લાભશંકર ઠાકર ~ રૂંધાતા ગળામાંથી * હર્ષ બ્રહ્મભટ્ટ * Labhshankar Thakar * Harsh Brahmabhatt

રૂંધાતા ગળામાંથી

ઊંચકાઈને

ફફડતા હોઠ સુધી આવેલો

સૂકા કચડાતા પાંદડા જેવો

શબ્દોનો અસ્પષ્ટ લય

જરાક ઢોળાયો.. 

અને…   

~ લાભશંકર ઠાકર

આસ્વાદ ~ હર્ષ બ્રહ્મભટ્ટ

લાભશંકર ઠાકરના ‘કવિનું મૃત્યુ’ કાવ્યમાંથી પસાર થયો. શરીરમાંથી પહેલાં તો એક લખલખું પસાર થઇ ગયું. પછી સવાલ જાગ્યો, માત્ર છ પંક્તિના આ અછાંદસ કાવ્ય વિશે શું લખું ? શું લખી શકાય ? ત્યાં તો ઊંડાણમાંથી જેમ માછલીઓ સપાટી પર આવે તેમ મૃત્યુ વિશેના કેટલાંક કાવ્યો મનમાં ઉભરાવા લાગ્યાં.

સૌપ્રથમ રેઇનર મારિયા રિલ્કેનાં મૃત્યુવિષયક કાવ્યો – કરૂણપ્રશસ્તિઓ – યાદ આવ્યાં. ગુજરાતીમાં આ કરુણપ્રશસ્તિઓના એકાધિક અનુવાદો થયા છે. રિલ્કેએ કહેલું, ‘કવિતા મારું અસ્તિત્વ છે’. લા.ઠા.માટે કહી શકાય કે લય એમનું અસ્તિત્વ છે. લય લા.ઠા.ની કવિતાનો જીવ છે. ‘લય’ અને ‘લીલા’ એ જાણે એમની કવિતાની ઈડા ‘પિંગલા.

રિલ્કેના એક કાવ્ય ની અંતિમ પંક્તિઓ યાદ આવે છે.

I am the rest between two notes,

Which are somehow always in discord.

Because Death’s note wants to climb over –

But in the dark interval, reconciled,

they say there trembling.

And the song goes on, beautiful.

સ્પેનિશ કવિ ફેડરિકો ગાર્શિયા લોર્કાનું કાવ્ય ‘Ferewell’ પણ યાદ આવે છે –

If I die / leave the balcony open. / The little boy is eating oranges / (from my balcony I can hear him) / If I die / leave the balcony open ! 

ડી. એચ. લોરેન્સના કાવ્ય ‘The Ship of Death’નો પ્રથમ ખંડ

Now it is autumn and the falling fruit

and the long journey towards oblivion.

The apples falling like great drops of dew

to bruise themselves an exit from themselves.

And it is time to go, to bid farewell

to one’s own self, and find an exit

from the fallen self.

ઘણાં બધાં મૃત્યુવિષયક કાવ્યોમાં પાનખરની વાત આવે છે. લા.ઠા.ના આ કાવ્યમાં પણ સૂકા કચરાતા પાંદડા થકી પાનખરનો સંકેત છે. મરણવિષયક મોટાભાગનાં કાવ્યોમાં કવિતા રચનાર ‘મનુષ્ય’નું સંવેદન, ચિન્તન, દર્શન જોવા મળે છે ; કવિતા રચનાર ‘મનુષ્ય’ના મૃત્યુની વાત જોવા મળે છે. જ્યારે લા.ઠા.નું  આ મૃત્યુકાવ્ય અન્ય મૃત્યુકાવ્યોથી અલગ એ રીતે છે કે એમાં માણસના મૃત્યુની વાત નથી, પણ શીર્ષક સૂચવે છે તેમ કવિના મૃત્યુની વાત છે તરત આપણને સુરેશ જોષીનો કવિનું વસિયતનામું યાદ આવે – 

કદાચ હું કાલે નહી હોઉં/ કાલે જો સૂરજ ઉગે તો કહેજો કે/ મારી બિડાયેલી આંખમાં/ એક આંસુ સૂકવવું બાકી છે…

અહીં કવિએ પોતે નહીં હોય એ પછીયે શું શું બાકી છે એવું કાવ્યાત્મક વસિયતનામું કર્યું છે. જ્યારે લાભશંકરે એમના આ વિલક્ષણ કાવ્યમાં કવિના મૃત્યુનું પ્રત્યક્ષીકરણ કર્યું છે. કાન સરવા કરો તો જાણે સંભળાશે –

ગળામાંની રૂંધામણ / હોઠનો ફફડાટ  / સૂકા પાંદડાનું કચડાવું  / શબ્દોનો અસ્પષ્ટ લય…

શબ્દોનો લય જો સ્પષ્ટ હોત તો ? તો કવિના મૃત્યુની સંભાવના જ નહોતી.

હવે લા.ઠા.ના સર્જક કેમેરા થકી શું શું દૃશ્યબદ્ધ થયું છે, એ જોઈએ.

આપણે ત્યાં કહેવાય છે કે ‘જીવ’ આંખ વાટે ગયો, મુખ વાટે ગયો…. વગેરે. ‘કવિ’નો જીવ એટલે એનો લય. જીવની જેમ આ લય કઈ રીતે જાય છે એનું લા.ઠા.એ કેવી રીતે પ્રત્યક્ષીકરણ કર્યું છે ! કેવું અમૂર્તને મૂર્ત કર્યું છે ! ઠાકરની આંખ જ લા.ઠા.નો સર્જક કેમેરા. કવિનો જીવ જવાનું આ દૃશ્ય, ‘લય’ જરાક ઢોળાવાનું આ દૃશ્ય આમ દર્શાવી શકે –

રૂંધાતા ગળામાંથી ઊંચકાઈને / ફફડતા હોઠ સુધી આવેલો / સૂકા કચડાતા પાંદડા જેવો / શબ્દોનો અસ્પષ્ટ લય

જરાક ઢોળાયો / અને…

કેવી નજાકત ! કેવી સૂક્ષ્મતાથી કવિના લયને જરાક ઢોળાતો દર્શાવ્યો છે અને લય કેવો ?  રૂંધાતા ગળામાંથી ઊંચકાઈને ફફડતા હોઠ સુધી આવેલો ! સૂકા કચરાતા પાંદડાના જેવો લા.ઠા.એ કલાસંયમપૂર્વક મૃત્યુના, કવિના મૃત્યુના સંકેતો મૂક્યા છે. કાવ્યનો અંત કોઈ પણ કવિની કસોટી કરે આ કાવ્યનો અંત જુઓ,

“શબ્દોનો અસ્પષ્ટ લય જરાક ઢોળાયો.. ” એ પછી માત્ર ‘અને’ તથા એ પછી ત્રણ ટપકાં …

‘અને’ પછી ભાવકચેતનામાં શું ઉઘડે ? કે શું આગળ ચાલે ? તો કે લય ઢોળાયા પછીની કાળી નીરવતા ? કે સફેદ ચાદર જેવી શાંતિ ? 

મનમાં સવાલ થાય -‘લય’ ઢોળાયા પછી કવિનું મૃત્યુ થાય ? પરબ ફેબ્રુઆરીનો તંત્રીલેખ યાદ આવે છે જેમાં કવિમિત્ર યોગેશે ચોકા પર સૂતેલા લા.ઠા.નું વર્ણન કરતાં નોંધ્યું છે,

-નસકોરામાં રૂના પુમડાં ભરાવ્યા નહોતાં. શ્વાસ તો બંધ થઈ ગયો હતો પણ શ્વાસને બદલે ચાલુ હશે લયની આવનજાવન ?

કવિનો ‘લય’ લય પામે ખરો ? એમાંય આ તો લા.ઠા.નો ‘લય’ લય પામે ? ના, એનું તો રૂપાંતર થતું રહે ‘લીલા’માં…

-હર્ષ બ્રહ્મભટ્ટ

સાભાર : ‘પરબ’ (તંત્રી યોગેશ જોશી, લાભશંકર ઠાકર કાવ્યાસ્વાદ વિશેષાંક)

મૂળ પોસ્ટીંગ 6.11.2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: