પ્રવીણ દરજી

પદ્મશ્રી ડો. પ્રવીણ દરજી 

કાવ્યલેખનની શરૂઆત

મારા કાવ્યલેખનની શરૂઆત તો છેક સાતમા ધોરણથી થયેલી. પ્રેરણાસ્રોત રૂપે મારું નાનેરું ગામ, તેમાં સારી-નરસી ઘટતી ઘટનાઓ અને પ્રાકૃતિક વાતાવરણ નિમિત્તરૂપે. માતા-પિતાની સંવેદનશીલતા મને મળી એ પણ એટલી જ કારણભૂત છે. મારી ક્રિયા-પ્રતિક્રિયાઓ પણ આરંભથી એ દિશાની રહી હતી.

પ્રેરણાસ્રોત અને પ્રેમની પૃષ્ઠભૂમિને ભાગ્યે જ હું અલગરૂપે જોઈ શકું છું. પ્રકૃતિ-પરિવાર-વતન, આ સર્વ રૂપાંતરે પ્રેમની પૃષ્ઠભૂમિ પણ રહ્યાં છે.

અછાંદસ કાવ્યસ્વરૂપ

અછાંદસ કાવ્યસ્વરૂપને પર્યંતે કાવ્યરૂપે જ જોવું રહ્યું. ત્યાં મુક્તતા છે તો તે માટેની અખૂટ પ્રેરણા-સંવેદના પણ હોવી જોઈએ. છંદની મહત્તા પણ શી છે તેની ભૂમિકા જાણવી પડે. અછાંદસ લખવું એટલે લય શબ્દ સંવેદનાનું અદભૂત દ્રાવણ કરવા જેવી ઘટના છે. મેં અછાંદસ લખ્યું છે, આરંભે અક્ષરમેળ અને માત્રામેળમાં પણ લખ્યું છે. ‘ચીસ’ અને તે પછીના કાવ્યસંગ્રહોમાં તે જોઈ શકાય. ગીત-ગઝલ પણ લખ્યાં છે પણ હું મને વહેતો મૂકું છું – કશી પૂર્વ યોજના વિના ઊર્મિકાવ્ય – કથાકાવ્ય કે એલિએટ જેને બીનંગત કહે છે તેવું, તે દિશાનું ઘણું કાર્ય થયું છે. ઊર્મિ ખરી પણ બ.ક.ઠા. કહે છે તેમ તેના ‘ઓઘરાળા’ નહીં.

કાવ્યસર્જનની પ્રક્રિયા

કાવ્યસર્જન વિશે તો ક્યાં કશી આગાહી કરી શકાઈ છે ? ક્યારે, કેટલું કેવું ખર્ચાઈ જાય છે એ પ્રશ્ન છે. સંભવ છે કે કવિતા લખવાનું જ અટકી જાય તો ક્યારેક એવો પણ ચમત્કાર થઈ રહે કે હૂમા પક્ષીની જેમ રાખમાંથી જ એક પુનર્જીવન ઊભું થાય. Known-unknownની સરહદો પ્રતિ મીટ રહી છે. રિચાર્ડ બ્લેંકો કહે છે તેમ આ ‘act’ છે. ત્યાં આશા જરૂર છે. સરવૈયું તો છેવટે બહેતર માણસની શોધ પર જ અટકે છે.

કવિતાને લાગેવળગે છે ત્યાં સુધી તે માટે મારો કોઈ ચોક્કસ સમય નથી. પૂર્વધારણાઓ કે તૈયારી પણ નહીં. કોઈક સંવેદન-વિચાર-વિચારતણખો બે ત્રણ દિવસ મનમાં ઘૂંટાય, ગૂંથાય અને બહાર આવવા તકાજો કરે તો કાગળ પર ટપકાવું છું. ક્યારેક કાચા મુસદા જેવું પણ. લખેલું દિવસો – મહિનાઓ સુધી પડી રહે તે પછી પૂર્ણાવતાર પામે. ઘાટઘૂંટ પણ એનો હિસ્સો બની રહે. હા, આ સર્વ માટે એક મૂડ તો હોય છે જ. ક્યારેક સરસ પંક્તિ-ભાવ આવે, ટપકાવી લેવાનું મન થાય પણ વ્યસ્તતાને કારણે ચુકાઈ પણ જાય. અલબત્ત, તેનો વસવસો મનમાં રહે.

લખતીવેળા, સર્જનાત્મક લખાણ વેળા એકાંત મને વધુ સદયું છે. કારણ કે ત્યાં પૂર્ણપણે જાત સાથે, જગત સાથે એકતાર થવાનું હોય છે. કોઈક આવે તો અટકી જાઉં, વાતો કરું પણ પછી મૂળ તાર તરફ વળાય તો વળાય, ન પણ વળાય. ઈતર લખવાનું તો કોલાહલ વચ્ચે પણ લખી શકું છું, પણ કવિતા સંદર્ભે એ પ્રક્રિયાને સંપૂર્ણ સમર્પિત રહેવાનુ ઉચિત લેખું છું. એક રીતે તે જાત સાથેની ખોજ અને પ્રાર્થના બંને છે.

હા, ક્યારેક લખાણ સમાપ્ત થયા પછી કે લખાતી વેળા પણ શબ્દોની છેકભૂંસ થયા કરે છે. સમાપ્તિ પછી પણ શુદ્ધિ-વૃદ્ધિ તેથી થતી રહે. લખાતી વેળા ક્યારેક ઈપ્સિત શબ્દ ન મળે તો પીડાનો અનુભવ પણ થાય. પણ પછી એ પીડા જ ચમત્કાર કરે અને અનુકૂળ શબ્દ ઉપસ્થિત થઈ રહે.

કાવ્યસંવેદન

કવિતા મારા beingથી અલગ નથી. કવિતાને મેં ગંભીર સ્વરૂપે જોઈ છે. શબ્દે શબ્દે દીવા, શબ્દે શબ્દે સત અને શબ્દે શબ્દે સૃષ્ટિ. 

કવિતા અનેકરૂપા છે, સંવેદનની ત્યાં પાર વિનાની લકીરો ખેંચાતી આવે છે. તેથી કોઈ સ્થળવિશેષ, કોઈ પ્રસંગવિશેષ અથવા તો એ પ્રકારનું કોઈ ઉત્તમ કાવ્ય વાંચ્યું હોય તો તેની સ્મૃતિ, સારા-માઠા પ્રસંગોની યાદ – બધું ત્યાં દોડી આવે. વાસ્તવની રજકણને ખંખેરીએ પણ પાર્શ્વભૂમા તેની સુવાસ તો તે મૂકતી જ જાય છે. પાર વિનાના પ્રસંગો નોંધી શકાય. પ્રવાસ-પ્રકૃતિ-વ્યક્તિચેતના, વતન, શૈશવ એવું તેવું ઘણું બધું. અંગત પણ વસ્તુનિષ્ઠ થઈ ઉકલે…..

‘ચીસ’ લખ્યું ત્યારે આધુનિક સાહિત્યની ભરપૂર આબોહવા હતી. મેં એ વેળા આધુનિક રહીને, પુરાકલ્પન વડે કવિતાને અવતરિત કરવાનો એક જુદો જ માર્ગ લીધો હતો. વિવેચકોએ તેની ત્યારે ખાસ નોંધ લીધી હતી – કવિતાની અને શીર્ષકની પણ ! ‘ઉત્સેધ’માં ઊર્મિઊંચાઈ છે. ‘ઈઓ’માં કાવ્યસર્જનની ટોચ  છે. ઘણું નવી દિશાનું, નવા રૂપનું છે. વિવેચકોએ વ્યાપ્તરૂપે એ સંગ્રહને પોંખ્યો છે. મારી ચેતનાનું ત્યાં બળવાનરૂપ અનેક રચનાઓમાં મળી રહે. ‘ગ્રીનબેલ્ટ’ મૃત્યુના કાવ્યોનો સંગ્રહ છે. અહીં મૃત્યુનું ચિંતન નહીં, મૃત્યુનું સંવેદન છે. અનુઆધુનિક કવિતાની નાની પણ સ્મરણીય ઘટના તરીકે તજજ્ઞોએ એની નોંધ લીધી છે. ‘પૂર્વાભાસ’માં બીનંગત સ્તરનું વધુ સ્પૃહણીય છે. અભિધાનું સ્તર દેખીટી રીતે જોવાય, પણ રચના વ્યંજના સ્તરે પહોંચ્યા પછી તેનું હૃદય ખોળે. વળી રચાતી આવતી ગુજરાતી કવિતાથી દૂર રહીને તેમાં હવેની કવિતાનો આભાસ પણ મૂર્તતા પામ્યો છે. હવે પછી કવિતાના બેએક સંગ્રહ મૂકનાર છું. સારલ્યનું સૌંદર્ય છે ત્યાં તો પટાંતરે વર્તમાન સમયની ભીંસ પણ ક્યાંક વ્યંગ્ય-આક્રોશથી તો ક્યાંક મૂક રહીને ઝીલાઈ છે.

ફરમાસુ કવિતાથી દૂર રહ્યો છું. મનમાં કશુંક જાગે, સચ્ચાઈભર્યું તો જ. બાકી ના પાડું છું. પ્રતિબદ્ધ કવિતાનો ચાહક છું પણ કાવ્યતત્વના ભોગે એ નહીં હોવી જોઈએ. અનુવાદ – અનેક કવિતાઓ હિન્દી-અંગ્રેજીમાં રૂપાંતરિત થઈ છે. સાહિત્ય અકાદમી દિલ્હીના મુખપત્રોમાં અને અનેક રાષ્ટ્રીય સ્તરના સામયિકોમાં પ્રગટ થઈ છે. ‘પૂર્વાભાસ’ કાવ્યસંગ્રહ હિંદીમાં રૂપાંતરિત થયો છે.

* મારાં ગીતોનું સ્વરાંકન થતું રહ્યું છે. આકાશવાણી અમદાવાદ-વડોદરાએ વર્ષો સુધી મારાં ગીતોનું રૂપક દિવાળી ઉપર પ્રસારિત કર્યું છે. જાણીતા સંગીતવિદ જયદેવ ભોજકે મારાં ગીતો સ્વરબદ્ધ કર્યા છે. વડોદરાના પૂર્વ મહારાજા રણજીતસિંહ ગાયકવાડે મારાં ગીતોને કંઠ આપેલો. એક સમયે યુનિવર્સિટીના યુવકા મહોત્સવમાં મારાં ગીતોનો નૃત્ય શો થયો હતો.

* આટલા નજીક રહીને વર્તમાન કાવ્યપ્રવાહ અને કવિઓ વિશે કાંઇ કહેવું સમય પૂર્વેનું લેખાય. છતાં ગીત, ગઝલ, અછાંદસ પ્રત્યે ઝોક વધ્યો છે. પ્રકાશન પ્રવૃત્તિ વેગીલી બની છે. ડિજિટલ માધ્યમે મોકળાશ ઊભી કરી આપી છે. કવયિત્રીઓ પણ પોતાનો આંતરખજાનો લઈને આવે છે. આમાંથી કેટલાક અવાજો આશા જગવે છે. દરેક સમયને તેનું આગવું ઋત છે. આપણા સમયના કવિ પાસે પૂર્વકાળ, વર્તમાન બંને છે. તેનો તે સ્વસ્થ-ગંભીર-ગહન રીતે ‘કવિ’ શબ્દને છાજે એમ ઉપયોગ કરશે તો પરિણામ પ્રોત્સાહક આવશે. વિવિધ કવિતાના પરિવેશ સુધી, અલબત્ત આપણા કવિએ પહોંચવા પ્રયત્ન કરવો પડશે. મનોરંજન-મુશાયરાથી આગળ કવિતાની સાંકડી દુર્ગમ ગલી પહોંચવું પડશે. કેટલાક કવિઓ-કાવ્યો આ સંદર્ભે સંતર્પક બને છે એનો આનંદ.

* હવે પછી કાવ્યસંદર્ભે કોઈ યોજના નથી. આ સઘળું સ્યાહી-ચૂસ બ્લોટિંગ પેપર જેવું છે. ક્યારેક સ્યાહી ઢોળાઈ રહે, બ્લોટીંગ પેપર એ ચૂસી રહે અને કોઈ હૃદ આકાર સર્જાઈ આવે. જીવનના વર્ષોએ બંધાવેલું ભાથું બે કાવ્યસંગ્રહો સ્વરૂપે હવે મૂકવા માંગુ છું. હું જોઈ રહ્યો છું એ રંગ-રાગ-દૃશ્યો પણ તેમાં છે. લેખનમાં સહજ રહ્યો છું પણ કથનની ભૂમિકા ગંભીર રહી છે.

* મારા મનગમતા કવિઓ સંખ્યાતીત છે, સંખ્યાતીત તેવી રચનાઓમાંથી પસાર થયો છું. છતાં કોઈ એક કવિ પૂછો તો જર્મન કવિ રિલ્કે.

(લેખ કવિના જ શબ્દોમાં)

કવિ  ડો. પ્રવીણ દરજી

જન્મ : 23 ઓગસ્ટ 1944, મહેલોલ જિ. પંચમહાલ

માતા-પિતા : ચંચળબહેન શનિલાલ

જીવનસાથી – રમીલાબહેન 

સંતાનો : હેમા – હિરેન – ઈશિતા

કર્મભૂમિ : લૂણાવાડા – અન્ય શોખ : સંગીત, ચિત્ર, સામાજિક પ્રવૃત્તિઓ

કાર્યક્ષેત્ર : કવિતા, નિબંધ, વિવેચન, સંશોધન, સંપાદન, અનુવાદ, બાળસાહિત્ય

કાવ્યસંગ્રહો

  1. ચીસ (1973)   2. ઉત્સેધ (1985)   3. ઈઓ (2005)   4. ગ્રીનબેલ્ટ (2006)   5. પૂર્વાભાસ (2017) * જયંત પાઠક એવોર્ડ 

સન્માનો

પદ્મશ્રી, રણજિતરામ સુવર્ણચંદ્રક અને અનેક સુવર્ણચંદ્રકો

‘ચીસ’ કાવ્યસંગ્રહ વિશેષ પરિચય સાથે અમેરિકાની વોશિંગ્ટન લાઈબ્રેરીમાં મુકાયો છે.

કવિના કાવ્યસંગ્રહોના કાવ્યો પર અનેક સંશોધકોએ એમ ફિલ, પીએચ.ડી કર્યું છે.      

(લખ્યા તારીખ 20 સપ્ટેમ્બર 2020)

OP 6.2.21

ડો. પ્રવીણ દરજીના જીવનકવન વિશે વિડીયો – ગુજરાત સાહિત્ય અકાદમીના સૌજન્યથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: