ગીતનું સ્વરૂપ ~ વિનોદ જોશી * Vinod Joshi * Geet

ગીતનું સ્વરૂપ : કેટલોક પુનર્વિચાર ~ વિનોદ જોશી

ગીતનાં સ્વરૂપ વિશે એક પુસ્તક લખાય તેટલું મનમાં છે. પણ અહીં સંક્ષેપમાં કેટલીક વાતો રજૂ કરીશ. કવિતાનાં આ સ્વરૂપ વિશે આપણે ત્યાં કદાચ સૌથી વધુ ગેરસમજ પ્રવર્તે છે. તેનું એક કારણ એ છે કે ગીત સાથે સંગીત પણ જાણ્યે-અજાણ્યે જોડાય છે. તેથી, ગવાય તે ગીત અથવા ગાઈ શકાય તેવું કાવ્ય તે ગીત એવાં વિધાનો થયાં કરે છે. નાટકની સંપૂર્ણતા તે ભજવાય તેમાં છે તે રીતે ગીતની સંપૂર્ણતા તે ગવાય તેમાં છે તેવું કહેનારા પણ છે. વળી, આ વિધાનો અધિકૃત વિદ્વાનો કે ગીતો લખનારા કવિઓએ કરેલા છે તેથી કોયડો વધુ ગુંચવાય છે. પહેલાં કેટલીક સ્પષ્ટતાઓ કરી લઈએ.

અહીં ઉપયોગમાં લેવાતો ‘ગીત’ શબ્દ કાવ્યસાહિત્યની એક સંજ્ઞા તરીકે, તેના સ્વરૂપવાચી અર્થમાં વિવક્ષિત છે. સંગીત કહીને જેને ઓળખાવાય છે તે કળા સાથે તેને કોઈ સીધી નિસબત નથી. ગવાતું ગીત સંગીતશાસ્ત્રનાં ધોરણોને લઈને આવે છે. જયારે અહીં જે ગીતની વાત થાય છે તે કાવ્યશાસ્ત્રનો વિષય છે. તેની અભિવ્યક્તિનો મૂળાધાર ભાષા છે, સૂર નથી. તેથી, અહીં જયાં જયાં ‘ગીત’ શબ્દ આવે ત્યાં ત્યાં તે ‘ગીતકાવ્ય’ તરીકે, વધુ સ્પષ્ટ કરીને કહું તો, કાવ્યસાહિત્યના ખંડકાવ્ય; સૉનેટ, ગઝલ ઈત્યાદિ કાવ્યસ્વરૂપોથી ભિન્ન એવા એક કાવ્યસ્વરૂપ તરીકે લક્ષિત છે. હવે હું શાના વિશે વાત કરું છું તે સ્પષ્ટ છે.

ગીતનો જન્મ ભાષાના જન્મ પછીની ઘટના છે. ગીત માનવકંઠ જેટલું જૂનું નથી. કંઠ તો ભાષા નહોતી ત્યારે પણ હતો. કંઠને એ વખતે સૂર મળેલો હતો, ભાષા મળી નહોતી. ભાષાની ગેરહાજરીમાં પણ સૂરની કળાનો સંભવ હોય તે વાત નકારી શકાશે નહીં. તેથી ગીતનું અસ્તિત્વ ભાષાનાં જન્મ પછી સિદ્ધ થયાનું માનવું તર્કપૂત ગણાશે. ભાષાનાં જન્મ પૂર્વેની અશબ્દ સૂરની પીઠિકાનો તેને લાભ મળ્યો હશે, પણ વસ્તુતઃ ભાષાને ખપમાં લેવામાં આવી તે પછી જ ગીતના હાલના કાવ્યસ્વરૂપનો આવિર્ભાવ થયો ગણાય. કાવ્ય તરીકે અને કાવ્યસ્વરૂપ તરીકે સિદ્ધ થતાં તો આ ઘટનાને અનેક સદીઓમાંથી પસાર થવું પડયું હશે, તેમ માનવું ૨હે. ગીતની દૂરના ભૂતકાળની ભૂમિકા માત્ર નિરાધારરૂપે કલ્પી જ શકાય. છતાં એટલું ચોક્કસ છે કે પ્રવર્તમાન કાવ્યપ્રકારોમાં સૌથી જૂનું કાવ્યસ્વરૂપ ગીતનું છે. તેનું એક મહત્ત્વનું પ્રમાણ એ છે કે ગીત લયના આશ્રયે પ્રગટતું કાવ્યસ્વરૂપ છે. લય પ્રકૃતિદત્ત છે. મનુષ્યમાં સ્થૂળ કે સૂક્ષ્મ રીતે તે જન્મથી જ છે. ભાષા લયથી સદા આવૃત્ત હોય છે. એટલે એમ કહી શકાય કે લયાત્મક ભાષાની પ્રત્યેક અભિવ્યક્તિમાં ગીતનો સંભવ હોઈ શકે. તે કાવ્યકોટિએ પહોંચે ત્યારે પણ લયની સામેલગીરી તેમાં હોય જ છે. આમ તેને કાવ્યસ્વરૂપ લેખે આદ્ય ગણવા માટે સમર્થન મળી રહે તેમ છે. ‘ગીત’ નામે સંજ્ઞાથી વંચિત એવા ગીતોનો ઈતિહાસ એ સંજ્ઞા વપરાવી શરૂ થઈ ત્યાર પછીના તેના ઈતિહાસ કરતાં અનેકગણો મોટો છે, તે નિર્વિવાદ બાબત છે.

~ વિનોદ જોશી (મૂળ લેખનો અંશ)

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના ગુજરાતી વિભાગ અને ‘સન્નિધાન’ના સંયુક્ત ઉપક્રમે ફેકલ્ટી ઑફ આર્ટ્સમાં યોજાયેલ કાર્યશિબિરમાં તા. ૩, જાન્યુઆરી, ર૦૦૪ના રોજ કરેલું વક્તવ્ય લેખ સ્વરૂપે

ટૂંકાવીને કુલ ચાર ભાગમાં વહેંચેલા લેખનો પહેલો ભાગ ~ સં.   

11 Responses

 1. હરીશ દાસાણી.મુંબઈ says:

  ગીત વિશે વધુ વિસ્તારપૂર્વક વાત માટે બાકીના ત્રણ ભાગની પ્રતીક્ષા છે.

 2. ગીત વિશે ખુબ તલસ્પર્શી માહિતી ખુબ ખુબ અભિનંદન કવિ શ્રી વિનોદજોશી ને ખુબ ખુબ અભિનંદન

  • ચંદ્રશેખર પંડ્યા says:

   કવિનું કહેવું છે કે લયાત્મક ભાષાની અભિવ્યક્તિ ગીત છે જ્યારે એવું પણ કહ્યું છે કે જે ગાઈ શકાય તે ગીત, એ માન્યતા ઉચિત નથી. આમ બે વિપરીત જાણકારી મને લાગી કારણ કે ભાષા જ્યારે લયાત્મક બને ત્યારે જ તેની સુયોગ્ય બંદીશ બની શકે. અન્યથા નહિ.

   • Kavyavishva says:

    ચારેય ભાગ લગભગ અઠવાડીયામાં મુકાઈ જશે. એ પછી આપની કોમેન્ટ કવિ સાથે શેર કરીએ.

 3. 'સાજ' મેવાડા says:

  ગીતની વાત થાય છે તે કાવ્યશાસ્ત્રનો વિષય છે. તેની અભિવ્યક્તિનો મૂળાધાર ભાષા છે, સૂર નથી. તેથી, અહીં જયાં જયાં ‘ગીત’ શબ્દ આવે ત્યાં ત્યાં તે ‘ગીતકાવ્ય’ તરીકે, વધુ સ્પષ્ટ કરીને કહું તો, કાવ્યસાહિત્યના ખંડકાવ્ય; સૉનેટ, ગઝલ ઈત્યાદિ કાવ્યસ્વરૂપોથી ભિન્ન એવા એક કાવ્યસ્વરૂપ તરીકે લક્ષિત છે

 4. વિજય રાજ્યગુરુ says:

  સરસ છણાવટ

 5. પ્રફુલ્લ પંડ્યા says:

  ગીતનું સ્વરૂપ: કેટલોક પુનર્વિચાર : ગીતના જન્મથી માંડીને ભાષાની લયાત્મક અભિવ્યક્તિની સુંદર છણાવટ અને ગીત વિશે પ્રવર્તતી કેટલીક ગેરસમજોને દૂર કરો કરતા સચોટ નિરીક્ષણો એક સમયોચિત વિચારણાનો નકકર આયામ રચે છે.કવિશ્રી વિનોદ જોશી વિવેચક,વિચારક, ચિંતક અને સંશોધક પણ છે એટલે આ અભ્યાસમાં તેમની બહુઆયામી ક્ષમતાનો અસરકારક ઉપયોગ થયો છે જે ગીતના સ્વરૂપની ગ ઈ કાલ અને આજને સમજવાની ભૂમિકા પૂરી પાડે છે.આ એક સરસ ઉપક્રમ છે અને ગીતના સ્વરૂપ વિશે માત્ર કેટલોક જ નહીં પણ ઘણાં બધાં પુનર્વિચારની જરુર છે.સશકત વિચારણા વિના કોઈ પણ કાવ્ય સ્વરૂપને આગળ લઈ જઈ શકાય નહીં. વિનોદભાઈએ આ દિશામાં સુંદર પ્રયાસ કર્યો છે તે માટે તેઓને ખૂબ ખૂબ અભિનંદન ધટે છે.
  ” કાવ્ય વિશ્વ”એક અનોખી વેબસાઈટ છે એટલે પ્રભાતે પ્રભાતે આવું નવચિંતન પ્રસાદીરૂપે હાથમાં અચાનક આવી પડે છે ! લતાબેનની ઉલટને પણ સલામ !
  પ્રફુલ્લ પંડ્યા

 6. ઉમેશ જોષી says:

  વાહ લતાબેન આપે કવિ વિનોદ જોષીની ગીત અંગેની વિસ્તૃત માહિતી આપી છે..
  અભિનંદન.

 7. Parbatkumar nayi says:

  વાહ સરસ માહિતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: