બાલમુકુંદ દવે ~ હરિનો હંસલો * Balmukund Dave

હરિનો હંસલો

કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો? કલંકીએ કોણે કીધા ઘા?
કોણ રે અપરાધી માનવજાતનો, જેને સૂઝી અવળી મત આ?
રુધિરે રંગાયો હરિનો હંસલો!……

પાંખ રે ઢાળીને હંસો પોઢિયો, ધોળો ધોળો ધરણીને અંક;
કરુણા-આંજી રે એની આંખડી, રામની રટણા છે એને કંઠ,
રુધિરે રંગાયો હરિનો હંસલો!…..

હિમાળે સરવર શીળાં લે’રતાં, ત્યાંનો રે રહેવાસી આ તો હંસ;
આવી રે ચડેલો જગને ખાબડે, જાળવી જાણ્યો ના આપણ રંક!
રુધિરે રંગાયો હરિનો હંસલો!……

સાંકડાં ખોદો રે અંતરખાબડાં, રચો રે સરવર રૂડાં સાફ;
અમરોનો અતિથિ આવે હંસલો; આપણી વચાળે પૂરે વાસ.
રુધિરે રંગાયો હરિનો હંસલો!

~ બાલમુકુન્દ દવે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: