અશોક ચાવડા ~ ફળીયેથી ઓસરી * Ashok Chavda

ફળિયેથી ઓસરી અને એકેક ઓરડે

તારાં ગયા પછી મને તારું સ્મરણ જડે.

દુર્ગંધ ઉચ્છવાસમાં કારણ વગર નથી,

મારી જ જાણ બહાર કૈ મારી ભીતર સડે.

મારા હ્રદયમાં આજ પણ બાળક જીવંત છે,

ઈર્ષા કે દ્વેષ મને ભાષા ન આવડે.

સુંદર મજાની ડાળને આ શું થઈ ગયું,

વૃક્ષનો વિચાર આવતો જ્યાં બેસું બાંકડે !

એથી જ ઘરની બહાર સહુ દફનાવવા ગયા,

‘બેદિલ’ મર્યા પછી ન ઘરમાં કોઈને નડે. ….

~અશોક ચાવડા

બહુ સરસ રીતે કવિએ શ્વાછોશ્વાસની સામાન્ય દૈહિક ઘટનાને આંતરજગત સાથે વણી લીધી છે. અંદર શું સંઘરાયેલું છે અને એની શું પ્રક્રિયા છે એની સામાન્ય રીતે આપણને ખબર હોતી નથી. આપણાં વિચારો, શબ્દો, વર્તન આ બધુ આપણાં આંતરજગતનું દ્યોતક છે. કોઈ શબ્દ અચાનક આવીને જીભ પર બેસી નથી જતો. ગમતા, અણગમતા વર્તનના મૂળિયાં પણ ઊંડે છુપાયેલા હોય છે. ભાવ, પ્રતિભાવ ક્યારેક આપણનેય નવાઈ લાગે એમ અનાયાસ પ્રગટ થઈ જતો હોય છે. માનસશાસ્ત્રીઓ એના કારણો શોધવામાં પારંગત હોય પણ આપણેય જો મંથન કરીએ તો મૂળ સુધી જઇ શકાય છે. દુર્ગંધ શબ્દ દ્વારા વર્તનમાં રહેલી નકારાત્મકતાની વાત છે જેનું કારણ ક્યાંક આપણો અહમ કે સ્વાર્થવૃત્તિ, દ્વેષ વગરેમાં હોઇ શકે. સામાન્ય વાતને એક કાવ્યમય ઊંચાઈ મળી છે.

24.2.21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: