બાલમુકુન્દ દવે ~ કેવા રે * Balmukund Dave

કેવા રે મળેલા મનના મેળ !

હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મનના મેળ
હો રુદિયાની રાણી ! કેવા રે મળેલા મનના મેળ

ચોકમાં ગૂંથાયે જેવી ચાંદરણાની જાળી
જેવી માંડવે વીંટાયે નાગરવેલ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

તંબુ ને જંતરની વાણી,
હે જી કાંઠા ને સરિતાનાં પાણી;
ગોધણની ઘંટડીએ સોહે સંધ્યાવેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

સંગનો ઉમંગ માણી,
હે જી જિંદગીંને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

બાલમુકુન્દ દવે

ગુજરાતી કાવ્યસાહિત્યની શાશ્વત મૂલ્ય ધરાવતી અને વારંવાર સાંભળવી ગમે એવી અમર રચના. ક્ષેમુભાઈ દિવેટિયાએ સ્વરાંકન કરેલું આ ગીત ઘણા કલાકારોએ ગાયું છે પણ આજે અહીં સાંભળીએ અમર ભટ્ટ અને ગાર્ગી વોરાના મધુર સ્વરોમાં… કવિ બાલમુકુન્દ દવેના 105મા જન્મદિને એમના આત્માને વંદન. 

આ વિડીયો મોકલવા બદલ આભાર અમરભાઈ.

7.3.21

કાવ્ય : બાલમુકુન્દ દવે * સ્વરકાર : ક્ષેમુ દિવેટિઆ * સ્વર :અમર ભટ્ટ, ગાર્ગી વોરા

***

સુરેશ જાની

13-04-2021

કેવા રે મળેલા મનના મેળ !

અમર ગીતોમાંનું એક. વારંવાર સાંભળવું ગમે.

Dr.રાધિકા

13-04-2021

સુંદર ગીત …અતિ સુંદર રજૂઆત

Kirti Shah

13-04-2021

બાલમુકુંદ દવે ની કવિતા માં જે ambience વરતાય છે તે લોભામણું અને મનોગમ્ય છે અને આતો આડપેદાશ છે કવિતાના મૂળ તત્વ ને તો લતાબેને સરસ રીતે ઝીલ્યો છે

પ્રજ્ઞા પટેલ

13-04-2021

સરસ સંકલન, પ્રસ્તુતિ..કેવા રે મળેલા મનના મેળ – અદ્ભુત ગીત

1 Response

  1. ઉમેશ ઉપાધ્યાય says:

    સરસ રચના 👌🏻👌🏻👌🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: