કવિ વિનોદ જોશીના ચાર કાવ્યો * Vinod Joshi

ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી ‘તી
મુને ઉંબર લઈ ચાલ્યો બજારમાં…

પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપર ઉમેરે તોફાન;

આમ તેમ જોતી હું તો અમથી ઊભી ‘તી
લાલ છાંટો ઊડ્યો રે શણગારમાં…

બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવા૨,
ઝટ્ટ દઈ તોળી મુને આંખ્યુંના ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;
સાનભાન ભૂલી હું તો અમથી ઊભી ‘તી
દઈ પડછાયે ટેકો સૂનકારમાં…

ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ;
નામઠામ છોડી હું તો અમથી ઊભી ‘તી
સાવ નોંધારી થઈને ભણકારમાં…

ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ,
સુરજ પાડીને એણે ઓર્યા રે સામટા, ઉપરથી રેડ્યું આકાશ;

રૂમઝૂમ થાતી હું તો અમથી ઊભી ‘તી
હવે અમથી ઊભી’તી એંકારમાં…
હજી અડધે ઊભી ‘તી એેંકારમાં….
મુને ઉંબર લઈ ચાલ્યો……

~ વિનોદ જોશી

નારીભાવના ગીતોમાં કવિ વિનોદ જોશીની કલમ સોળે કળાએ ખીલે છે. અલબત્ત કવિતા એમને સહજ સાધ્ય છે એટલે બીજા કાવ્યોમાં પણ એમનો એટલો જ અધિકાર વર્તાય છે પરંતુ સ્ત્રીના પ્રણયના, શૃંગારના ભાવો આલેખવામાં એમનો કમાલ ઊડીને આંખે વળગે. આજે એવા જ ચાર ગીતો.

****

એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ
હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ…

પછી ઢોલિયે જરાક પડી આડી તો,
અરે ! અરે ! ટહુકાથી ફાટફાટ ચોળી,
ઓશીકે બાથ ભરી લીઘી તો,
ફર્ર દઈ ઊડી પતંગિયાની ટોળી;

મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,
મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ.
હવે દીવો ઠારું? કે પછી દઇ દઉં કમાડ?
હું તો મૂંઝારે રેબઝેબ બેઠી,

આઘી વઈ જાઉં પછી ઓરી થઈ જાઉં
પછી પગલું માંડું તો પડું હેઠી!
હું તો પડછાયો પાથરીને કરતી ‘તી મૂલ,
કોઈ મારામાં ઓગળીને પરબારું ડૂલ…

~ વિનોદ જોશી

પ્રેમમાં પડ્યા પછી છાતીમાં બુલબુલના ચહેકાટ ફૂટે જ… ઓઢણીમાં સંતાડી ભૂલ…. વારી જવાય કવિના કલ્પનો પર….  લયકારી અને સૌરાષ્ટ્રની મીઠી બોલી….. આહા….

*****

ઠેસ વાગી ને નખ્ખ નંદવાયો રે, સૈ !

પડ્યા આડા ઊંબર આડી ઓસરી,
છેક છાતીમાં તૈડ પડી સોંસરી;
જડ્યો પડછાયો સાવ ઓરમાયો રે, સૈ !

મેં તો ધબકારો લીંપીને આળખી,
મારાં ભોળાં પારેવડાંની પાલખી;
એક સોનેરી સૂર સંભળાયો રે, સૈ !

હતી સાકરની સાવ હું તો પૂતળી,
દોટ કાઢીને દરિયામાં ઊતરી;
મુંને મારો મુકામ ઓળખાયો રે, સૈ !

~ વિનોદ જોશી

લો આ બીજા ગીતમાં પણ ઉંબરની વાત આવી. વાત પ્રિયતમને મળવાની છે અને એમાં આડું કંઈ પણ આવે, એને ઓળંગવું જ પડે….. તરસની તીવ્રતા…

*****

કારેલું…… કારેલું
મોતીડે વઘારેલું,
સૈયર મોરી , મેં ભોળીએ ગુલાબજાંબુ ધારેલું.

આંજું રે હું આંજું , ટચલી આંગળીએ દખ આંજું,
નખમાં ઝીણાં ઝાકળ લઇને હથેળિયુંને માંજું;
વારેલું… વારેલું… હૈયું છેવટ હારેલું,
કારેલું…… કારેલું…….

સૈયર સોનાવાટકડીમાં પીરસું રે સરવરિયાં,
અઢળક ડૂમો અનરાધારે ઢળી પડે મોંભરિયાં;
સારેલું… સારેલું …આંસું મેં શણગારેલું,
કારેલું…… કારેલું…….

આંધણ ઓરું અવળાં સવળાં બળતણમાં ઝળઝળીયાં,
અડખે પડખે ભીના ભડકા અધવચ કોરાં તળિયાં;
ભારેલું…ભારેલું … ભીતરમાં ભંડારેલું,
કારેલું…… કારેલું…….

~ વિનોદ જોશી

કેવાં કેવાં પ્રતીકો લઈને આવે છે આ કવિ ! ટચલી આંગળીએ દખ આંજતી નાયિકા વિરહમાં આકળવિકળ થઈ ગઈ છે…

લોકગીતના લહેકાઓ આંજી કવિ ગીતને ભાવકની અડખે-પડખે ને ભીતર સુધી ભંડારી દે છે… આ હિલ્લોળ નાયિકા સાથે સંધાન સાધી દે છે….

*****

6 Responses

  1. Kirtichandra Shah says:

    વિનોદ જોશી ની કવિતા વાંચીને હું 85 મેં વર્ષે પણ રોમાંચક થઈ ગયો

    • અરવિંદભાઈ દવે, ગારિયાધાર says:

      વિનોદભાઈ-બોલે તો અવાજ અંદરથી જ પડઘાઈને બહાર આવે….સાંભળ્યા જ કરીએ….ખોવાઈ જઈએ….
      અને, ગીત આપે એટલે એવું માવજત-સભર આપે કે સીધું હૃદયમાં જ…..!!!
      એમની કલમને સક્ષમ કહેવી…?? સમર્થ કહેવી…??
      ના…ના…સક્ષમ હોય એ ક્યારેક અક્ષમ થાય અને સમર્થ ક્યારેક અસમર્થ….
      એટલે વિનોદભાઈની કલમને વિનોદભાઈની કલમ જ કહીએ….!!!
      અદ્ભૂત રચનાઓ….
      આભાર લતાબેન….કાવ્ય-વિશ્વના માધ્યમથી માતૃભાષાની આપ જે ખેવના કરી રહ્યા છો એને નમસ્કાર છે…..🙏

  2. અરવિંદભાઈ દવે, ગારિયાધાર says:

    વિનોદભાઈ-બોલે તો અવાજ અંદરથી જ પડઘાઈને બહાર આવે….સાંભળ્યા જ કરીએ….ખોવાઈ જઈએ….
    અને, ગીત આપે એટલે એવું માવજત-સભર આપે કે સીધું હૃદયમાં જ…..!!!
    એમની કલમને સક્ષમ કહેવી…?? સમર્થ કહેવી…??
    ના…ના…સક્ષમ હોય એ ક્યારેક અક્ષમ થાય અને સમર્થ ક્યારેક અસમર્થ….
    એટલે વિનોદભાઈની કલમને વિનોદભાઈની કલમ જ કહીએ….!!!
    અદ્ભૂત રચનાઓ….આભાર લતાબેન….કાવ્ય-વિશ્વના માધ્યમથી માતૃભાષાની આપ જે ખેવના કરી રહ્યા છો એને નમસ્કાર છે…..

  3. Saaj Mevada says:

    ગીતો માટે ખ્યાત કવિ વિનોદ જોશીને સરસ રચનાઓ માણી, આનંદ.

  4. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    વિનોદ જોશીના કાવ્ય એટલે સ્ત્રીના ભાવને વ્યકત કરતાં કાવ્યો… તેમનાં કાવ્યોને પોંખવા એટલે સૂરજને દીવો ધરવો…ચારેય ગીતો અદભૂત

  5. Parbatkumar Nayi says:

    ગમતા કવિની ગમતી રચનાઓ
    ખૂબ સરસ લતાબેન
    ખૂબ ખૂબ શુભેચ્છાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: