કરસનદાસ લુહાર – આ ઉષ્ણ અંધકારે

આ ઉષ્ણ અંધકારે મેઘલ ઉજાસ થઇને,
આંખોમાં તું ઊગી જા ઘેઘૂર ઘાસ થઇને.

અકબંધ કેવી રીતે રાખી શકું મને હું ?
જ્યારે તું પંક્તિમાં તૂટે છે પ્રાસ થઇને.

ચાલ્યું ગયું છે મૂકીને ઝળહળાટ ઘરમાં,
આવ્યું હતું જે રહેવા કાળી અમાસ થઇને.

સુંવાળી કામનાઓ લીંપીં દે લોહીમાં તું,
આ જંગલી ફૂલોની આદિમ સુવાસ થઇને.

તારું તમસ લઇને હું ખીણમાં પડ્યો છું,
ને તું શિખર ચડે છે મારો ઉજાસ થઇને.

લોબાન-ધૂપ જેવી પ્રસરી છે લાગણીઓ,
કોઇ ફકીર કેરો લીલો લિબાસ થઇને.

ઘરથી તે ઘર સુઘીના રસ્તાઓ છે વિકટ કે,
ભૂલો પડ્યો હું ઘરમાં ઘરનો પ્રવાસ થઇને.  – કરસનદાસ લુહાર

12.8.1942માં જન્મેલા કવિ કરસનદાસ લુહારે કવિતાને સમૃદ્ધ કરી છે. એમણે માત્ર ઉપનામ જ‘નિરંકુશ’ ધારણ કર્યું છે. બાકી સંપૂર્ણ શિસ્તમય રહીને કવિતાને સાધી છે. કવિતામાં લાઘવને એમણે સાધ્યું છે અને એમ મર્મભારી કવિતાઓ આપી છે. કવિએ સરસ મજાનાં બાળકાવ્યો પણ આપ્યા છે. અહીંયા પ્રસ્તુત લગભગ આખી રચના પ્રેમીહૈયાનો શૃંગાર રજૂ કરે છે. ત્રીજો શેર ભૂલાવામાં પાડે એવો છે તો છેલ્લો શેર એવી ખૂબીથી રજૂ કર્યો છે કે એને પ્રેમના રસ્તે વાળી શકાય અને જીવનના ચિંતનનો પ્રકાશ પણ એમાંથી મેળવી શકાય. 

2.11.2020

***

કેશુભાઈ દેસાઈ

02-11-2020

કરસનદાસ સુન્દરમ્ કુળના લુહાર છે જે લોઢા જેવા શબ્દોને સલૂકાઈપૂર્વક ટીપી ટીપીને સોનાના બનાવી મૂકે છે.એમની દરેક રચના સંઘેડાઉતાર બની રહે છે.એ કવિતાના વિશ્વકર્મા છે અને છતાં એ ગરિમાનો ભાર નથી વરતાવા દેતા.

Rajendra Pandya amdavad

02-11-2020

માત્ર નવ જ લીતિમાં કરસનદાસ લુહાર ના નવે ખંડ આવરી લીધા જબ્બર વ્યક્તિત્વને બિલકુલ લાઘવ માં આખો મહા નિબંધ આપી દીધો ઉ ત નિરંકુશ ભલે તખલ્લુસ હોય પણ સંપૂર્ણ અંકુશ માં રહીને મર્યાદામાં રહીને તમામ રચનાઓ એમને આપી છે
આપને વંદન

Anand seta

02-11-2020

.નમસ્કાર..
પ્રાણવાન ગઝલ. આપી..
આપે.. હયાતી… નોંધાવી. છે.. ગમ્યું.

Piyush luhar

02-11-2020

આદરણિય લતાબહેન…. આપશ્રીએ મારા પૂ. પિતાશ્રીની સાહિત્ય યાત્રાને ઉંચાઈ સુધી લઈ ગયા… સુખની પરમ અનુભૂતિ થઈ.. આપનો હૃદયપૂર્વક આભાર.

રૂપલબેન મહેતા, ભુજ.

02-11-2020

લાગણી ના લિબાસ ની વાત..ખૂબ ગમી…👌👌

Chandrakant Dhal

02-11-2020

વાહ, આ સુંદર ગઝલનો અંતિમ શેર ચરમસીમા સમો ભાસે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: