વિનોદ જોશી ~ પાંદડાએ લે * Vinod Joshi

પાંદડાએ લે! મને ઊભી રાખી,
પછી અમથી પછી તમથી પછી સાચુકલી વાત કરી આખી…

વાતમાં તો ઝાકળની લૂમ એને વેડો તો
દાતરડાં બૂઠ્ઠાં થઈ જાય,
સૂરજના હોંકારે જાગેરા કાળમીંઢ
પડછાયા જૂઠ્ઠા થઈ જાય;

ઝાડવાએ લે! મને ઊભી રાખી,
પછી અરડી પછી મરડી પછી તડકેથી છાંયડીમાં નાંખી…

કોઈવાર માળામાં ઊતરતું ચાંદરડું
ડાળખીમાં ત્રાંસું થઈ જાય,
કોઈવાર આંખોમાં આથમેલ શમણાંઓ
ગળચટ્ટાં આંસુ થઈ જાય;

વાયરાએ લે! મને ઊભી રાખી,
પછી અહીંથી પછી તહીંથી પછી પગથી તે માથા લગી ચાખી…

વિનોદ જોશી

કવિ વિનોદ જોશી લયના બાદશાહ છે. મોટેભાગે સ્ત્રીસંવેદનાના ભર્યા ભર્યા રણઝણતાં ગીતો એમણે આપ્યાં છે, એમાંનું એક ‘પાંદડાએ લે મને ઊભી રાખી’ . એ એટલું જ અને એ એટલું જ સરસ રીતે ગવાયું છે.  

સુવાંગ પ્રકૃતિકાવ્ય ‘તડકો ચીરીને સ્હેજ ત્રાંસો કર્યો’  ડોલાવી ગયું. નરી પ્રકૃતિની સવારથી માંડીને રાત સુધીનું જે વર્ણન છે એને કોઈ કાવ્યમીમાંસાની જરૂર નથી. આખાયે ગીતમાં કુદરતના એક પછી એક પાસા એટલી નાટકીય કુશળતા અને કલાત્મક પ્રતિકોથી વહેતા થયા છે કે ‘વાહ’ પોકારી જ જવાય. 

કવિ વિનોદ જોશીનું ગીત ‘પાંદડાએ લે મને ઊભી રાખી’ ગાયિકા ગાયત્રી ભટ્ટના સ્વરમાં સાંભળીએ 

8.12.20

કાવ્ય : વિનોદ જોશી સ્વર : ગાયત્રી ભટ્ટ

મનોહર ત્રિવેદી

13-04-2021

વિનોદની રચના તો ઝાકળ જેમ ભીંજવી જ જાય. એનું આ એક અનેક ગીતોથી એણે આપણને રિઝવ્યા છે.
તમને તો સુકામનાઓ સો વરસના પટ્ટે મેં લખી આપી છે !

1 Response

  1. મસ્ત મજાનું ગીત… જાણીતું છતાં ફરી ફરી માણવું ગમે એવું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: