અશ્વિન ચંદારાણા ~કાલના

કાલના સોનેરી સ્વપ્નો છૂટથી વહેંચાય છે,
રેંટિયા કંતાઈ ચૂક્યા, જાત હજુ કંતાય છે.

ચીર પૂરાતા નથી પણ લક્ષ્ય હજુ વીંધાય છે,
કૌરવો ને પાંડવોના સંબંધો સચવાય છે.

વીંટીઓને ઓળખીને સેતુઓ બંધાય છે,
રામ સાથે રાવણોનાં તંત્ર સંબંધાય છે.

ધોતિયાં બંધાય છે, ને ટોપીઓ પહેરાય છે,
લોકતંત્રી માંડવામાં લાપસી રંધાય છે.

તંત્ર જેને કારણે છે, એ જ અહીં અટવાય છે!
બાગ જો વાવ્યો હતો, તો શ્વાસ કાં રૂંધાય છે ?

સંબંધોનાં વાદળો ગોરંભતાં મોસમ વગર,
માવઠે ફાટ્યાં ગગન, એ એમ ક્યાં સંધાય છે ? ……

~ અશ્વિન ચંદારાણા

સપનાંઓ જોવા એ ખુશકિસ્મતી કહી શકાય. કલામ સાહેબ કહી ગયા કે ‘સપનું એ છે કે જે ખુલ્લી આંખે જોવાય છે.’ એ આદર્શ થયો બાકી સામાન્ય માનવી સપનામાં સુખ મેળવી લે એય મોટી વાત છે પણ સપનાઓ વહેંચવાની બાબત જોખમી બની શકે છે. એનાથી ચેતવું પડે !  

કવિતામાં કહેવાયેલી વાત ભલે વર્તમાન સંદર્ભમાં કહેવાઈ હોય, કવિ આપણને પૌરાણીક સંદર્ભ તરફ પણ દોરી જાય છે. ભલે રામરાજ્ય હતું પણ મંથરાઓનો અભાવ નહોતો. યુધિષ્ઠિરના યુગમાંય ભરીસભામાં ચીરહરણો થઈ શકતા અને દ્રૌપદી દાવ પર મુકાતી. કૌરવ અને પાંડવોના યુદ્ધમાં કોણ કોના પક્ષે છે એ ત્યારેય મુશ્કેલ હતું, આજે ઘણું વધ્યું છે. ભેળસેળીયા જમાનામાં રામત્વ અને રાવણત્વની પણ પહેચાન મુશ્કેલ બનતી જાય છે કેમ કે રાવણના દસ માથા દૃશ્યમાન નથી. દેખાવ પરથી કોઇને સજ્જન કે દુર્જન માનવું દોહ્યલું છે. ગાંધીજીની પોતડીથી જવાહરલાલના જાકીટ સુધી, એક સ્થાપિત સંજ્ઞાને ફાયદામાં પરિવર્તિત કરવાની કળા બધા શીખી ગયા છે.

29.3.21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: