લતા હિરાણી ~ ઝળહળતી જ્યોત * Lata Hirani
🌸
દીપકાવ્ય
ઝળહળતી જ્યોતના સોનેરી અજવાળે,
ખુશીઓ ખજાને હો રોમના
હળું હળું ઝૂલતા પળના આ પારણે
ઊઘડીએ સથવારે ઓસના…..
એકલ ઊંઘે ને કોઈ એકલ રે જાગે ને
એકલ અજવાસો ઉઘાડતા
એકલ આ આભના મૂંગા મલકાટમાં
એકલ તરાપામાં મ્હાલતા
વંટોળે જાય ભલે વ્હેતું જગ આખુંયે
પડતો કંઠે એને શોષ ના….
આંગળીઓ ઝાલીને ઝૂમતા ને ગાતા જે
સંગાથો શોધીને ખેલતા
લૂમઝૂમ લીલેરી વ્હાલપને વીંટાળી,
વસ્તીમાં મસ્તી ઉછાળતા
હરિયાળી ભોમ પરે લહેરાતા જાય
એ બંધાવે માંડવડા હોંશના….
ચેતન જ્યાં વ્યાપ્યું ત્યાં એકલ કે સાગમટે
અવસરના ઉંબર ઉજાળતા
ઘેરા આકાશ તળે ટમરક દીવાઓ સંગ
જીવતરની વાટો સંકોરતા
પ્રગટાવે કોણ અને પ્રગટે છે કોણ એનો
ભેદ નથી કોઈ દિ’ ગોખમાં….
~ લતા હિરાણી
પ્રકાશિત > અખંડ આનંદ > 10-2023
“પ્રગટાવે કોણ અને પ્રગટે છે કોણ એનો
ભેદ નથી કોઈ દિ’ ગોખમાં….” વાહ, લતાજી, ખૂબ જ સરસ ગીત.
આભાર મેવાડાજી
અત્યંત સુંદર જ્યોતિર્મય ગીત
આભાર હરીશભાઈ