બાલમુકુંદ દવે ~ સોનચંપો * Balmukund Dave

સોનચંપો

રંકની વાડીએ મ્હોર્યો સોન રે ચંપાનો છોડ:
અમને ના આવડ્યા જતન જી !

ઊષર અમ ભોમકામાં શેનાં રે ગોઠે, જેનાં
નંદનવન હોય રે વતન જી ?

વજ્જરની છાતી કરીએ, તો ય રે દુલારા મારા !
ધીરે જીવન કોરે ઘાનાં ઘારાં જી !

કુવાને ઠાળે જેવા કાથી કેરા દોરડાના —
થોડે થોડે લાગે રે ઘસારા જી !

દેશ રે ચડે ને જેવો ભમતો અંધારે પન્થી
ગામની ભાગોળે સારી રાત જી !

ઘરની ઓસરીએ તેવી, ઠેબાં રે ખાતી તું વિણ
બાવરી બનેલી તારી માત જી !

બાવળની કાંટ્ય જેવી ભવની ભુલામણીમાં
આ રે કાંઠે ઝૂરે મા ને તાત જી !

સામે રે કાંઠે તારા દૈવી બગીચા, બેટા !
વચ્ચે આડા આંસુના અખાત જી !

~ બાલમુકુંદ દવે

પોતાના શ્વાસ ચાલતા હોય અને સંતાનના શ્વાસ આથમી જાય એનાથી કરૂણ ઘટના બીજી શી હોય શકે ? જેણે વેઠયું હોય એ જ જાણે ! કવિની પીડા આરપાર વીંધી જાય છે. કવિની આ જ પીડા ‘જૂનું ઘર ખાલી કરતાં’માં પણ ચિત્રિત થઈ છે. આ કાવ્ય ‘કાવ્યવિશ્વ’ પર જ વાંચી શકશો કવિ વિનોદ જોશીના આસ્વાદ સહિત (બાલમુકુન્દ દવે પર ‘શોધો’)  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: