યામિની વ્યાસ ~ લ્યો હરિએ * Yamini Vyas

લ્યો ! હરિએ મોકલ્યું મને તો એંસી વર્ષે માગું !
શું હજી હું તમને હરિજી અઢાર વર્ષની લાગું ?

જાન લઈને ઝટ આવોને બારણાં ખુલ્લાં રાખું !
મૈયરના ગંગાજળ ને તુલસી છેલ્લે છેલ્લે ચાખું.
દહેજમાં શું જોઈએ, કહેજો…ના કરશો ને ત્રાગું ?
લ્યો ! હરિએ મોકલ્યું મને તો એંસી વર્ષે માગું !

ચુંદડી ઓઢી દોડી સહુને આવજો આવજો કરવા !
ચાર ખભે ડોલીએ મ્હાલી ચાલી પ્રભુને વરવા !
શમણામાં પણ તક ના ચૂકું તેથી હું તો જાગું !
લ્યો ! હરિએ મોકલ્યું મને તો એંસી વર્ષે માગું !  …..

~ યામિની વ્યાસ

આ ગીતની ખૂબી એ છે કે વાત મોતની હોવા છતાં ધ્રુવ પંક્તિ આંખમાં અજવાળા ભરી જાય છે. પહેલી પંક્તિમાં માગું મોકલવાની વાત, વળી લખે કે શું હરિ, હું તમને અઢાર વર્ષની લાગું ? અને પેલા એંસી વર્ષનો ઉલ્લેખ ભુલાઈ જાય. એક રમતિયાળ ભાવ મનમાં રમવા લાગે. ‘માગું’ શબ્દ કોઈપણ ઉમરની સ્ત્રીના મનમાં રોમાંચ જગવી જાય, આ કલ્પના દરેક ભાવકને જચી જાય અને એ જ આ ગીતની સફળતા છે. અલબત્ત પછીના અંતરામાં ગંગાજળ અને તુલસીનો ઉલ્લેખ પેલા એંસી વર્ષની યાદ અપાવી જાય અને ગીતના મૂળ વિષય તરફ લઈ જાય. બીજા અંતરામાં સહુને આવજો આવજો કરવાની વાત અને ચાર ખભે ડોલીનો ઉલ્લેખ મોતના ભાવને સ્પષ્ટ બતાવે પણ તોયે એથી એની હળવાશ જરીયે ઓછી નથી થતી. શબ્દોની પસંદગી અને આ આખાયે ભાવની અભિવ્યક્તિ એવી છે કે મૃત્યુનો ભાવ જાણ્યા પછીયે એનો ભાર વર્તાય નહીં. રમતાં રમતાં મોત આવવાનું હોય અને થપ્પો કરીને જતું રહે, કંઈક એવું જ. એટલે ખરેખર અહીં વાત મૃત્યુની હોવા છતાં એને આનંદથી ગાઈ શકાય એવું સરસ    ગીત બન્યું છે. આ કવિની કલ્પનામાં સર્જાયેલું, શણગારાયેલું મૃત્યુ છે.

યાદ આવી જ જાય, રાવજી પટેલ…  ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’.

સાંભળો આ ગીત નમ્રતા શોધનના મીઠા સ્વરમાં.

23.2.21

*****

Kirti Shah * 13-04-2021 * હરિ એ મૂક્યું માંગું. ..વાહ વાહ મજા આવી વધુ વિવેચન જરૂરી નથી…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: