ગની દહીંવાલા ~ દિવસો જુદાઈના * Gani Dahiwala

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી. 

ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

ગની દહીંવાલા

કવિતા હૃદયમાંથી અવતરે છે. એ ભણતર કે ડિગ્રીની મોહતાજ નથી. જરીક અમથું ભણતર અને જીવવા માટે સંચાનો સહારો પણ સિલાઈ કરતી આંગળીઓના ટેરવે કવિતાનું પ્રાગટ્ય કેવું !

ગુજરાતીના એક ધરખમ ગઝલકાર ગની દહીંવાલાની આજે પૂણ્યતિથી અને આ ગઝલ ‘કાવ્યવિશ્વ’ને અજવાળશે.   

‘દિવસો જુદાઈના જાય છે’ – આ એક ગઝલ મહમ્મદ રફી, પુરુષોત્તમ ઉપાધ્યાય અને જગજીતસિહના અવાજમાં સાંભળો.

સૌજન્ય : ગુજરાતી પ્રતિભા પરિચય

5.3.21

કાવ્ય : ગની દહીંવાલા સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય, મહમ્મદ રફી, જગજિતસિંહ

*****

Parul Nayak

13-04-2021

વચ્ચેનાં બે શેર પહેલીવાર વાંચવા મળ્યા, હજી પાથરી ===જીવન સુધી, વાહહહહ!

સુરેશ’ચંદ્ર’ રાવલ

13-04-2021

વાહ… લતાબેન…!
“દિવસો જુદાઈના…” એ ગઝલમાં શ્રી ગનીજીએ જે ચોટ આપી છે…તે વિરહીજનોના હ્દયમાં હજું પણ અકબંધ છે…રફી સાહેબનો મધુર કંઠ , પુરૂષોત્તમ ઉપાધ્યાય ની ત્રિબંધી સોનામાં સુગંધ બંને છે… બાકીનાં કાવ્યો પણ ખૂબ ગમ્યાં…ખૂબ આભાર…!

Harshad Dave

13-04-2021

વાહ…દિવસો જુદાઈના જાય છે…

છબીલભાઈ ત્રિવેદી

13-04-2021

દિવસો જુદાઈ ના જાય છે ખુબ સરસ રચના ગની સાહેબ ની કવિતા હદય માથી પ્રગટે છે મિરા નરસિંહ કયા ભણેલા હતા, ખુબજ સરસ લતાબેન, અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: