સૂફી કવયિત્રી ઝેબુન્નિસા ~ સાંકળચંદ પટેલ

સંગીત સાહિત્ય અને નર્તનકલાના કટ્ટર વિરોધી અલમગીર ઔરંગઝેબે કલાઓનો જનાજો કઢાવેલો અને કહેલું : “એ બલાઓને એટલી ઊંડી દટાવી દેજો કે ભૂલેચૂકેય એનો અવાજ બહાર ન આવે.” પણ વિધાતાની વિચિત્રતાય જોવા જેવી છે. એના જ ઘરમાં, એની જ સૌથી મોટી પુત્રી સાહિત્યરસિક નીકળી અને ફારસી સાહિત્યમાં એનું નામ અમર થઈ ગયું.

આ સાહિત્યરસિક શાહજાદી એ ઝેબુન્નિસા. એવું કહેવાય છે કે એના સમયમાં ફારસીમાં એની બરાબરી કરી શકે એવો કોઈ કવિ કે કવયિત્રી થયાં નથી. ઝેબુન્નિસાએ પોતાનું તખલ્લુસ ‘મખફી’ રાખ્યું હતું. ‘મખફી’નો અર્થ થાય છે, ‘ગુપ્ત’.

ઝેબુન્નિસાનો જન્મ ઈ.સ. 1630ના ફેબ્રુઆરી માસની 16 તારીખે થયો હતો. માતા સમરસબાનુ અને પિતા ઔરંગઝેબની એ સૌથી મોટી અને લાડકી શાહજાદી હતી. તેઓ તેને પ્યારથી ‘ઝેબુ’ કહી બોલાવતા. સાત વર્ષની ઉંમરે તેનો અભ્યાસ શરૂ થયો. ઝેબુન્નિસાએ સ્ત્રી ઉસ્તાદો પાસેથી તેણે કુરાને  શરીફ શીખી લીધું અને ‘હાફિઝા’ બની (જેને આખું કુરાન કંઠસ્થ હોય તે). ઝેબુન્નિસા ઉસ્તાદ મિયાંબાઈ પાસેથી ચાર વર્ષમાં અરબી ભાષા શીખી લીધી. પછી ખગોળ અને ગણીતનો અભ્યાસ કર્યો. હવે તેની કલમ સર્જન માટે સળવળતી હતી. 

ઝેબુન્નિસાએ ગુપ્ત રીતે કુરાન પર ભાષ્ય (શરહ) લખવાનું શરૂ કર્યું. પિતાને તેની જાણ થઈ ગઈ એટલે તેણે એ લખવાનું બંધ કરાવી દીધું. ઝેબુન્નિસાએ પોતાની સર્જનશક્તિને શાયરી લખવા તરફ વાળી લીધી. શરૂઆતમાં તેણે અરબીમાં ગઝલ-શાયરી કરવા માંડી. અરબીના કોઈ વિદ્વાને એ વાંચીને ટીકા કરી : ભાષા અરબી છે પણ શાયરા અને શાયરીનો આત્મા હિન્દી છે,’

ઝેબુન્નિસાએ અરબીમાં લખવાનું છોડી દઈને પોતાની માતૃભાષા ફારસીમાં લખવાનું શરૂ કર્યું. તેને તેના કાકા દારા શિકોહ તરફથી ખાસ પ્રોત્સાહન મળતું હતું. દારા સાહિત્યપ્રેમી હતો. પોતે ઉપનિષદોનો ફારસીમાં અનુવાદ કર્યો હતો અને તે ગઝલો પણ લખતો હતો. ‘દારા દીવાન’ નામે તેનો ગઝલસંગ્રહ છે. તેમાં તેણે ઝેબુન્નિસાની પણ ઘણી ગઝલો લીધી છે. ઝેબુન્નિસાની એક શાયરી,

આહિસ્તા બર્ગેબુલ બ-ફિશાં બર મઝારે મા

નાઝુકસ્ત શીશા-એ-દિલ, દર કિનારે મા.

(વૃક્ષ પરથી ખરી પડતાં હે પુષ્પો, મારી મઝાર પર ખૂબ જ આહિસ્તે આહિસ્તે પડજો; કેમ કે મારી હૃદયરૂપી આરસી અત્યંત નાજુક છે. તે તૂટી ન જાય એવી નજાકતથી તમે પડજો.)

કવયિત્રી ઝેબુન્નિસાની શાયરી જેટલી નાજુક અને સુંદર છે એટલી જ તે પણ કોમળ અને સ્વરૂપવાન હતી. તે અસ્ત્રો-શસ્ત્રો ચલાવવાનું જણાતી અને કોઈક વાર તે યુદ્ધભૂમિમાં પણ જતી હતી.

ઝેબુન્નિસાની તહેનાતમાં રહેનારી દાસીઓને પણ કવિતાનો રંગ લાગી ગયો હતો. ઉસ્તાદ શાહ રૂસ્તમ ગાઝીએ શાહજાદીની અભ્યાસપોથીમાં કાવ્યરચનાઓ જોઈને આશીર્વાદ આપતાં કહેલું, “ઝેબુન્નિસા કવયિત્રી તરીકે નામ રોશન કરશે.” ઉસ્તાદ રુસ્તમે ઔરંગઝેબને વિનંતી કરીને ઝેબુન્નિસા માટે ‘દીવાને હાફિઝ’ વાંચવાની અનુમતિ લઈ લીધી હતી. અને એક કવિમંડળ બનાવવાની પણ રજા લઈ લીધી. એ કવિમંડળમાં ઈરાન, હિન્દુ તથા કાશ્મીરથી આવેલા કેટલાક નામાંકિત કવિઓને દિલ્હી બોલાવી લીધા.

શાહજાદીના પુસ્તકાલય માટે કાશ્મીરના લહિયાઓ ઉત્તમ ગ્રંથોની નકલો કરી આપતા હતા. એક વખતે ઈરાનથી બાદશાહી દરબારીઓ ઔરંગઝેબની મુલાકાતે આવ્યા હતા. આ શાયરોએ ઝેબુન્નિસાની શાયરીની ખ્યાતિ સાંભળી હતી. તેમણે એક મિસરો તદમીન-પાદપૂર્તિ કરવા માટે મોકલ્યો. તેની પહેલી પંક્તિ હતી : ‘દૂરે અબલક કસે કમદીદા મૌજૂદ.’ (દૂર એટલે મોતી. એમાં અબલખિયા રંગનું મોતી તો જવલ્લે જ જોવા મળે છે.)

ઔરંગઝેબની નીતિને કારણે રાજયમાં સારા શાયરો તો રહ્યા ન હતા. જેઓ હતા તેઓ પાદ્પૂર્તિ કરી શક્યા નહીં. ઝેબુન્નિસાએ અબ્બા પાસે પાદપૂર્તિ કરવાની પરવાનગી માંગી.

એક સવારે તેણે સ્નાન કરીને શણગાર સજી આંખોમાં સૂરમો આંજયો. એના ચચરાટથી આંખમાં અશ્રુબિંદુ આવી ગયું. અશ્રુનો રંગ પણ અબરખિયો જ હતો. તત્કાળ તેણે રચના કરી. – ‘બ-ઝૂલ અશ્કે ભૂ  તાને સૂરમા આલૂદ.’ (અબરખિયા રંગનું મોતી જેમ જવલ્લે જ જોવા મળે છે તેમ સુંદરીની આંખમાં આંજેલ સુરમાથી મિશ્રિત અબરખિયું મોતી પણ જવલ્લે જ જોવા મળે છે.)

ઈરાનથી આવેલા દરબારી શાયરોએ મોકલાવેલી પાદપૂર્તિ પોતાની શાહજાદીએ પૂરી કરી, એમ ગૌરવથી ઔરંગઝેબે કહેવરાવ્યું. ત્યારબાદ ઝેબુન્નિસા કવિઆલમમાં સુખ્યાત બની ગઈ. પછી તે ઈરાન પણ ગયેલી અને દરબારી મુશાયરામાં તેણે ભાગ પણ લીધેલો.

મુસ્લિમ દેશોમાંથી આવતા વિદ્વાનો પાસે તેણે ઘણા ગ્રંથો લખાવ્યા હતા. તેણે પોતે પણ ‘તકસીરે-કબીર’ નામના ગ્રંથનો ફારસી અનુવાદ ‘ઝેબુ તફાસીર’ નામે કર્યો હતો. ભોપાલના હમિદિયા પુસ્તકાલયમાં ઝેબુન્નિસાના હસ્તાક્ષરમાં લખાયેલું પુસ્તક  આજે પણ સચવાઈ રહ્યું છે. 

ઔરંગઝેબને સૂફીઓની તરીકત (ઢંગ) સાથે સખત નફરત હતી આમ છતાં તેની શાહજાદી ઝેબુન્નિસા સૂફી માર્ગી કવયિત્રી હતી. તે હિંદના ફારસી કવિઓમાં પ્રથમ પંક્તિનું સ્થાન ધરાવતી હતી. તેના કાવ્યોની પ્રત્યેક પંક્તિમાંથી તસર્વ્વુફ (પ્યાસ-તડપન) નીતરતી જોવા મળે છે. ઝેબુન્નિસા યુવાનીમાં પ્રેમ માટે હંમેશા તડપતી રહી હતી. પ્રેમમાં ઉપરાઉપરી નિષ્ફળતાઓ મળતાં તેનું હૃદય ભાંગી ગયું હતું. તેણે પોતાની આ વ્યથા પોતાનાં કાવ્યો દ્વારા વ્યક્ત કરી છે. પ્રેમની નિષ્ફળતાનો ઝૂરાપો તેના જીવનને કોતરી રહ્યો હતો અને આ ઝૂરાપામાં જ તેની જિંદગી પૂરી થઈ.

ઝેબુન્નિસા પોતાની કબર વિષે અગાઉથી બે પંક્તિઓ લખી રાખી હતી. તે એના મરણ પછી આજે પણ એટલી જ વાસ્તવિક ઠરે છે.

બર મઝારે મા ગરીબાં ન: ચિરાગી ન: ગુલી

ન: પરે પરવાન: સૂઝદ ન: સદાયે બુલબુલી.

‘અમારા જેવા ગરીબોની કબર પર નથી દીવો પ્રગટતો કે નથી ફૂલો ખીલતાં. ત્યાં નથી પતંગિયાની પાંખો બળી જતી કે ત્યાં નથી બુલબુલનું ગાન સંભળાતું.’

અતિ સંવેદનશીલ અને અનુપમ સૌંદર્યવાન ઝેબુન્નિસા આજીવન તડપતી રહી. 1679 માં પચાસ વર્ષની ઉમરે સાત જ દિવસની બીમારી ભોગવીને તે અપરિણીત મૃત્યુ પામી પરંતુ સૂફી કવયિત્રી તરીકે તેનું નામ અમર થઈ ગયું.

(શબ્દ સૃષ્ટિમાં છપાયેલ મૂળલેખ ટૂંકાવીને)

OP 15.5.21

***

Sarla Sutaria

09-07-2021

સૂફી કવયિત્રી ઝેબુન્નિસાની જીવન કથની વાંચી દિલ સંવેદનાથી ભરાઈ ગયું…

હસમુખ અબોટી ‘ચંદન’

22-05-2021

સાંકળચંદ પટેલ લિખિત જેબુનિશા વિશે વિશેષ જાણકારી મળી. કવિ દાદ વિશે અરવિંદ બારોટનો સ્વાનુભવ લિખિત અક્ષરા ગમી. અહીં અવનવી વાતો-જ્ઞાન મળે છે.

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

16-05-2021

વાહ, ઝેબુન્નિસા વિષેની માહિતી દિલને બાગ બાગ કરી જાય છે. લૌકિક, દુન્યવી પ્રેમ ની વેદના ઉર્ધ્વગામી થાય ત્યારે જ પ્રભુ પ્રેમ તરફ વળાય છે.

sudha mehat

16-05-2021

Jhebunnissa jarur aurangzeb ni atishay laadki dikari hovi joie nahi to atali badhi rachanao ane khyati tena name aavi n hot. teni pan Dara shikohni jem badbaki thai gayi hot. Teni raachanaono Gujarati anuvaad na thai shake? sundar chhe.

છબીલભાઇ ત્રિવેદી

15-05-2021

ખુબજ જાણવા જેવી માહિતી સાહિત્ય કલા ઈશ્ર્વરની દેનછે તેને દુનિયા ની કોઈ તાકાત મીટાવી ન શકે આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: