કરસનદાસ માણેક ~ બદલતો રહું છું! * Karsandas Manek

હું, માશૂક, બદલતો રહું છું!
એક જ રૂપ સદૈવ નિહાળી
રખે જાય હુંથી કંટાળી
એ બીકે તરફડતો રહું છું!
હું, માશૂક, બદલતો રહું છું!

કદી વૈરાગી, કદી વિલાસી,
કદી વૈભવરત, કદી ઉપવાસી,
કદી પરિતૃપ્ત, કદી ચિરપ્યાસી,
કદી અત્યાગ્રહી, કદી ઉદાસી,
કદી અધૂરો, કદી છલતો રહું છું!
હું, માશૂક, બદલતો રહું છું!

કદી મિલનમાં પણ રહું ઠાલો,
કદી વિરહમાં પણ મતવાલો,
કદી ગંભીર, કદી અતિ કાલો,
કદી સુક્કો, કદી લહેરી લાલો,
કદી ટાઢો, કદી જલતો રહું છું!
હું, માશૂક, બદલતો રહું છું!

હું ચાંદો, સખિ, તું મુજ ધરતી,
વધુઘટું રંગ તારો વરતી :
આરતી બનીને તારા ફરતી
પ્રદક્ષિણા પ્રીતિ મુજ કરતી!
તૃપ્ત તોય ટળવળતો રહું છું!
હું, માશૂક, બદલતો રહું છું!

~ કરસનદાસ માણેક

અહીં માશૂક એટલે ઇશ્વર એ તો તરત જ સમજાઈ જાય છે પણ આપણી ભાષામાં અલ્પવિરામનું મહત્વ કેટલું છે એ પણ જોવા જેવું છે… અહીં વાત રોજ-રોજ માશૂકને બદલવાની નથી પણ પોતાનું એકનું એક રૂપ જોઈને માશૂક કંટાળી-ધરાઈ ન જાય એ માટે જાતને બદલવાની છે. પણ અલ્પવિરામ ચૂકી જવાય તો અર્થનો અનર્થ થઈ શકે…~ વિવેક ટેલર

3 Responses

  1. સરસ કાવ્ય અને આસ્વાદ ખુબ ગમ્યો અભિનંદન

  2. Minal Oza says:

    અલ્પવિરામની વાતનો વિવેકભાઈએ સરસ નિર્દેશ કર્યો.

  3. 'સાજ' મેવાડા says:

    ખૂબ જ સરસ નવિન ભાવ રચના. અલ્પ વિરામની વાત ગમી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: