મીનપિયાસી ~ કબૂતરોનું ઘુ ઘુ ઘુ * Minpiyasi
કબૂતરોનું ઘુ..ઘુ..ઘુ.. કોયલ કુંજે કુ..કુ..કુ..
ને ભમરો ગુંજે ગું..ગું..ગું
ચકલા-ઉંદર ચું..ચું..ચું ને છછુન્દરોનું છું..છું..છું !
કબૂતરો નું ઘુ..ઘુ..ઘુ..
ઘુવડ સમા ઘુઘવાટ કરતો, માનવ ઘૂરકે હું..હું..હું..
હરી ભજે છે એક જ હોલો, પીડિતોનો પરભુ તું,
કુન્જનમાં શી કક્કાવારી, હું કુદરત ને પુછુ છું,
કબૂતરો નું ઘુ ઘુ ઘુ…
ફૂલ્યા ફાલ્યા ફરી કરો, કાં ફણી ધરો શા ફૂ ફૂ ફૂ..
થોભી જાતાં થાથાં થૈને, સમાજ કરશે ઘુ..ઘુ..ઘુ…
માન વિના મૂકી જાશે, ખોટા ઠુઠવા ઠુ.. ઠુ.. ઠુ..,
કબૂતરો નું ઘુ..ઘુ..ઘુ..
લખપતીઓના લાખ નફામાં સાચું ખોટું કળશું શું ?
ટંક ટંકની રોટી માટે રંકજનોને રળશું શું ?
સમાનતાનો સમય થયો ત્યાં ઊંચું શું ને નીચું શું ?
કબૂતરો નું ઘુ..ઘુ..ઘુ..
પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું ?
દર્દભરી દુનિયામાં જઈને, કોઈનું આંસુ લુછ્યું તું ?
ગે ગે ફેં ફેં કરતા કહેશો હેં, હેં, હેં, શું..શું..શું…
કબૂતરો નું ઘુ..ઘુ..ઘુ.. – મીનપિયાસી….
દિનકરરાય કેશવલાલ વૈદ્ય જેમનું મૂળ નામ પણ જેઓ કવિતાપ્રેમીઓમાં ‘મીનપિયાસી’ તરીકે જાણીતા છે. 1910માં જન્મેલા આ કવિ પ્રકૃતિ અને પક્ષીપ્રેમી હતા. એમની આ કવિતા ખૂબ જાણીતી છે. ગુજરાતી ભાષાના કક્કાને લઈને એમણે ઊંડું ચિંતન પીરસ્યું છે. ‘માનવ ઘૂરકે હું..હું..હું..’ વાહ વાહ કવિ ! અને છેલ્લે ઉપરવાળાને જવાબ આપવો પડશે ત્યારે ‘ગે ગે ફેં ફેં કરતા કહેશો હેં, હેં, હેં, શું..શું..શું…’ આવી ગંભીર વાતને આટલી હળવાશથી અને વળી કક્કાની કહાણીના આધાર પર કહી દેવી સાચે જ સલામ માંગે છે.
ભજનગાયકીમાં વિખ્યાત હેમંત ચૌહાણના સ્વરમાં સાંભળો આ રચના.
11.2.21
કાવ્ય : મીનપિયાસી ગાયક : હેમંત ચૌહાણ
***
વારિજ લુહાર
13-04-2021
આપણાં સૌના માનવંતા ગાયક કલાકાર હેમંત ચૌહાણ એ ખૂબ જ આગવી ઢબે કબૂતરોનુ ઘૂ
ઘૂ ઘૂ .. ગાયું આ. અવિસ્મરણીય કાવ્ય આ રીતે માણવા મળ્યું તેનો આનંદ.
અમૂલ વ્યાસ
13-04-2021
લતા બહેન
આજના કાવ્ય વિશ્વ માં કવિ મીન પાયાની અને હેમંત ચૌહાણ ની કાવ્ય રચનાઓ એ ધણા સમય બાદ મનને પ્રફુલ્લિત કરી દીધું ખરેખર લતા બહેન ને ધન્યવાદ
પ્રતિભાવો