સંધ્યા ભટ્ટ – શબ્દ પેલે પાર

શબ્દ પેલે પારને તું જોઈ લે,
ને પરમના સારને તું જોઈ લે.

પર્ણ, ડાળી, ફૂલ, ફળ આકાર છે
વૃક્ષના આધારને તું જોઈ લે.

જે સ્વયં તો પર રહ્યો આ તંત્રથી
એ તણા વિસ્તારને તું જોઈ લે.

ભવ્યથી પણ ભવ્ય લે લયલીન છે
ઇશ્વરી દરબારને તું જોઈ લે.

સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ ખુદ તારા મહીં
પુર્ણતાના દ્વારને તું જોઈ લે. 

~ સંધ્યા ભટ્ટ

પોતીકા ચિંતનથી ભરી ભરી આ ગઝલ. જેનો એક શેર, જેમાં સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ પોતાની અંદર નિરખવાની વાત છે  એ વાત સ્પર્શી ગઈ.  

કવયિત્રી સંધ્યા ભટ્ટની આ ગઝલ વિખ્યાત પાર્શ્વગાયિકા સાધના સરગમે ગાઈ છે તો એનું સ્વરાંકન પંડિત પરેશ નાયકે કર્યું છે .

સાભાર :  1. ‘સ્પર્શ આકાશનો’   2. ‘શૂન્યમાં આકાર’   3. ‘સમય તો થયો’  કાવ્યસંગ્રહો  

3.11.2020

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *