મનોહર ત્રિવેદી ~ વાયરો આવી અટક્યો સામે* Manohar Trivedi

પગ મૂકું ત્યાં પથ

વાયરો આવી અટક્યો સામે લૈ પોતાનો રથ…. 
ઝાડવાં એની ડાળ હલાવી, નિત કરે સ્વાગત
ક્યાંય રોકાવું પાલવે નહીં, હોય જે અભ્યાગત
સ્હેજ કાંઠાને અડકે નદી : અડકે ત્યાં તીરથ
પગ મૂકું ત્યાં પથ.  

હોત અરે, પાષાણ તો પડ્યો હોત ત્યાં પડ્યો હોત
ધરતીથી નભ ઊડવા જેવું, ધૂળપણું પણ ખોત
મેઘને આપે નોતરું એ તો હોંશથી હથોહથ
પગ મૂકું ત્યાં પથ.

ત્રણમાં વેઠયા તડકા, ચોથે પોર ઘેરે અંધાર
સીમ વચોવચ ઝળકયાં ત્યાં તો કોઈ દેરીના દ્વાર
કેડીને અજવાળતી મા-ના નાકની રૂડી નથ-
પગ મૂકું ત્યાં પથ. 

~ મનોહર ત્રિવેદી

(‘ચરણ રુકે ત્યાં કાશી’ના કવિ હરીન્દ્ર દવેને સમર્પિત)

કવિ મનોહર ત્રિવેદીનું એક નવું નક્કોર તાજું ગીત. રણઝણ ઝરણાંની જેમ વહયે જતાં સંખ્યાબંધ ગીતો કવિએ આપ્યાં છે. ન ભાવમાં, ન શબ્દોમાં, ન પ્રાસ રચનામાં ; ક્યાંય આયાસ ન લાગે એવાં ગીત….  

આ ગીતના દરેક અંતરામાં એક ગહન સત્ય અને એને હવાની લહેરખી જેવી હળવાશમાં વીંટીને નિરૂપવાની કવિતાકલાને સલામ કરવી પડે !  જુઓ, ‘ધરતીથી નભ ઊડવા જેવું, ધૂળપણું પણ ખોત’ કે પછી  ‘સ્હેજ કાંઠાને અડકે નદી : અડકે ત્યાં તીરથ’ – વાંચતાં ભાવવિભોર બની જવાય ! તો ‘હથોહથ’ શબ્દ એટલો વ્હાલો લાગે છે કે એના પછી આવતા ‘પથ’નો અંત્યાનુપ્રાસ સ્હેજ પણ મથ્યા વિના આરપાર પ્રસરી જાય છે. આ વાત આખાયે ગીતની પ્રાસયોજનાને લાગુ પડે. (અહી ‘યોજના’ શબ્દ પણ કઠે છે)

અત્યંત સહજતાથી વહી જતું આ ગીત છેલ્લા અંતરામાં જીવનની કઠોરતા હળવેકથી રજૂ કરે છે પણ બસ એક જ પંક્તિ. પછી તરત મા-ના નાકની રૂડી નથ – કહી એટલી જ નમણાશથી સંપન્ન થઈ જાય છે !   

4.4.21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: