રમેશ પારેખ ~ ધીમે ધીમે * યોસેફ મેકવાન Ramesh Parekh Yosef Mecwan

તમને ફૂલ દીધાનું યાદ

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ…

અમે તમારી ટગરફૂલ-શી આંખે ઝૂલ્યા ટગરટગર તે યાદ

અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવાં ભરી કેટલીવાર પીધાનું યાદ

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ……

અડખેપડખેના ખેતરમાં ચાસ પાડતા,  હળ મારી આંખોમાં ફરતાં

એકલદોકલ કોઈ ઉછળતું સસલું, દોડી જતાં ઝાંખરા પરથી પર્ણો ખરતાં

રે પવનના લયમાં સમળી તેના છાંયા

છૂટાછવાયા ફાળ ઘાસમાં ભરતા, ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું

સરખું બપોર ઊડી એકસામટું, પાંખ વીંઝતું હવા જેવડું થાય

ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું, નીલરંગનું પંખી જોઈ ઝાડ ભૂલ્યાનું યા

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

~ રમેશ પારેખ

આસ્વાદ ~ યોસેફ મેકવાન

જેમ કવિશ્રી પ્રહ્લાદ પારેખથી તત્કાલીન ગુજરાતી કવિતાપ્રવાહનો એક નવો ચહેરો આપણી સામે ખૂલ્યોખૂલ્યો હતો, તેમ કવિશ્રી રમેશ પારેખના આગમનથી વળી પાછો ગુજરાતી કવિતાના પ્રવાહનો એક ઓર નવો, તાજો ને સૌંદર્યમંડિત ચહેરો નીખરી ઉઠ્યો….

રમેશ પારેખ આપણા એક ઘેઘૂર વડલા સમા સાહિત્યકાર છે જેમણે સાહિત્યપ્રકારોની અનેકવિધ વડવાઈઓ ઝૂલાવીહુલાવી છે.  આવા સમૃદ્ધ કવિની રચનાઓ આસ્વાદતાં મને ઘણીવાર એક ભાવક તરીકે પ્રશ્ન રહ્યા કર્યા છે કે કવિતાને જાણીને માણી શકાય કે માણીને જાણી શકાય? અને એનો ઉત્તર

તમને ફૂલ દીધાનું યાદ કવિશ્રી રમેશ પારેખનું સ્વાભાવિક રીતે ઊતરી આવેલું ગીત છે. ગાનની ફ્રેમમાં મઢાયેલા વિયોગનુંસોનલ સ્મરણનું ધબકતું કાવ્ય છે. રચનાની સરળતા સહજતા છેતરામણી છે તેની પછીતે નાયકના ચિત્તમાં સંકુલ વિયોગનો પટ પથરાયેલો છે. લયમાં સળવળતાં બે સ્પષ્ટ ભાવચિત્રો અહીં જોઈ શકાય છે.

આરંભની પાંચ પંક્તિઓમાં નાયક અને નાયિકાના સંભોગ શૃંગારનાં રમણીય આહ્લાદક સ્મરણ ચિત્રો છે ! ટેકરીઓની સાક્ષીએ નાયકે સોનલને આપેલું કૂલ, સોનલની ટગરફુલ શી આંખે નાયકનો ટગરટગર ઝૂલ્યાનો રોમાંચ, તથા બન્નેએ હાથમાં હાથ પરોવી વીતાવેલો કાળ બધું લયના કેફમાં આપણા ઊર્મિતંત્રને ઝંકારી દે છે. જો તમારું સંવિત (Being) શહેરના માહોલના પ્રેમથી રસાયેલું હશે તો પણ પંક્તિઓ તમને સ્પર્શી જવાની. તમે ડોલી ઊઠવાના. તો છે કવિતાનો  કીમિયો ! આપણી જે પરિચિત લાગણીઓ હોય  છે, અનુભૂતિઓ હોય છે, સંવેદનાઓ હોય છે તે કવિતામાં કેવાં બદલાઈ જાય છે !

હવે અંતિમ પાંચ પંક્તિઓમાં નાયકના વિચલિત ચિત્તમાંસોનલના વિયોગે થયેલી ભાવદશાનાં ક્રમિક ચિત્રો લયના વર્તુળોમાં ઊઘડે છે. બધી પંક્તિઓનો એક અર્થ થાય છે સભર ખાલીપો !

સોનલ સાથે વીતેલી સંબંધની ક્ષણોને જીવંત બનાવે છે ચિત્રો ખેતરમાં ચાસ પાડતા હળનું આંખોમાં ફરવું, ઊછળીને દોડી જતા સસલાથી ઝાંખરા પરનાં પર્ણોનું ખરવું, આકાશમાં પવનલયમાં તરતી સમળીના લયબદ્ધ છાંયા ઊંચાનીચા ઘાસમાં પડતા હોવાથી ફાળ ભરતા હોય તેમ લાગવું. બધા વચ્ચે સોનલનો અભાવ નાયકને એવો તો ખટકે છે કે નાનું બપોરહવા જેવડું થઈ જાય છે ! હવા જેવડું એટલે અનંત…. હવા તો ખૂણેખૂણે ભરાઈ બેઠી હોયએમપણ ત્યાં પાછું બીજું ચિત્ર આંકે છે સવાર પીતું નીલરંગી પંખી નાયક જુએ છેજુએ છેને ઠીબ જ્યાં બાંધી છે તે ઝાડ ભુલાઈ ગયું છે!

ઠીબમાં રહેલા પાણીને પી પંખી ઊડી ગયુંઉડી ગયું તે ગયું જેમ સોનલ… ! સંબંધનું ભાવપ્રતીક નાયકચિત્તમાં રહેલા વિયોગને વિશદ રીતે ઊઘાડે છે. અહીં જોઈ શકાય છે કે ભાષાની પકડ બહારની વસ્તુને કવિ સંવેદ્ય બનાવે છે તેથી તાજગી અનુભવાય છે. નાયકના ચિત્તમાં નાયિકાની યાદની ઘૂંટાતી વ્યથાના ગીતનું પૂરકબળ છે અષ્ટકલ માત્રાનો લય! એમાં કવિશ્રી રમેશ પારેખનું કવિકર્મ અને તેમનો કવિધર્મ પ્રગટ થાય છે. આખી રચનામાં ક્યાંય કોઈ વિરામ ચિહ્ન મૂકીને કવિએ સ્મરણોનાં ભાવપુદ્ગલની સુગંધની અકબંધતા જાળવી છે એય દાદ માગી લે એવી છે. તો લ્યો, માણી લો ગીત ફરીવાર 

~ યોસેફ મેકવાન

મૂળ પોસ્ટીંગ 27.11.2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: