠક જેવા ગુજરાતના મૂર્ધન્ય સાક્ષરોની સામે લોકવાણીના વાહકો રજૂ થયા. એમાં એક ચારણ યુવાને સ્વરચિત ગીત પ્રસ્તુત કર્યું.

ડુંગરથી દડતી, ઘાટ ઊતરતી, પડતી પડતી આખડતી,

આવે ઊછળતી, જરા ન ડરતી, હરતી ફરતી મદઝરતી,

કિલકારા કરતી, ડગલાં ભરતી, જાય ગરજતી જોરાળી, 

હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી.

દસ કડીના આ ત્રિભંગી છંદમાં પ્રકૃતિનાં વિવિધ ચિત્રોની નવી નક્કોર, તળપદી અને અબોટ કલ્પનાઓની સરળ પ્રસ્તુતિએ એવું વશીકરણ કર્યું કે ગુજરાતી સાહિત્યનાં આભૂષણ ગણાય એવા સારસ્વતો કવિ અને કવિતા પર વારી ગયા. એ નુતન યુગના ચારણ કવિ એટલે ઋજુ પ્રકૃતિના અને મૃદુભાષી ‘કવિ દાદ’- દાદુદાન પ્રતાપદાન ગઢવી. મીશણ શાખાના આ કવિની પરંપરા પણ ઘણી ઉજળી છે. ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહની રાજસભામાં જેને ઝલાં ઝલાં થાતું એવા સમર્થ શીઘ્રકવિ આણંદ-કરમાણંદના વંશમાં વેરાવળ તાલુકાના ઈશ્વરિયા ગામમાં ૧૯૪૦માં જન્મ, શાળાનું શિક્ષણ નહિવત અને પડધરી પાસેના ધુનાના ગામે પચાસ વરસ સુધી શબદનો ધૂણો ધખાવીને બેઠા હતાં એવા કવિ દાદ.

ઝવેરચંદ મેઘાણીએ પોતાને પરંપરાગત રીતે સાહિત્યનું પોષણ નથી મળ્યું એ વિષયમાં વિષાદયુક્ત આત્મનિવેદન નોંધ્યું છે: ‘ રે, પાયામાં જોઉં તો કશો જ રક્તસંસ્કાર-કુલસંસ્કાર નથી. જડે છે ફક્ત શેલ, શેત્રુંજી ને સાતલ્લી સમી નદીઓનાં નીર-સમીરણ  મારફતનાં થોડાં નિસર્ગલાલન …!’

દાદુદાનજીને રક્તસંસ્કાર અને કુલસંસ્કારની સમૃદ્ધ પરંપરા તો મળી જ હતી પણ હીરણનાં પાણી, ગીરની વનરાયું, પંખીના કલરવ, સાવજની ડણક, પનિહારીના ઉજળાં બેડાં અને ચણોઠીના ઢગલા જેવું ઈશ્વરિયા ગામ- આ બધો વૈભવ પણ મળ્યો હતો. કવિના હૃદયમાં પ્રકૃતિની વિવિધ લીલાઓ, રંગછટાઓ અને માનવીય સંવેદનો ઝિલાયાં અને એ સંવેદનોને શબ્દની પાંખો મળી ગઈ. કવિ દાદનાં ગીતો અનેક ગાયકોના કંઠે ચડ્યાં. ચિત્તને પ્રસન્ન કરે અને કાળજાને દ્રવિત પણ કરે એવાં સીધાં-સરળ અને બળકટ બાનીનાં ગીતોએ ગુજરાતી પ્રજાનાં હૃદય જીતી લીધાં.

જૂનાગઢના સાહિત્ય પરિષદના સંમેલન પછી થોડા જ સમયમાં ગાંધી જન્મશતાબ્દી નિમિત્તે ગાંધી દર્શન ઉત્સવ અંતર્ગત લોકસાહિત્યના 18 કલાકારોનો શકવર્તી કાર્યક્રમ થયો. કવિ દાદની કાવ્યયાત્રાનો આ બીજો પડાવ ઘણો મહત્વનો છે. અહીં જ ‘લોકસાહિત્ય પરિવાર’ ની પરિકલ્પનાનાં બીજ રોપાયાં. પરિવારનાં દ્વિમાસિક મિલન થવા માંડ્યાં. મિલનમાં રાત્રે કાર્યક્રમો થાય. દરેક મિલનમાં કવિ દાદ નવાં નવાં ગીતો રચી લાવે. મિલનમાં આવેલા કલાકારો એ ગીતોને વધાવે ને કંઠે ચડાવે. ગામેગામ  અને  નગરનગરમાં ‘દાદ’નાં ગીતો ગૂંજવા માંડ્યાં.

આવા મિલનોમાં જ મને કવિ દાદનો નિકટનો પરિચય થયેલો. એક ગુજરાતી ફિલ્મ માટે કવિ દાદ મુંબઈમાં ગીતો લખતા હતા. એમાં લોકઢાળ ઉપરાંત શાસ્ત્રીય રાગના સ્વરો આધારિત ગીતો પણ હતા. બન્ને શૈલીના ગીતો માટે કોનો અવાજ લેવાય ? ત્યારે દિગ્દર્શકને કવિ દાદે કહ્યું કે અરવિંદ બારોટને બોલાવો. એ રેકોર્ડિંગ દરમ્યાન એક અઠવાડિયાના સહવાસમાં મને દાદુદાનજીની ભીતરી સમૃદ્ધિનો અનુભવ થયો. લાગણીની ભીનાશ, જગતને જોવાની તટસ્થ દૃષ્ટિ, વાણી-વર્તનમાં વિરક્તિની છાયા, ઝીણામાં ઝીણી સંવેદનાથી પણ ઝંકૃત થાય એવું કોમળ હૈયું… આ હતું કવિ દાદનું આંતરિક સ્વરૂપ. એટલે જ એમની કવિતામાં ગૂગળના ધૂપની ભભક છે. વનરાયુંની લીલપ છે. કંકુની ચપટી જેવું શુભત્વ છે. ઢાળ અને ઢંગમાં તળપદી સાદગી છે. જીવનવગાં પ્રતીકો અને રૂપકો છે. કુંવારી કલ્પનાઓ અને ગિરનારી ઝરણાં જેવો ઊર્મિલ ધ્વનિ છે. કુદરતના ખોળે ઉછરેલા આ કવિના શબ્દોમાં ઝાલરની ગૂંજ અને નાનકડી દીકરીની ઝાંઝરીનો રૂમઝૂમ રવ છે. સર્જકતાથી છલોછલ આ કવિની રચનાઓની લોકપ્રિયતા આભને આંબે છે. કોઈ પણ કવિકૃત રચના ચિરંજીવી લોકપ્રિયતાની ભૂમિકાએ પહોંચે ત્યાર પછી એ કૃતિની ગણતરી લોકગીતમાં થવા માંડે છે અને એ જ તો સર્જનની સાર્થકતા ગણાય.દાદની ઘણી રચનાઓ ‘લોકગીતપદ’ને પામી છે. કેટલીક રચનાઓ જોઈએ:

*ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું  *કાળજા કેરો કટકો  *કાળજામાં વાગે છે ટેરવાં  *હીરણ હલકાળી

*લખમણ, ઘડીક તો ઊભા ર્યો  *રાત પડી ગઈ  *ભીંત્યું કેવી તમે ભાગ્યશાળી  *જગતની રીત છે જૂદી

*બાયું, એને કોણ રે વારે ?  *કૈલાસ કે નિવાસી  *વાદલડીને વીજળીનો કાંટો વાગ્યો  *શબદ એક શોધો તો  *મોગલ આવે….

ફલસ્વરૂપ આપણને ‘ટેરવાં’ના 1 થી 4 ભાગ ઉપરાંત ચિત્તહરનું ગીત, શ્રી કૃષ્ણ છંદાવલી, રામનામ બારાક્ષરી અને લછનાયન – એમ આઠ કાવ્યસંગ્રહો મળ્યા છે.

1971માં પ્રકાશિત થયેલા કાવ્યસંગ્રહ ‘ટેરવાં’ની પ્રસ્તાવનામાં સાંઈ કવિ મકરંદ દવેએ એક સરસ વાત લખી છે. એ એમના જ શબ્દોમાં:

આજથી બરાબર ચાર વરસ પહેલાંની વાત છે. સાલ અડસઠ, મહિનો ઓગસ્ટ ને તારીખ અઠાવીશ. સ્વામી આનંદે હરિદ્વારથી પત્ર લખ્યો હતો:

‘હું શ્રાવણ મહિનો કરવા હાલ અહીં આવ્યો છું… ‘દાદલ’ નામના કોઈ સંતનું એક કાવ્ય એક બહેનને મોઢે અહીં સાંભળ્યું. એની પ્રથમ લીટી આમ છે.

ટોચમાં ટાંકણું લૈને ઘડવૈયા રે ! મારે ઠાકોરજી નથી થાવું…

ધડ રે ધીંગાણે, જેનાં માથાં રે મસાણે, એની ખાંભી થૈને મારે છે ખોડાવું

એના પાળિયા થૈને મારે પૂજાવું…. ઘડવૈયા ! મારે ઠાકરજી નથી થાવું.

‘આખું ગીત ગજબનું સુંદર છે પણ એ બહેન પાસે પૂરું નથી, ને છે તેની ટેક્સ્ટ તદ્દન વેરણછેરણ વર્ણસંકર જેવી છે. મને લગભગ ખાત્રી છે કે આ ગીત તમને અજાણ્યું ન હોય. હું તો દાદલ સંત કોણ હતા તે કશું જાણતો નથી માટે એનો પરિચય ને આ ગીત સાચી ટેક્સ્ટમાં મને મોકલશો ?’

સ્વામીદાદાને એ આખું ગીત ઉતારી મોકલ્યું અને દાદલનો પરિચય આપતાં લખ્યું કે એ કોઈ જૂના જમાનાનો સંત નથી પણ નવતર જુગનો ચારણ છે, કુદરતી કવિ છે. આમ અજાણતાં જ દાદુભાઈને સંતની ટોપી ઓઢાડવામાં આવી.

કંઠ, કહેણી અને કવિતાની ત્રિવિધ પ્રતિભા ધરાવતા કવિનું સાહિત્ય લોકસાહિત્ય અને ચારણી સાહિત્યની પરંપરાગત પ્રસ્તુતિમાં સીમાસ્તંભ રૂપ છે. કવિ દાદે આઠ કાવ્યસંગ્રહો ઉપરાંત પંદર જેટલી ગુજરાતી ફિલ્મોમાં પોતીકી ભાતનાં ગીતો આપ્યાં છે.

ઓછાબોલા અને અંતર્મુખી એવા આ સર્જકની પડખે નિરાંતે બેસવું પડે, એની મોજની ભરતીની વાટ જોવી પડે….તો ઘણમૂલાં મોતી જેવી વાતું નીકળે.

શબ્દ એક શોધો  ત્યાં સંહિતા નીકળે, કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે.

જનક જેવા આવી હજુ જો હળ હાંકે, તો આ ધરતીમાંથી હજુ પણ સીતા નીકળે.

હજુ  ધબકે  છે ક્યાક  લક્ષ્મણ રેખા, કે  રાવણ જેવા ત્યાંથી બીતા નીકળે.

છે  કાલીદાસ  અને  ભોજ ના ખંડેર, જો જરીક ખોતરો તો કવિતા નીકળે.

છે કૃષ્ણની વાંસળીના એ કટકા, કે હોઠે જો માંડો તો સૂર સજીતા નીકળે.

સાવ અલગ છે તાસીર આ ભૂમિની. કે  મહાભારત વાવો ને ગીતા નીકળે.

દત્ત જેવા જોગીની જો ફૂંક લાગે તો, હજુ ધૂણા તપના તપીતા નીકળે.

`દાદ’ આમ તો નગર છે સાવ અજાણ્યું, તોય કોક ખૂણે અચૂક ઓળખીતા નીકળે. – કવિ દાદુદાન

સન્માનો

મુંબઈના બિરલા માતુશ્રી સભાગૃહમાં ઈ.સ.1993માં પૂ. મોરારિબાપુના હસ્તે જાહેર અભિવાદન થયું હતું.

ગુજરાત સરકાર  દ્વારા લોકકલા ક્ષેત્રનો ગૌરવ પુરસ્કાર ઈ.સ.1998

પૂ. મોરારિબાપુ પ્રેરિત ‘કવિ કાગ’એવૉર્ડ

હેમુ ગઢવી એવૉર્ડ

હાલાણી એજ્યુકેશન ટ્રસ્ટ, આણંદના સૌજન્યથી ‘અખિલ ગુજરાત ચારણ-ગઢવી સમાજ ટ્રસ્ટ, ગાધીનગર તરફથી 2.25 લાખનો ચેક અને એક લાખની કિંમતની સોનાની કંઠી.

ભારત સરકાર તરફથી 2021માં ‘પદ્મશ્રી’ પુરસ્કાર.

OP 27.4.21

***

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

04-05-2021

કવિ શ્રી દાદની વિદાય વસમી તો.છે જ.
સરસ માહિતી સભર.લેખ.

છબીલભાઈ ત્રિવેદી

28-04-2021

કવિદાદ બાપુ વિશે ખુબજ ઉમદા પરિચય અરવિંદભાઈ અે આપ્યો, કવિદાદ અેટલે પ્રક્રુતિ ના કવિ બધી રચનાઓ અેક અેક થી ચડીયાતી આવા કવિ ઓ ભાગ્યે જ અવતરતા હોય છે, જુનાગઢ અમારી નજીક રહેતા હોવા છતા મળી શકાયુ નહી તેનો ખુબજ રંજ થયો અભિનંદન અરવિંદ ભાઈ આભાર લતાબેન

2 Responses

  1. અરવિંદભાઈ દવે, ગારિયાધાર says:

    કવિ દાદ…દાદ બાપુ….!!!
    દેખાય છે અને વર્ણવાય છે એના કરતા અનેકગણા…..હિમશીલા જેમ દેખાય એના કરતા ૧૦ ગણી તો અંદર હોય એવા….!!!
    આપણે ત્યાં માતૃભાષાના ગૌરવનું જતન કરનાર અનેક મૂર્ધન્ય કવિઓ થયાં….
    પણ, વાંચતા જ કે સાંભળતા જ…સીધી અંદર જ સ્પર્શ કરે એવી લોકભોગ્ય રચનાઓ દ્વારા, માતૃભાષા પણ જેનાથી તૃપ્ત થતી હશે, એવા ઈશ-દત્ત નઝરાણા સમા કવિઓમાં જેમનું નામ મૂકી શકાય એવા દાદબાપુ….!!! એમની કલમને નમસ્કાર….!!!
    આભાર અરવિંદભાઈ બારોટ…..

    લતાબેન,
    કાવ્ય-વિશ્વના માધ્યમથી વિશ્વભરમાં માતૃભાષાના આવા અમૂલ્ય રત્નોની ઓળખ આપવા માટે આપ ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છો….ખૂબ ખૂબ ધન્યવાદ…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: