લતા હિરાણી ~ કદી કોઈ વાતે * શ્રી સુમન શાહની તન્ત્રીનોંધ સાથે * Lata Hirani

તડકો  

કદી કોઇ વાતે અમસ્તો અછડતો 
ન’તો આસપાસે ફરકતો ય તડકો
જરી ઘાવ અમથા જ ખોલે વલોવે      
અને રોજ પીડા ખડકતો જ તડકો.  

હતા પાસ એને ધક્કાઓ દઈને
પથાર્યો સ્વયંનો સળગતો જ તડકો
પછી છાંયડા કાજ ઘમસાણ માંડ્યુ
ઠરે કેમ, બાળે એ બળતો જ તડકો

હવેલી અજબની, શી રોનક ગજબની 
અહમનો અડે જો અકડતો જ તડકો
બને શૂન્યતાનું એ ખંડેર કેવું
કે પથરાય ચોગમ ગરજતો જ તડકો. 

સફરના મિજાજે, ઉંમરના પડાવે
હતો દર વળાંકે વળગતોય  તડકો
ઢળ્યો જ્યારે છાંયો, સીમાડો કળાયો
જણાયો પછી તો સરકતો જ તડકો.

~ લતા હિરાણી

કવિલોક > સપ્ટે.ઑક્ટો. 2018

મારી ગઝલ ‘તડકો’ માટે વિદ્વાન સાહિત્યકાર શ્રી સુમન શાહની તન્ત્રીનોંધ : (સાહિત્યિક સંરસન 3)

૩ : કદી કોઈ વાતે –

આ રચનામાં વાત તડકાની છે પણ એ અમસ્તો અછડતો’ ‘આસપાસે ફરકતો’ ‘પીડા ખડકતો’ ‘સ્વયંનો સળગતો’ ’બાળે એ બળતો’ ‘અડે જો અડકતો’ ‘ચોગમ ગ૨જતો’ ‘વળાંકે વળગતો’ વગેરે રૂપો લઈને આવ્યો છે. એનું ‘અમસ્તો’ વગેરે વિશેષણતત્ત્વો સાથે અને ‘કોઈ વાત’ વગેરે નામતત્ત્વો સાથે જે જોડાણ થયું છે તેથી એ રૂપોના સંકેતાર્થો વિકસ્યા છે.

દાખલા તરીકે, વિચારો કે ‘કદી કોઈ વાતે અમસ્તો અછડતો / ન’તો આસપાસે ફરકતો ય તડકો’ એટલે શું? દાખલા તરીકે, ‘હતા પાસ એને ધક્કાઓ દઇને / પથાર્યો સ્વયંનો સળગતો જ તડકો’ અર્થવિસ્તાર કરી જુઓ. દાખલા તરીકે, “અહમ્- નો અડે જો અકડતો જ તડકો / બને શૂન્યતાનું એ ખંડેર કેવું’, વિચારી જુઓ. દાખલા તરીકે, સફરના મિજાજે, ઉંમરના પડાવે / હતો દર વળાંકે વળગતો ય તડકો’, કલ્પી જુઓ. વગેરે.

રચના એ વાતનું ઉદાહરણ છે કે છાન્દસ રચનાઓ પણ કાવ્યત્વસાધક નીવડી શકે છે.

~ સુમન શાહ

6 Responses

  1. ઉમેશ જોષી says:

    સકળ શે’રની સુઘડતા મનને સ્પર્શી જાય છે..
    તંત્રી નોંધ ખૂબ ખૂબ સરસ રીતે લીધી છે..
    અભિનંદન.

  2. નિવડેલા સાહિત્યકારો આપ બંને ને નમસ્કાર, સરસ ગઝલ, અને આસ્વાદીક નોંધ.

  3. સરસ રચના આસ્વાદ પણ એટલોજ ઉત્તમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: