બાલુભાઈ પટેલ ~ તમને વિદાય આપવા & એક રણકો

સુધી ગયા

તમને વિદાય આપવા રસ્તા સુધી ગયા;
બસ એટલી વાતે અમે અફવા સુધી ગયા.

અમને તો એકસામટું તૂટી જવું હતું,
એથી તો જાણીજોઈને ઝંઝા સુધી ગયા.

તોપણ અમે ભીનાશને સૂકવી શક્યા નહીં,
યાદોને લઈ બપોરના તડકા સુધી ગયા.

ખેડી વળ્યા એ રીતે આખું જગત અમે,
દુનિયાને જોવાજાણવા નકશા સુધી ગયા.

‘બાલુ’, લ્યો, એટલી તો સફળતા મળી ગઈ,
આગળ વધીને કોઈના સમણા સુધી ગયા.

~ બાલુભાઈ પટેલ (25.9.1937 – 8.12.1992)

કાવ્યસંગ્રહો ‘છાલક’, ‘કૂંપળ’, ‘સ્વપ્નોત્સવ’, ‘મૌસમ’, ‘ઝાકળ’

કવિને જન્મદિને સ્મૃતિવંદના

આવશે

એક રણકો ફોન ઉપર આવશે,
લૈને સંદેશો કબૂતર આવશે.

આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક,
ત્યાં જ એક વિધવાનું ખેતર આવશે.

આંગણે આંબાને આવી કેરીઓ,
રોજના બેચાર પથ્થર આવશે.

જૂના પત્રો સાચવીને રાખજે,
એક દિ’ એનોય અવસર આવશે.

આજ હું ઊભો છું એવી સરહદે,
બંને બાજુએથી લશ્કર આવશે.

જો હશે શ્રદ્ધા તો ‘બાલુ’ આજ પણ,
ઝેર સૌ પીવાને શંકર આવશે.

~ બાલુભાઈ પટેલ

4 Responses

  1. ઉમેશ જોષી says:

    સ્મરણ વંદના.

  2. બન્ને રચનાઓ ખુબ સરસ ખુબ ગમી

  3. કવિ શ્રી ‘બાલુ’ને સ્મૃતિ વંદન.

  4. વહીદા ડ્રાઈવર says:

    સુંદર રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: