ચંદ્રકાન્ત અંધારિયા ‘બદમાશ’ ~ તમારા ગયા પછી

આપે ન કો’ ઉધાર, તમારા ગયા પછી,
આવે છે લેણદાર, તમારા ગયા પછી !

દરરોજ જોઉં છું હું ફિલમ ત્રીજા ખેલમાં,
ના કોઈ ટોકનાર, તમારા ગયા પછી !

તેજીમાં કાલ જે હતી મંદીમાં આવી ગઈ,
શૃંગારની બજાર, તમારા ગયા પછી !

ઘર-કામ કાજ વહેલો હું ઉઠતો’તો પણ હવે,
મોડી પડે સવાર, તમારા ગયા પછી !

‘બદમાશ’, ચોર, ગુંડા, લફંગા મળી બધા,
ઘરમાં રમે જુગાર, તમારા ગયા પછી !

– ચંદ્રકાન્ત અંધારિયા ‘બદમાશ’

આજે પહેલી એપ્રિલ – ખુશ હૈ જમાના આજ પહલી તારીખ હૈ…. એ ગીત જરૂર યાદ આવે તો આજે એપ્રિલફૂલનોય દિવસ. એટલે આજે વિશ્વહાસ્યદિન ગણીએ તો ખોટું નહીં, શું કહો છો ?

જેમને ઉપનામ જ ‘બદમાશ’ રાખ્યું છે એવા કવિએ રચેલી આળસુ પતિની આ ગઝલ છે. (આમ તો ઘરમાં કામગરા પતિ ક્યાંય જોયા છે ? જવા દો, એ મુદ્દાને નથી છેડવો) પત્ની પિયર ગયા પછી જેને મોકળું મેદાન મળી ગયું છે એવા પતિની ગઝલ…. શુદ્ધ હાસ્ય અને શુદ્ધ કવિતા. મજા લો એની…

1.4.21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: