કિશોર બારોટ ~ આપણે તો

આપણે તો  માર્ગ ટૂંકા ને સરળ શોધ્યા કર્યાં.

ના કશું નક્કર કર્યું, બસ લોટમાં લીટા કર્યાં.

પેટ ભરવાના બહાને પોટલાં ભરવાં  હતાં,

એ જ કારણ જિંદગીભર લોહીઉકાળા કર્યાં.

આજ પણ તારા બની એ ઝળહળે છે આભમાં,

કૈંક અંધારા ઘરોમાં જેમણે દીવા કર્યાં.

‘માંગણી કંઈપણ નહીં, બસ ચાહવું,’ એ પ્રેમ છે.

પ્રેમ નામે આપણે કૈં કેટલાં ત્રાગાં કર્યા.

યાદ ઉપકારો જ રાખ્યાં, ભૂલ ભૂલી જઈ બધી,

મેં સંબંધોના હિસાબો એ રીતે ચોખ્ખા કર્યાં.

વૃક્ષ આજે પૂર્ણતા પામી હરખઘેલું થયું.

પંખીઓએ આજ તેની ડાળ પર માળા કર્યાં.

આટલું કર તું પ્રથમ જો, તો કરીશ હું આટલું.

માનતા માની, પ્રભુની સાથ પણ સોદા કર્યાં.

ઈશ્વરે સીધો બનાવ્યો એ જ આડો ચાલતો,

કાયમી સીધા જ ચાલ્યાં, જેમને આડાં કર્યાં.

કિશોર બારોટ

‘લોટમાં લીટા કર્યા’ જેવા રૂઢિપ્રયોગને સરસ રીતે રજૂ કરતી અને જીવનની, પ્રેમની, સંબંધોની સમજણ વ્યક્ત કરતી આ રચનાના છેલ્લા શેરમાં ઈશ્વરે રચેલી પ્રાણીસૃષ્ટિની વાત અસરકારક રીતે કહેવાઈ છે તો સ્થિતપ્રજ્ઞ ગણાતા વૃક્ષનું માનવીયકરણ પણ મજાનું ઉતરી આવ્યું છે.

9.4.21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: