સર્જક : દામોદર ખુશાલદાસ બોટાદકર * Damodar Khushaldas Botadkar

(જ. 27.11.1870, બોટાદ; અ. 7.9.1924)

જાણીતા ગુજરાતી કવિ. સાત વર્ષની ઉંમરે પિતાનું શિરચ્છત્ર ગુમાવ્યું. પરિણામે છ ધોરણથી વધુ અભ્યાસ કરી શક્યા નહિ.

કવિતા લખવાની પ્રેરણા બાળપણથી જ થઈ હતી. 20 વર્ષ સુધીમાં ‘લાલસિંહ સાવિત્રી નાટક’, ‘રાસવર્ણન’, ‘ગોકુળગીતા’, ‘સુબોધ કાવ્યસંગ્રહ’ પ્રગટ થઈ ચૂક્યાં હતાં. 1893માં વેરાવળની હવેલીવાળા વૈષ્ણવ ગોસ્વામી મહારાજ શ્રીનૃસિંહલાલજી સાથે તેમના કારભારી તરીકે મુંબઈ ગયા. ત્યાં એક શાસ્ત્રી પાસે સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કરવાની તક મળી. અંગ્રેજી કવિતાના સંસ્કારવાળી નવી શૈલીની કવિતા વાંચવાનો લાભ પણ મળ્યો. ‘અમરકોશ’ આખો મુખે કર્યો. ‘પુષ્ટિમાર્ગપ્રકાશ’નું તંત્રીપદ પણ સંભાળ્યું. ‘ચંદ્ર’ અને ‘બુદ્ધિપ્રકાશ’માં તેમની કાવ્યરચનાઓ પ્રસિદ્ધ થઈ. મુંબઈ-નિવાસે નવીન કવિતાના પ્રદેશમાં પ્રવેશ કરાવ્યો, પરંતુ દમનો વ્યાધિ લાગુ પડતાં મુંબઈ છોડવાની ફરજ પડી. 1907માં વતન પાછા આવી પુન: શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો. આ જ અરસામાં ‘શાહ’ અટક તજી ‘બોટાદકર’ અટક ધારણ કરી.

તેમણે કુલ 5 કાવ્યસંગ્રહો આપ્યા છે. ‘કલ્લોલિની’ (1913), ‘સ્રોતસ્વિની’ (1918), ‘નિર્ઝરિણી’ (1921), ‘રાસતરંગિણી’ (1923) તથા મરણોત્તર ‘શૈવલિની’ (1925)

રાસતરંગિણી (1923)

બોટાદકરનો ‘કલ્લોલિની’, ‘સ્ત્રોતસ્વિની’ અને ‘નિર્ઝરિણી’ પછીનો ચોથો કાવ્યસંગ્રહ. પૂર્વેના ત્રણ સંગ્રહો વૃત્તબદ્ધ, સંસ્કૃતપ્રચુર અને પંડિતભોગ્ય છે; એની સામે, આ સંગ્રહમાં કવિએ ગરબી જેવા લોકગીતોના ઢાળોમાં સરલ-સ્વાભાવિક અને લોકભોગ્ય અભિવ્યક્તિ સાધી છે. ભવ્યતા સાથેની સુંદરતા દર્શાવતો કવિનો ઉન્મેષ ગૃહજીવનનાં, કુટુંબજીવનનાં અને ખાસ તો સ્ત્રીહૃદયનાં સૂક્ષ્મ દર્શનોમાં જોવા મળે છે. ‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ’ જેવી વિખ્યાત ગરબી અહીં છે. તદુપરાંત, પ્રકૃતિતત્વનાં વર્ણનો ક્યાંક પ્રકૃતિતત્વની આત્મોક્તિરૂપે, તો ક્યાંક કવિના પોતાના નિરૂપણરૂપે મળે છે.

શૈવલિની (1925)  

આ બોટાદકરનો કાલાનુક્રમે પાંચમો અને મરણોત્તર કાવ્યસંગ્રહ છે. ‘રાસતરંગિણી’ પછીનો હોવા છતાં આ સંગ્રહ પહેલાં તૈયાર કરી રાખેલો હોવાથી પ્રકાશકની ગફલતને કારણે ‘ચતુર્થ કાવ્યસંગ્રહ’ ગણાયો છે. નરસિંહરાવની લાંબી પ્રસ્તાવનાનું ‘પુરસ્કરણ’ આ સંગ્રહને મળ્યું છે. બોટાદકરની ઉત્તરાશ્રમની પ્રૌઢિનાં વિવિધ પાસાંઓનો ‘શૈવલિની’માં આવિષ્કાર છે. અન્યોક્તિ અને સ્વભાવોક્તિ જેવી રચનાયુક્તિઓથી કવિ પ્રાચીન સંસ્કૃતિ, ગૃહજીવન અને સમાજજીવનના વિવિધ પ્રસંગો અને ભાવોને આવરી લે છે. અંગ્રેજી ભાષાના સીધા સંપર્કનો અભાવ અને સંસ્કૃત ભાષા પરત્વેનો રૂઢભાવ-આ બે પરિસ્થિતિઓએ એમનાં શૈલી-સ્વરૂપને ઉપસાવ્યાં છે. એમની સંસ્કૃતપ્રચુરશૈલી, અરૂઢ સંસ્કૃત શબ્દો અને સમાસોને બાદ કરતાં, એકંદરે ગૌરવાન્વિત રહી છે. સંસ્કૃત વૃત્તો પરનું પ્રભુત્વ પ્રશસ્ય છે અને એમના પદ્યબંધમાં ચારુતા જોવાય છે. ‘અભિલાષ’ જેવી કવ્વાલીના પ્રકારની એમની છેલ્લી રચના અહીં છે, તો ‘રામાશ્વામેઘ’ જેવી સંપૂર્ણ બોટાદકરશાઈ અને કહેવતોની કક્ષાએ પહોંચતી પંક્તિઓવાળી પ્રસિદ્ધ રચના પણ અહીં છે.

આ કવિએ પ્રણયભાવનાં વિવિધ સ્વરૂપોનું આલેખન ઉમળકાભેર કર્યું છે. વાત્સલ્ય, માતૃપ્રેમ, ભાઈ-બહેનનો પ્રેમ, દિયર-ભોજાઈનો પ્રેમ, દાંપત્ય, પતિભક્તિ, આતિથ્ય, સમર્પણ વગેરે ગૃહ-જીવનના – નારીજીવનના વિવિધ ભાવોને કોમળતાથી તળપદી ભૂમિકા પર, ગ્રામજીવનના પરિવેશમાં નિરૂપિત કર્યા છે. ‘રાસતરંગિણી’ના રાસોએ ગુજરાતણોને ખૂબ ઘેલું લગાડેલું. ‘અવસર’, ‘ઊર્મિલા’, ‘એભલ વાળો’ જેવાં ખંડકાવ્યો, ‘ઉષા’ અને ‘શત્રુંજય’ જેવાં પ્રકૃતિકાવ્યો; ‘માતૃગુંજન’ અને ‘ભાઈબીજ’ જેવા રાસ ગુજરાતી કવિતાને તેમનું વિશિષ્ટ અર્પણ છે. અન્યોક્તિ અને અર્થાન્તરન્યાસ તેમના પ્રિય અલંકારો છે. સંસ્કૃત અક્ષરમેળ વૃત્તો પર તેમનો પ્રશસ્ય કાબૂ છે.

‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ..’ એમનું યાદગાર કાવ્ય છે. ગૃહ-જીવનનાં ઋજુમધુર સંવેદનયુક્ત કાવ્યો અને ભાવસમૃદ્ધ રાસોને કારણે ગુજરાતી કવિતામાં તેમનું પ્રદાન સ્મરણીય છે.

સૌજન્ય : ગુજરાતી વિશ્વકોશ અને ગુજરાતી વિકિપીડિયા

@@@@

2 Responses

  1. ખુબ સરસ માહિતીસભર લેખ

  2. Saryu parikh says:

    ભાવેણા કવિ. સરસ લેખ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: