લતા હિરાણી ~ અગાશી * Lata Hirani

અગાશી
બચપણમાં અગાશી
અમારી પાક્કી દોસ્ત હતી
પરોઢનો કૂણો ઉજાસ
સૂર્યની પાંખે ઉતરી આંખોમાં અંજાતો
રાત્રે ચાંદામામાનું સ્મિત
અને તારલાઓનો કૂણો સ્પર્શ
હળવેકથી અમારી પાંપણો બીડી દેતો
શરદપૂનમની રાતે
ચાંદનીના રુમઝુમતા અજવાળે
સોયમાં સાત વાર દોરો પરોવ્યા પછી
મા દૂધપૌંઆ આપતી.
પછી અમે શહેરમાં આવ્યા
ચારેકોર આંખો આંજી દેતી રોશનીમાં
પેલું હુંફાળું અજવાળું
ને નમણું અંધારું
ક્યાંક ખોવાઇ ગયા
સૂર્ય, ચંદ્ર અને રાતે ક્યાંય સુધી
અમારી સાથે વાતો કરતા’તા
એ તારલાઓ
અમે અમારા બાળકોને
પ્લેનેટોરિયમમાં બતાવ્યા
અમે ખુશ હતા
અમારા બાળકોને અમે બ્રહ્માંડ બતાવ્યું
અને ખબરેય ન પડી
ક્યારે અમે અમારી તેજ આંખો
શહેરને ભેટ ધરી દીધી !!
રીટર્ન ગીફ્ટનો અહીં રિવાજ ખરો ને !!
ધીરે ધીરે
શહેર પાછું વાળી રહ્યું છે
ગામનું અંધારું
અમારા બાળકોની ફીકી આંખોથી……
~ લતા હિરાણી
પદ્ય > 3-2022 માં પ્રકાશિત
વાહ ખુબ સરસ રચના ખુબ ગમી
આભાર
શહેર પાછું વાળી રહયું છે અધારૃં ….વાહ વાહ
આભાર
હુંફાળું અજવાળું, નમણું અંધારું. આહા.
આભાર
અંત હ્રદયસ્પર્શી ્્્
આભાર
અગાસી… ખૂબ સુંદર કાવ્ય. રિટર્ન gift માં સાચેજ આપણને અંધારું મળ્યું છે
આભાર
વાહ લતાબહેન…… 👍❤️🙏🏼
આભાર
સરસ ચોટ લાવ્યાં, આપની અછાંદસ સરસ હોય છે.
આભાર
મનોહર રચના
આભાર
સુંદર કાવ્ય