રઘુવીર ચૌધરી ~ તું વરસે છે * Raghuvir Chudhari

તું વરસે છે ત્યારે
એક કે બે પંખી
દૂર કે નજીકથી ગાય છે.
કોઈક વટેમારગુ અજાણતાં ભીંજાય છે.

વાદળ સ્થિર થાય છે ત્યાં
વૃક્ષો ચાલીને
તો ક્યારેક ઊડીને
એમની પાસે જાય છે.
આ બાજુ
બાળકો અને શેરી
એક સાથે નહાય છે.

તું વરસે છે ત્યારે
સૂની બારી પર ટકોરા થાય છે,
અગાઉની રજ ભીના અવાજમાં
વહી જાય છે.

તું વરસે છે ત્યારે
અંદરના ઓરડે પ્રકાશ થાય છે. ….

~ રઘુવીર ચૌધરી

‘તું’ અહીં એકથી વધારે અર્થ લઈને આવે છે. એ વરસાદ તો ખરો જ, પ્રિય પાત્ર માટે કે એની યાદ માટે પણ અનુભવી શકાય. કલ્પનો જે પ્રયોજાયા છે એ પણ અનેક સંકેતો કરે છે. કવિતાની જ આ ખૂબી છે. ‘અગાઉની રજ ભીના અવાજમાં વહી જાય છે….’ આ શબ્દો સાથે વહી જુઓ તો !!

રણજિતરામ અને જ્ઞાનપીઠ એવોર્ડથી વિભૂષિત કવિનું સૂક્ષ્મ સંવેદનભર્યું કાવ્ય.

5.12.20

***

Purushottam Mevada, Saaj

13-04-2021

કવિ શ્રી રઘુવીર ચૌધરી સાહેબની કવિતા ઘણા ભાવ વિશ્વમાં લઈ જાય છે.

પ્રફુલ્લ પંડ્યા

13-04-2021

” તું વરસે છે ત્યારે ” શ્રી રધુવીરભાઈની સરળ સહજ બાનીમાં વ્યક્ત થતી સંવેદના કૈ કેટલાંય કલ્પન અને ભાવ પ્રદેશમાં દોરી જાય છે. કવિતામાં infinity આખરે શું છે તે આવી કૃતિઓમાં જોવાં અનુભવવા મળે છે.સંક્ષિપ્ત આસ્વાદમાં તમે લખ્યું છે તેમ તું વરસે છે ત્યારે અનેક સંકેતો સાથેનું ભાવવિશ્વ વરસતું હોય છે ! એમાં ભીંજાઈ જવાની મજા જ અનેરી ! કવિશ્રી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: