રઘુવીર ચૌધરી ~ આ દર્દ & સાગરતીરે * Raghuveer Chaudhari

આ દર્દ

આ દર્દ મૌનમાં જ છવાતું ભલે હવે,
મેં તો કહ્યું હતું મને, ને સાંભળ્યું તમે.

આ સાંજની હવાને યાદ સૌમ્ય ઉદાસી,
ચાલી ગયા એ સંગ સમયની, ઊભા અમે.

મેં મિત્રને જુદા ગણીને ઓળખ્યા નથી,
જોયું કે એમને જ અજાણ્યા થવું ગમે.

ભૂલી જવાય તોય ગુમાવાનું કંઈ નથી,
એ ભૂતકાળ તો જગતમાં સર્વદા ભમે.

મેં તો વિદાયનો જ અનુભવ સદા કર્યો,
ખોલી બતાવ્યું આભ જનારા વિહંગમે.

~ રઘુવીર ચૌધરી

એક સૌમ્ય પ્રતિભાની એવી જ સૌમ્ય કવિતા. ઉદાસી, એકલતા, પીડાની વાત પણ હળવી હવાની લહેર જેવી.   

એકલતા

સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
મોજું આવે કોક રહીને અડકે ચરણ જતાં.

ઊડી ગયાં સહુ વિહંગ નભથી
નીરવતા ફરકે છે સઢથી,
દીર્ઘ થયા પડછાયા ધીરે જળમાં ઓગળતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.

કરે સ્પર્શ અંધાર શ્વાસને,
એક કરે મુજને – વિશાળને,
કોક છીપમાં બેઠી બેઠી ઝૂરે સુંદરતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
~ રઘુવીર ચૌધરી

કવિને ભારત સરકાર તરફથી પદ્યશ્રી એનાયત થયો છે. કવિની પ્રતિભાને વંદન.  

4 Responses

  1. આપે યોગ્ય જ કહ્યું, સૌમ્ય વ્યક્તિ કવિ શ્રી રઘુવીર ચૌધરી. નમસ્કાર! સરસ ગઝલ.

  2. Minal Oza says:

    બંને રચનાઓ સરસ છે.

  3. ઉમેશ જોષી says:

    બન્ને રચનાઓ ખૂબ ખૂબ સરસ…
    અભિનંદન.

  4. બન્ને રચનાઓ ખુબ સરસ નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: