લાલજી કાનપરિયા ~ બે ગીતો * Lalji Kanpariya  

શેતલ ! તારા તીરે

શેતલ ! તારા તીરે
મૂક્યાં’તાં મેં શમણાં ચપટીક રમતાં તારાં નીરે !

વીરડા ગાળી પાયાં જેણે અમરત જેવાં પાણી,
ખબર નથી કે આજ હશે ક્યાં રુદિયાની એ રાણી !
જનમજનમની તરસ કદાચ લખાઈ હશે તકદીરે !
શેતલ ! તારા તીરે.

તું સુકાણી, અમે સુકાયા, સમય પણ સુકાયો,
બારે મહિના ઘોર ઉનાળો, ફરી ન ફાગણ આયો !
અસ્તાચળે સૂરજ હવે આ ડૂબે ધીરે ધીરે
શેતલ ! તારા તીરે.

~ લાલજી કાનપરિયા

કવિને જન્મદિને શુભકામનાઓ

અત્તરિયા રાજા

ઊગ્યા ઊગ્યા ડુંગર વચ્ચે દરિયા રે અત્તરિયા રાજા !
પડછાયા પાણીમાં  એવા તરિયા રે અત્તરિયા રાજા

પાંપણમાંથી કોઈ અચાનક છટક્યું રે અત્તરિયા રાજા !
લોચનને અંધારું એવું ખટક્યું રે અત્તરિયા રાજા !

ખરી ગયેલા શ્વાસ છાતીએ વાગ્યા રે અત્તરિયા રાજા !
અડધી રાતે સાગ-ઢોલિયા જાગ્યા રે અત્તરિયા રાજા

હથેળીયુંમાં ખળખળ નદીયું વહેતી રે અત્તરિયા રાજા !
ભીની ભીની દંતકથાઓ કહેતી રે અત્તરિયા રાજા !

ઘર, ફળિયું ને નળિયાં ડસવા લાગ્યાં રે અત્તરિયા રાજા !
અમને અમારાં સમણાં હસવા લાગ્યાં રે અત્તરિયા રાજા !

~ લાલજી કાનપરિયા

કવિને જન્મદિને શુભકામનાઓ

1 Response

  1. શેતલ ના કાંઠે બાળપણ વિત્યુ વતન ની યાદ આવી ગઇ કાવ્યો ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: