વિનોદ જોશી * Vinod Joshi

ગુજરાતી ભાષાના ઉમદા ગીતકવિઓમાંના એક અને બહુસ્વીકૃત કવિ એટલે વિનોદ જોશી. પ્રોફેસર તરીકે અને ગુજરાતી વિભાગના વિભાગીય વડા તરીકે ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં એમણે ચાલીસ વર્ષ સેવા આપી. આ જ યુનિવર્સિટીમાં તેઓ વાઇસ-ચાન્સેલર પદે પણ રહ્યા. સાહિત્ય અકાદમી (નવી દિલ્હી) તરફથી ગુજરાતી અને પશ્ચિમ ભારતની ભાષાઓના કન્વીનર તરીકે 2008-2012 અને ફરી એ જ પદ પર 2018થી 2022 સુધી એમની વરણી થઈ.

વિનોદ જોશીનું વ્યક્તિત્વ સુબદ્ધ છે. એમાં સુઘડતા ને ચુસ્તી છે. ઘેરા ગંભીર ખરજના સૂરમાં રણકાદાર શબ્દો, શુદ્ધ ઉચ્ચારો અને આરોહ-અવરોહના કર્ણપ્રિય લયમાં એમના મુખે કવિતાપાઠ કે વક્તવ્ય સાંભળવું એક લ્હાવો છે. કવિના નામે 40 થી વધુ પુસ્તકો છે. સર્જનાત્મક અને વિવેચનાત્મક સાહિત્યમાં એમનું ઉત્કૃષ્ટ પ્રદાન છે. વિનોદ જોશીનાં ગીતો ખૂબ ગવાયાં છે. અનેક ગાયકોએ એમનાં ગીતોને સ્વર આપ્યો છે.

કવિ વિનોદ જોશીની વાત એમના જ શબ્દોમાં.

સર્જનપ્રક્રિયા

વાક્યથી પંક્તિ સુધી પહોંચતાં તો બહુ વાર નહોતી લાગી. પણ પંક્તિથી અપેક્ષિત કવિતા સુધી ? આજ લગી એની તો મથામણ છે. જે નથી ઊતરી શકી હજીય કાગળ પર, એ જ પંક્તિ મને હજી સુધી લખાવે છે…

પ્રાથમિક શાળામાં જ પ્રાસ મેળવતા આવડી ગયું હતું. પાંચમા-છઠ્ઠા ધોરણમાં ગામઠી શાળામાં ભણતા એક છોકરાનું કવિકર્મ આ હતું : ‘પોપટ તારી રાતી રે ચાંચ મેં ભાળી, પેલા હાથીની સૂંઢ છે કાળી.’ દસમા-અગિયારમા ધોરણમાં હતો ત્યારે શિખરિણી, મંદાક્રાંતા, શાર્દૂલવિક્રીડિત વગેરે છંદોમાં લખતો થઈ ગયેલો. બંધારણ શીખ્યા સિવાય સાચો છંદપાઠ કરી શકતો હતો. બચુભાઈ રાવતે શિખરિણીમાં લખાયેલું એક સોનેટ ‘કુમાર’માં છાપ્યું ત્યારે કંઇ બહુ નવાઈ નહોતી લાગી પણ શિક્ષકોએ રોમાંચ અનુભવ્યો ત્યારે થયું કે વાતમાં કંઈક દમ લાગે છે. પછી લખાતું જ રહ્યું. પિતૃપક્ષે વેદપાઠી બ્રાહ્મણ સંસ્કારો અને માતૃપક્ષે તળ લોકબોલી જેવા બે ભાષાસંસ્કારોથી  શૈશવ મંડિત હતું. ભજનમંડળીઓમાં મંજીરા વગાડતો અને મંદિરમાં ઝાલરટાણે તાલબદ્ધ નગારું વગાડું. લય-તાલના આવર્તનો લોહીમાં ભળ્યાં ને ભાષા સરાણે ચડતી રહી. કોલેજમાં ગયા પછી સુરેશ જોશીનું ‘કાવ્યચર્ચા’ પુસ્તક વાંચ્યું. સર્જન-વિવેચન બંને વાંચવા લાગ્યો. ગતાગમ પડતી હતી. એમ લાગ્યું કે બંને દિશાની મારી ઘણીખરી જાણકારી વગર વાંચ્યે પણ હતી.

ગીતો લખાયાં, ગવાયાં. બહુ ગવાયેલા ગીતકવિ તરીકે પંકાયો. એક તબક્કે ગીતમાંથી વિરામ લઈ લીધો. પછી ‘શિખંડી’ વૃત્તબદ્ધ દીર્ઘકાવ્ય લખાયું. એ પછી ‘તુણ્ડિલતુણ્ડિકા’ જેવી પદ્યવાર્તા લખાઈ જે પાછળથી અનુઆધુનિક કૃતિ તરીકે પોંખાઈ. બધાં મળીને સવાસો જેટલાં કાવ્યો થયાં. એ પછી લખાયું પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’, પૂરા સાત સર્ગમાં. મહાભારતના વિરાટપર્વની સૈરન્ધ્રી એક દાયકાથી મારી પાછળ પડી હતી.

સર્જકતા મારા માટે એક કોયડો છે. કશુંક નીપજી આવે છે ત્યારે હું એને મુગ્ધભાવે જોયા કરું છું. મને થાય છે કે મારાથી આવું કેવી રીતે લખાઈ ગયું ? મને ઘણા પૂછે છે કે ‘કૂંચી આપો, બાઈજી !’ કેવી રીતે લખ્યું ? મેં ગાતાં ગાતાં લખ્યું ને લખાઈ ગયું. આજે કોઈ ‘કૂંચી’ શબ્દ બોલતું નથી, ‘ચાવી’ બોલાય છે. છતાં ‘ચાવી આપો બાઈજી’ એમ નહીં ગાઈ શકાય. ભાષાનું આ બળ છે. એ કોઈ નિવારી ન શકે. જેમ કે ‘કટ્ટકો’ શબ્દ, એ બીજી કોઈ રીતે ગાઈ ન શકાય, બોલી ન શકાય. એના સ્થાન નક્કી કરવાની આ યોજના છે. આવી યોજના વ્યુત્પત્તિના બળે આપણને મળતી હોય છે, કેળવણીના બળે આપણને મળતી હોય છે. પણ આ કેળવણી એ કવિતા નથી. ભાવ એ કવિતા છે. મારું મનુષ્ય હોવું એ કેટલાક ભાવ સાથે જોડાયેલું છે. મને મળેલા વિચારો એ સહુની પાસેથી મળેલા વિચારો છે. મારો પિંડ એ વિચારનો પિંડ નથી, એ ભાવનો પિંડ છે. કારણ કે ભાવ એ કુદરતી છે. વિચાર તો બદલાઈ શકે, વિચાર તો પ્રેરિત પણ હોય. પણ ભાવ એ મારે મન બહુ જ મહત્ત્વની વાત છે. શબ્દને હું આ ભાવ સુધી લઈ જવા મથું છું. મને લાગે છે કે આજે મનુષ્યની સૌથી મોટી મૂંઝવણ છે કે ભાવ અત્યારે ધીમે ધીમે, વધુ ને વધુ અંદર, ઊંડા ઊંડા, જાણે કોઈ અંધકારમાં જતા ચાલ્યા છે. એના પર વિચારો, તત્ત્વ, ટિપ્પણ આ બધું વધતું ગયું છે. આપણે માહિતીના યુગમાં જીવી રહ્યા છીએ પણ આપણો ભાવપિંડ જો પ્રગટી નહીં શકે તો મનુષ્ય તરીકેનું આપણું હોવું એ પ્રકૃતિ સાથેની મોટી છેડછાડ હશે. કવિ તરીકેની મારી નિસ્બત આટલી છે.  

હું સાહિત્યસર્જન કરવાના મનસૂબા સાથે નથી લખતો. છંદોલય અને સાહિત્યકલાની થોડી-ઝાઝી આવડતી કૂંચીઓ અજમાવવાના અભરખાથી પણ નથી લખતો. પારિતોષિકો કે વાહવાહીથી બહુ હરખાઈ જવા જેવું નથી હોતું એ મને બહુ વહેલું સમજાઈ ગયું છે પણ ગળથૂથીમાં મળેલી ગુજરાતી ભાષા મને આહ્વાન આપે છે. તેની સાથેની ક્રીડા મને રંજન કરાવે છે, થકવી નાખે છે; ગેબમાં લઈ જાય છે, પ્રશાંત કરી દે છે. હું ને મારી ભાષા. હું લખું છું ભાષાનું આ ઋત પામવા માટે. મારો ઉદ્યમ માત્ર મારા માટે. સર્જન મારી જવાબદારી નથી, મારો આનંદ છે.  

કાવ્યભાષા

મારી કવિતાનો શબ્દ મને ક્યાં લઈ જાય છે અને હું એને કેમ અનુસર્યા કરું છું ? મારી પાસે એને નાથવા માટે કેટલીક આવડતો છે એટલે હું શબ્દને વશ કરું છું, એ મારી પાસે આવે છે, હું એને સંગોપુ છું પણ કોઈ એક ક્ષણે એ એની તાકાત એવી બતાવે છે કે એ મને ફંગોળીને આગળ ચાલ્યો જાય છે ને ફરીને હું એની પાછળ દોડ્યા કરું છું. ક્યારેક ગીતમાં, ક્યારેક સોનેટમાં, ક્યારેક ગઝલમાં, ક્યારેક દીર્ઘ કાવ્યમાં ; ક્યારેક છાંદસ રચનાઓમાં, ક્યારેક પદ્યવાર્તામાં.  વિવેચનોમાં હું એ બધું શોધવાની મથામણ કરું છું પણ લાગે છે કે શબ્દ એ પરપોટા જેવો છે. તમે અડો ને ફૂટી જાય. શબ્દ મારા માટે એક બહુ જ રહસ્યમય પદાર્થ છે.

આ એ શબ્દ છે જે મને જન્મજાત મળ્યો નથી. આ એ શબ્દ છે જે મેં મારા પરિસરમાંથી મેળવ્યો છે, કેળવ્યો છે અને પછી આલેખ્યો છે. આમાં મારું કંઇ જ નથી. હું આજે કોઈ પણ શબ્દ બોલું છું, એ શબ્દકોશમાં પણ હશે. તમારી ભાષામાં પણ હશે. માત્ર હું એને મારા રંગે રંગું છું. અને હું એવો આછોપાતળો આનંદ લઉં છું કે મેં એને જુદો કર્યો. એ જુદો થયો એટલે ઉત્તમ થઈ ગયો એવું નથી. હું મારી સર્જકતા વિષે લગીરે નિર્ભ્રાન્ત થઈ શકું તેવી સ્થિતિમાં નથી. પણ મને આશા છે કે ક્યારેક એ શબ્દ મારી સાથે પોતાની ગત માંડશે.

કાવ્ય એ ભાષાની કલા છે તેથી ભંગુર છે તેમ હું સ્પષ્ટપણે માનું છું. ભાષા હંમેશા અધૂરો અનુભવ આપનારી છે. મને મનુષ્યનિર્મિત આ માધ્યમ પહેલેથી જ અપૂર્ણ લાગ્યું છે. પણ સાહિત્યકારે લખવાનું તો ભાષામાં જ હોય છે. હું જાણું છું કે ભાષા સાથે જોડાયેલો સમય અને ભાષા સાથે જોડાતી ભાતો મને આહ્વાન આપે છે અને હું ક્રીડાપૂર્વક તેને ભોગવું છે. હું કોઈ કાલખંડ કે કોઈ રીતિમાં મારી સર્જકતાને બાંધતો નથી. મારી સર્જકભાષાનો હું નિયંતા હોઉં છું. અને મને એ ખબર છે કે એ નિતાંતપણે મારા ઘાટે ઘડાયેલી હોતી નથી. એમાં અનેકોએ પોતાના સંસ્કાર ભેળવેલા હોય છે. અંગત રીતે હું આધુનિક, અનુઆધુનિક કે પરંપરિત જેવા કોઈ કોષ્ટકમાં મને મૂકતો નથી. વપરાયેલી ચીજને હું નવી દેખાય તેવી કરવા મથું છું એટલું જ. ઘણીવાર હું માનું છું તેથી સાવ ઊંધું પણ થતું હોય છે. ભાષા ખુદ મને નચાવતી હોય છે. ભાષામાં કલાનું ઋત પૂર્ણદલ પ્રગટી શકે એ વિશે હું સાશંક છું છતાં આ ઉધામા છે. તેમાંથી બ્રહ્માનંદ સહોદર કોઈ આનંદ મેળવવાના અભરખા પણ છે. ક્રાન્તદર્શન કરવાની નહીં તો પણ તેને જાણવાની અભિલાષા તો છે જ. જો કે આવી મથામણોનું પરિણામ બીજી મથામણની ઉપલબ્ધિ સિવાય કશું હોતું નથી તેવી સમજથી આગળ હજી જવાયું નથી. કદાચ એ સમજ જ આ મથામણની ઉપલબ્ધિ છે.

કવિ વિનોદ જોશીનું સર્જન 

કાવ્યસંગ્રહો (6)  

1.પરંતુ   2. ઝાલર વાગે જૂઠડી   3. શિખંડી (વૃત્તબદ્ધ દીર્ઘકાવ્ય: કવિમુખે કાવ્યપઠનની ઓડિયો વિડીયો સીડી સાથે)   4. તુણ્ડિલતુણ્ડિકા (પદ્યવાર્તા)   5. સૈરંધ્રી (પ્રબંધકાવ્ય : કવિમુખે કાવ્યપઠનની ઓડિયો વીડિયો ડી.વી.ડી. સાથે)   6.‘મારાં કાવ્યો’ : વિનોદ જોશી (સ્વયં કવિએ ચૂંટેલી રચનાઓ)

કવિતા સંબંધિત પુસ્તકો (12)   

અમૃત ઘાયલ : વ્યક્તિમત્તા અને વાઙ્ગ્મય   2. નિર્વિવાદ : કાવ્યની તત્ત્વ નિષ્ઠ ચર્ચા   3. સોનેટ   4. રાસતરંગિણી (દામોદર બોટાદકર)   5. ‘આજ અંધાર ખુશબોભર્યો લાગતો’ (પ્રહલાદ પારેખના ચૂંટેલા કાવ્યો)  6. ‘ગુજરાતી કવિતાચયન’ 2006   7. વિરાટના પગથારે (જગદીપ વીરાણીના ચૂંટેલા કાવ્યો)   8. જગદીપ વીરાણીની કાવ્યસૃષ્ટિ (સમગ્ર કવિતા)   9. કિસ્મત કુરેશીની પચાસ ગઝલ (અન્ય સાથે)   10. કાવ્યપટ (કાવ્યાસ્વાદ)   11. કાવ્યતટ (કાવ્યાસ્વાદ)   12. કાવ્યરટ (કાવ્યાસ્વાદ)

અન્ય પુસ્તકો (16)

1.‘મોરપીંછ’ – પત્રનવલ  2. ‘વીજળીને ચમકારે’ – ચિંતનાત્મક લેખો    3. ‘ખોબામાં જીવતર’ પ્રસંગકથાઓ

તથા પાંચ વિવેચનના પુસ્તકો, ત્રણ સંપાદનો અને પાંચ વાર્તાસંગ્રહો.      

સન્માનો 

 1. આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ 2018
 2. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2015
 3. કવીશ્વર દલપતરામ એવોર્ડ 2013
 4. દૂરદર્શન ગિરનાર સાહિત્ય શિરોમણિ પુરસ્કાર 2012
 5. ઉમાશંકર જોશી એવોર્ડ 1986
 6. જયંત પાઠક કવિતા એવોર્ડ 1984
 7. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એવોર્ડ 2011
 8. વિવેચનગ્રંથ ‘નિવેશ’ માટે સાહિત્ય પરિષદનું રમણલાલ જોશી પારિતોષિક 
 9. રાષ્ટ્રીય કલાકેન્દ્ર એવોર્ડ 2014
 10. કલાપ્રતિષ્ઠાન દ્વારા કલારત્ન એવોર્ડ 2016
 11. ‘સન્ધાન’ ક્રિટીક્સ એવોર્ડ 1986
 12. ભારતીય વિદ્યાભવનનું સમર્પણ સન્માન 2018
 13. આઈ. એન. ટી. દ્વારા કલાપી એવોર્ડ 2018

જીવન 

ડો. વિનોદ જોશી 

જન્મ : 13 ઓગસ્ટ 1955  ભોરીંગડા (જિ. અમરેલી, ગુજરાત)  

માતા-પિતા :  લીલાવતી હરગોવિંદદાસ.   જીવનસાથી : વિમલબહેન.    સંતાન : આદિત્ય

કર્મભૂમિ : ભાવનગર

શું ગમે ? : (લેખનવાંચન સિવાય)

ચિત્ર , સંગીત, ડ્રાઈવિંગ, મિકેનિકલ કામો, ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ, વસ્ત્રાભૂષણ 

કવિ વિનોદ જોશીને સાંભળો ‘સાહિત્ય ગૌરવ’ એવોર્ડ સ્વીકારતાં

OP 24.4.21

***

અરવિંદ દવે

24-04-2021

કવિ શ્રી વિનોદભાઈ જોશી…

‘સાહિત્ય ગૌરવ’ એવોર્ડ સ્વીકારતાં વિનોદભાઈ ઘણું શીખવી ગયાં…..

ભાષા પર પ્રભુત્વ હોવું આ એક વાત છે, અને ભાષા-ગૌરવ એ બીજી વાત છે…..એમનાં કોઈપણ વક્તવ્યમાં ગુજરાતી ભાષાની ગરિમા સહજ જ જળવાતી હોવાનો મારો અનુભવ છે…..

આપનું ‘કાવ્યવિશ્વ’ કાવ્યવિશ્વ સાથે જોડી રાખે છે……આભાર બેન……

છબીલભાઈ ત્રિવેદી

24-04-2021

ભાઈ શ્રી વિનોદભાઈ જોશી નો પરિચય ખુબ વિસ્તાર પુર્વક આપ્યો, મહુવા કૈલાસ ગુરુકુળ મા ઘણા કાર્યક્રમો મા મળવા નુ બનતુ, વિનોદભાઈ ને નરસિંહ અવોર્ડ વખતે પણ જુનાગઢ મળ્યા હતા ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

સુરેશ જાની

24-04-2021

એમની સાથે ત્રણ દિવસ સાથે રહેવાનો લ્હાવો મળ્યો હતો, તે યાદ આવી ગયું

2 Responses

 1. સરસ પરિચયાત્મક લેખ ખૂબ ખૂબ અભિનંદન

 2. રિયાઝ લાંગડા (મહુવા). says:

  ખૂબ સરસ વ્યક્તિત્વ પરિચય કરાવતો લેખ…👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: