કરસનદાસ માણેક ~ બા * Karsandas Manek
(મંદાક્રાન્તા)
મેં ગ્રન્થોમાં જીવનપથનાં સૂચનો ખોળી જોયાં;
ને તીર્થોનાં મલિન જળમાં હાડકાં બોળી જોયાં;
અંધારામાં દ્યુતિ કિરણ એકાર્ધ યે પામવાને
મંદિરોનાં પથર પૂતળાં ખૂબ ઢંઢોળી જોયાં;
સન્તો કેરા કરગરી કરી પાદ પ્રક્ષાલી જોયા;
એકાન્તોના મશહૂર ધનાગાર ઉઘાડી જોયા;
ઊંડે ઊંડે નિજ મહીં સર્યો તેજકણ કામવાને,
વિશ્વે વન્દ્યા પણ, સકલ ભન્ડાર મેં ખોલી જોયા!
ને આ સર્વે ગડમથલ નીહાળતાં નેણ તારાં
વર્ષાવંતા મુજ ઉપર વાત્સલ્ય પીયૂષધારા.
તેમાં ન્હોતો રજ પણ મને ખેંચવાનો પ્રયાસ,
ન્હોતો તેમાં અવગણનના દુ:ખનો લેશ ભાસ!
જ્યોતિ લાધે ફકત શિશુને એટલી ઉરકામ:
મોડી મોડી ખબર પડી, બા, તું જ છો જ્યોતિધામ!
~ કરસનદાસ માણેક
બા તો જયોતિધામ છે વંદન
ખૂબ જ સરસ સોનેટ. માતૃવંદના.