કૃષ્ણ દવે ~ હીબકે ચડ્યા છે ઠાકોર

હીબકે ચડ્યા છે ઠાકોર !

હીબકે ચડ્યા છે ઠાકોર !
પાંચસોની નોટ લઇ દર્શનને વેચવાની
કળા કરે છે કયો મોર ?
હીબકે ચડ્યા છે ઠાકોર !

હેતે હંકારીને ગાડે બેસાડી મને
લાવ્યા’તા ભગત બોડાણા
નિરાંતે ગામને હું દર્શન દેતો’તો એમાં
તમને કાં નાણાં દેખાણા ?
મનમાં બેઠો છે ચોર એટલે તો શ્રાવણના
દિવસો પણ કોરા ધાકોર !
હીબકે ચડ્યા છે ઠાકોર !

દર્શન હું દઉં એ તો ખેલ છે તમારો
ને ઉભો ઉભો હું બધું જોઉં છું
મારી ગરજે હું દીનદુખીયા નારાયણના
દર્શન કરવાને ઉભો હોઉં છું
મનમાં તો થાય છે કે અત્યારે, અબઘડીએ
તજી દઉં આવું ડાકોર !
હીબકે ચડ્યા છે ઠાકોર !

~ કૃષ્ણ દવે.

તા-૨૬-૮-૨૦૨૩

સાંપ્રત ઘટનાઓનો તરત પડઘો પાડનાર કવિ કૃષ્ણ દવે તત્કાલીન બનાવો સંબંધે એમની કલમમાંથી એવી કવિતા પ્રગટે છે કે એમાં સવાલ અને જવાબ બંને મળી જાય…

    

2 thoughts on “કૃષ્ણ દવે ~ હીબકે ચડ્યા છે ઠાકોર”

  1. 'સાજ' મેવાડા

    મારા આદરણીય કવિ શ્રી કૃષ્ણ દવે ખૂબજ સંવેદનશીલ કવિ છે, સામ્પ્રત બનાવો ને એ ખૂબ જ અસરકારક રીતે કવિતા માં વણી લે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *