અરવિંદ બારોટ ~ પથારી સંકેલો

વીતી ગઈ છે રાત: પથારી સંકેલો !

પોકારે  પરભાત: પથારી સંકેલો ……..

અનહદના ઓંછાયા ઓરા ઓરા આવે,

રુંવે રુંવે  રણઝણતું  કો’  બીન બજાવે;

આ જ ઘડી રળિયાત: પથારી સંકેલો ….. 

મોંસૂઝણાની  વેળા  થઈ છે:નેણાં ખોલો !

અજવાળાનાં પગલાં થાશે:ખડકી ખોલો !

પરદા ખૂલશે સાત: પથારી સંકેલો …. 

બચકાં  બાંધો: જાવું   છે  છેટાની  વાટે ,

વાટ જુએ છે શામળિયો જમનાને ઘાટે;

ભેળી લેજો જાત: પથારી સંકેલો  

– અરવિંદ બારોટ

કવિએ નિર્દેશ્યુ છે, – જાગી જવાનું ગીત, આને મોહનિન્દ્રામાંથી જાગવાનું ગીત કહી શકાય ? અંતિમ ઘડી આવે ત્યાં સુધી અંદર રહેલા આત્માની કોઈ ખેવના રાખ્યા વગર જંજાળોમાં જીવ્યે જતા માણસ માટે ! જાગૃતિની ક્ષણ કોઈનેય ક્યારેય પણ આવે, એ આવે એટલું જ મહત્વનું…

કવિ અરવિંદ બારોટ ખૂબ સારા ગાયક પણ છે. એમનું જ ગીત, એમનું જ સ્વરાંકન અને એમનો જ અવાજ…. સાંભળો. 

3.4.21

કાવ્ય, સ્વરાંકન & સ્વર : અરવિંદ બારોટ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: