બરકત વિરાણી ‘બેફામ’ ~ નથી દેતાં

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવાં પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવાં પણ નથી દેતાં.

ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવાં પણ નથી દેતાં.

હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે,
સફર સાચી દિશામાં તો એ કરવાં પણ નથી દેતાં.

ભલે મળતાં નથી, પણ એજ તારણહાર છે સાચા,
જે ડૂબવા તો નથી દેતા જ, તરવા પણ નથી દેતાં.

હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઈ રીતે?
નથી પોતે વિસરતાં કે વિસરવાં પણ નથી દેતાં.

સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,
કે એનો હાથ પકડી જામ ભરવાં પણ નથી દેતાં.

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવાં પણ નથી દેતાં.

~ બરકત વિરાણી ‘બેફામ’

4 thoughts on “બરકત વિરાણી ‘બેફામ’ ~ નથી દેતાં”

  1. લલિત ત્રિવેદી

    મારા પ્રિય ગઝલ કવિની સરસ ગઝલ… વાહ વાહ.. આભાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *