રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ ~ તારું કશું ન હોય * Rajesh Vyas

આવ તું

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

અજવાળું જેના ઓરડે તારાં જ નામનું,
હું એ જ ઘર છું, એ જ ભલે ને આવ તું.

પહેર્યું છે એ ય તું જ છે, ઓઢ્યું છે એ ય તું,
મારો દરેક શબ્દ તું, મારો સ્વભાવ તું.

સાકરની જેમ ઓગળી જઈશ હું ય પણ,
છલકાતો કટોરો ભલેને મોકલાવ તું.

‘મિસ્કીન’ સાત દરિયા કરી પાર એ મળે,
એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ની આ વિખ્યાત ગઝલ. પ્રથમ શેર, મત્લાનો શેર એટલો શાનદાર થયો છે કે ગઝલપ્રેમી કે કાવ્યપ્રેમી કોઈ વ્યક્તિ એવી નહીં મળે કે જેણે ‘મિસ્કીન’નો આ શેર ન સાંભળ્યો હોય ! પ્રેમ કરનાર માટેનો આ પડકાર અજબ ગઝલિયતથી રજૂ થયો છે. મારો પ્રિય શેર છે, “પહેર્યું છે એ ય તું જ છે, ઓઢ્યું છે એ ય તું ; મારો દરેક શબ્દ તું, મારો સ્વભાવ તું.”

અને ‘એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું’ – કવિના મુખે સાંભળતા ‘પડાવ’ શબ્દ પરનું વજન અનુભવાય !! ક્યા બાત !!

20.3.21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: