કેશુભાઈ દેસાઈ ~ અહીં ચાહું

સોનેટ : શિખરિણી

અહીં ચાહું તુંને, ચહીશ જઇ જો જન્નત મહીં

મને ત્યાંયે ના કો’ અડકી શકશે આરીફ કદી !

ભલે તેં જાકારો દઈ મુજ પિતાના ગરીબડા

ઘરે ધક્કા મારી, પજવણી કરી પાઠવી હતી

ભર્યા પેટે જેમાં રુધિર ધબકંતું તુજ રૂપે

હમેશા તેં જેને પરકીય ગણી વ્હેમ જ ધર્યો…

કદી સ્વપ્નામાંયે નવ પરપુરુષે પ્રગટ થૈ

કરી ચેષ્ટા સુદ્ધાં, તદપિ તવ હૈયે સળવળ્યો

સદાયે શંકાનો કીટ : કરી શકે શું કનીજ આ !

રહ્યો છેલ્લો માત્ર જળ મહીં વિસામો નસીબમાં…

હવે પ્યારા અબ્બા ખતમ ગણજો ક્રૂર કથની

નદીમાના ખોળે જઇ રહી તમારી ફૂલપરી

‘સમાવી લે મૈયા’ વદી તુરત કૂદી મલકતી

કથા થૈ પૂરી શું ? – સરિત છલકી પ્રશ્ન કરતી

– ડો. કેશુભાઈ દેસાઈ 4.3.2021  

આજકાલ આયેશાની આત્મહત્યા અખબારોનું અગત્ય બની ગઈ છે. આખોય શબ્દકોશ ઓછો પડે એટલી મોટી અને શ્વાસના તળિયે પહોંચી જવાય તોયે એની ડૂબકીનું સમાધાન ન મળે એટલી ઊંડી  આ સમસ્યા છે. જે રોજ જીવાય છે એ મોત જ હોય તો પણ એને હડસેલવાના રસ્તાઓ કેવી રીતે ખૂટી જાય ? સંસારની તમામ આયેશાઓને કેવી રીતે શીખવવું કે જીવન એ જીવન છે. એને ગળે ટૂંપો ન જ દેવાય. નદીની હવામાં એણે એક મિનિટ વધારે ઊંડો શ્વાસ લીધો હોત અને એના માનસમાં ક્યાંક લંબાયેલો હાથ હોત તો એણે પડતું મૂકવાનું માંડી વાળ્યું હોત ! આપણા હાથ માત્ર આપણા માટે જ ન રહે, ક્યારેક આવી આયેશાઓ માટે લંબાય અને પગલાં ક્યારેક એના પિતાઓ તરફ સમજાવટના સ્વરૂપે વળે તો કદાચ અખબારોને ખાલી રહેવું પણ પરવડશે.  

આયશાની આત્મઘાતક છલાંગ અને હચમચાવી દેતી એ ઘટના સૌની સામે જ છે અને ગઇકાલે જ ડો. કેશુભાઈનું આ સોનેટ આવ્યું….

6.3.21

***

સુરેશ ‘ચંદ્ર’ રાવલ

13-04-2021

કેશુભાઈ દેસાઈનું સોનેટ હદયના ઊંડાણ સુધી લઈ જાય છે…એક અવ્યક્ત વ્યથા વ્યાકુળ કરી દે છે…અભિનંદન કવિશ્રી કેશુભાઈને..ખૂબ ગમ્યું સોનેટ

Purushottam Mevada Saaj

13-04-2021

કેશુભાઈ નું સોનેટ હ્રદય સ્પર્શી છે.

Dina pandya

13-04-2021

લતાબેન કાવ્યવિશ્વ માં આવતી કવિતાઓ ખૂબ આશ્ચર્ય અને સુંદર છણાવટ છણાવટ સાચે જ હોય છે ખૂબ અભિનંદન તમારી મહેનત ને સલામ પોસ્ટ મોકલો સુપર

દીના

13-04-2021

ડોક્ટર કેશુભાઈના કાવ્યો નો પહેલીવાર પરિચય ભાવ વિશ્વ અનોખું અદભુત આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: