પ્રફુલ્લા વોરા ~ ચાલ હવે * Prafulla Vora

ચાલ, હવે પડછાયા છોડી જીવીએ થોડું અંગત અંગત,
ટોળાનો પરિવેષ મૂકી વિસ્તરીએ થોડું અંગત અંગત.

ખાલીપાનો દરિયો ઘૂઘવે આંખોના ઊંડા કોતરમાં,
જામ દરદના ભરતાં ભરતાં ડૂબીએ થોડું અંગત અંગત.

ફૂલોની રંગત છે આજે, રેશમ જેવી મહેક હવાની,
કાંટાનો વિસ્તાર ભૂલીને ફરીએ થોડું અંગત અંગત.

ચારે બાજુ દર્પણ મૂક્યાં, ચારે બાજુ ચહેરાઓ છે,
મહોરાં-બુરખા ઓઢી લઈને ભૂલીએ થોડું અંગત અંગત.

મૃગજળનો વિસ્તાર ભલે ને ‘તું’ ને ‘હું’ની આજુબાજુ,
પણ વરસાદી મોસમ જેવું મળીએ થોડું અંગત અંગત. –

~ પ્રફુલ્લા વોરા

અંગત અંગત અને વરસાદી મોસમ જેવા શબ્દો વાંચતાં ભીની ભીની લાગણી થાય જ… પણ કવિને યાદ છે, કાંટાનો વિસ્તાર અને દરદના જામ પણ… એક આંખ હસતી અને એક આંખ રડતી… જીવનની આ જ વાસ્તવિકતા અને આ જ ખૂબી પણ…. અને મહોરા, બુરખા ઓઢવાની વાત અહી કેટલી પોઝિટિવિટી લઈને આવે છે ! સામાન્ય રીતે નેગેટીવ અર્થ ધરાવતા શબ્દોમાં આમ ઉજળો અને હૂંફાળો પ્રકાશ ભરી દેવાની વાત ગમે જ અને સ્પર્શે જ….  

સાભાર – ‘શ્વાસનું પંખી’ ગઝલસંગ્રહ

30.3.21  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: