રેખાબા સરવૈયા ~ મારા જમણા હાથની તજૅની (કાવ્યસંગ્રહ)

🥀🥀

*મુલાકાત*

મારા જમણા હાથની તજૅની
ડાબા હાથની મુઠ્ઠીમાં પકડીને
બેસવાની મારી આદતને નોંધીને
તેં પહેલીવાર મને
તારી પડખે લીધી ત્યારે

મને સમજાયો હતો
સુરક્ષાનો અર્થ
અને પછી તો
એ ખભો
એ છાતી જ જાણે મારો જીવનભરનો વિસામો

પણ મને અહેસાસ થયો
ભરચકક ભીડમાં કચકચાવીને પકડેલી
આંગળી છુટી જાય તો ?
ભવ આખાનો મુકેલો ભરોસો તૂટી જાય તો ?

આંખો સામે અંધારાં
મગજમાં બોલે નર્યા તમરાં
પગ હેઠેથી ખસી જતા રસ્તા

ભીંતમાં માથાં પછાડીને મારગ કરવાનો હતો
ભાન ગુમાવ્યા વગર ભવ તરવાનો હતો
અફસોસને ફોતરાંની જેમ ઉડાડવાનો હતો
સપનાંને રોયા વગર સળગાવીને ચાલવાનું હતું

કર્યું સઘળું
હવે તો પગ પાસેથી પસાર થાય છે રસ્તાઓ.
જાત સાથે તેં તરછોડી દીધેલી આંગળી                                                                       
હું એમ જ પકડી રાખું છુ,
આજેય મજબૂતીથી

આભાર તારો,
તેં જ કરાવી મને,
મારા મક્કમ મન સાથે મુલાકાત

~ રેખાબા સરવૈયા  

પ્રતિકૂળતા વગર પોતાની તાકાતનો અંદાજ ક્યાથી આવે? સામાન્ય સંજોગોમાં પણ આ સાચું છે તો અહીં તો વાત જીવનભરના સથવારાની !!  

રેખાબા ‘પ્રેમ અને પીડા’ કાવ્યસંગ્રહના નિવેદનમાં લખે છે, કવિ ભવભૂતિની વાત ‘કવિતા આત્માની કળા છે’ મને બહુ ગમે. એ લખે છે કે કવિતા જીવવાનો વિષય છે. પોતે 30 વર્ષથી કવિતા લખતાં હોવા છતાં કવિતાનું પુસ્તક કેમ છેક હમણાં આવ્યું ? એના જવાબમાં તેઓ અજ્ઞેયજીની પંક્તિ ટાંકે છે, ‘કિસી બીજકા વૃક્ષ હો જાના હી પ્રતીક્ષા હૈ !’

2006માં એમણે કવિ રમેશ પારેખને પોતાની થોડીક કવિતા સાથે એક પત્ર લખ્યો કે આ જે લખ્યું છે એને કવિતા કહેવાય ?’ અને ર.પા. એ કવિતાઓ વાંચીને નિરાંતે પત્ર લખ્યો. જેમાં એમણે આ કવિતા ટાંકી છે જે ખૂબ સરસ છે. સાંભળો,

જેમાં જિંદગીનું પ્રતિબિંબ જોઈ શકું
એવો એક
નીતર્યા જળનો વીરડો ગાળું છું
આ સમય નદીના પટ પર.
પણ જુઓ ને !
ઘટનાઓનો ડહોળ હેઠો જ ક્યાં બેસે છે ?

જુઓ, મુશ્કેલીઓ અને મથામણોમાંથી નીકળેલું આ નવનીત ! એ આ કવિતા.

આ પત્રમાં ખુદ ર.પા. કહે છે કે “એક કવયિત્રી જ્યારે સર્જનપ્રવૃત્ત થાય ત્યારે પુરુષના સંવેદનોના મુકાબલે એના સંવેદનો આગવાં, અલગ અને સત્યથી વધુ નજીક હોવાના.” આ વાત સાથે આપણે બધાં સમ્મત થઈશું.

રેખાબાના કુલ પાંચ પુસ્તકો – રેત પર લખાયેલ અક્ષર, ખોબામાં દરિયો, ધબકતું શિલ્પ, આંખમાં આકાશ અને પ્રેમ અને પીડા. કેતન મુનશી વાર્તા પુરસ્કાર અને બીજા અનેક પુરસ્કારો.

‘પ્રેમ અને પીડા’ * રેખાબા સરવૈયા * ગુર્જર 2023

9 thoughts on “રેખાબા સરવૈયા ~ મારા જમણા હાથની તજૅની (કાવ્યસંગ્રહ)”

  1. Kirtichandra Shah

    મુલાકાત સરસ તો છેજ સંવેદનાઓ જગાવી શકે છે ધન્યવાદ

  2. ખૂબ સરસ સંવેદનશીલ કવિતા, સ્રી કવિઓની કવિતા નોંખી હોય છે, સહમત. આપની નોંધ ખૂબ જ સરસ.

  3. અરવિંદ ટાંક. હિંમતનગર.

    આખર માણસ તો પોતાની હયાતીના જ હસ્તાક્ષરો લખતો હોય છે.
    એમાં જીવન, વિતાવેલી ક્ષણો આમ ઘણું બધું શબ્દ દેહે કવિતાના ક્ષેત્રમાં વાંચવા મળતું હોય છે. આપણને લાગે કે આવું તો મેં પણ અનુભવ્યું છે. એટલે રેખાબાની અછાંદસ રચનાઓમાં જોવા મળે છે.

  4. પ્રિય લતા બેન અને મારી કવિતl તથા આનુષંગિક નોંધને ને પસંદ કરી પ્રતિભાવ આપનારા પ્રિય મિત્રોની આનંદ સાથે
    🩷 થી નોંધ લઉં છું.
    ખૂબ ખૂબ રાજીપો.

  5. હરીશ દાસાણી.મુંબઈ

    રેખાબાની કવિતાઓ એટલે સંયત રીતે પણ કાવ્યાત્મક સંતુલન સાથે વેધકતાથી સ્પર્શ કરી જતા સંવેદનોનું વિશ્વ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *