જગદીપ ઉપાધ્યાય ~ જતાં શ્વાસ હાંફી * Jagdeep Upadhyay

જતા શ્વાસ હાંફી, જતો જીવ થાકી, છતા દોડવાનું નિરંતર રહ્યું છે
અડું ના અડું ત્યાં સરી જાય છેટું, સદા સુખથી વેંત અંતર રહ્યું છે.

ઉબાતા વિલાસો, કૂડા રંગ રાગો, લીલેરા અભાવો. રૂપાળી સજાઓ
નથી સ્વર્ગ ને સ્વર્ગ એક જ અહિયા જુઓ નર્ક એની સમાંતર રહ્યું છે

લખું શું નવું? કે લખ્યા છે તમોએ, ફૂલો, લાગણી. આંસુઓ કાવ્ય રૂપે
તમે જે લખ્યું છે, જુદી રીતે એનું જ મારા કવનમાં રૂપાંતર રહ્યું છે.

અને સાંજ ડૂબી પણે વાદીઓમાં, કસક લોહી વચ્ચે, પીડા નાડીઓમાં
પહાડીની વચ્ચે પવન એમ ઊઠે , ઝીણું વાગતું કોઇ જંતર રહ્યું છે.

ગમોમાં,ખુશીમાં, ઘટામાં, રણોમાં અને કલ્પનાના અજાણ્યા મલકમાં
જગાઓ નવી ને નવા સૌ અનુભવ,સતત જિંદગીમાં સ્થળાંતર રહ્યું છે.

~ જગદીપ ઉપાધ્યાય

અચાનક વસમી વિદાય આ સત્વશીલ અને કલાથી ભરપૂર કવિની. આજે શબ્દો આથમી ગયા છે જગદીપભાઈ…  

કવિ હરિકૃષ્ણ પાઠક – રમેશ પારેખ ના પ્રથમ સંગ્રહ ‘ક્યાં’ ૧૯૭૦ના પ્રકાશન થી લઇ આજ સુધીના સૌરાષ્ટ્રના ગીતકવિઓએ ગીત કવિતા નો નેજો ઉંચો ને ઉંચો ફરકતો રાખ્યો છે ને પોતપોતાની મુદ્રા સ્થાપી છે .તેમાંના એક કવિ લેખે શ્રી જગદીપ ઉપાધ્યાય એક નોંધપાત્ર કવિ ઠરે છે.

કવિ જગદીપ ઉપાધ્યાયના અવાજમાં ‘રોઈ ન શકેલી રાધાનું ગીત’

26.4.21

કવિ જગદીપ ઉપાધ્યાયના અવાજમાં ‘રોઈ ન શકેલી રાધાનું ગીત’

***

દીપક વાલેરા

02-05-2021

સુંદર રચના કવિ આપની વિદાય વસમી થઈ છે

કિશોર બારોટ

26-04-2021

એક સ્નેહાળ મિત્ર ગુમાવ્યાથી લાચારીભર્યું નોધારાપણું અનુભવું છું.

ડો. પરુષોત્તમ મેવાડા, સાજ

26-04-2021

કવિ શ્રી જગદીપભાઈની કારમી વિદાય.
એમની ગઝલમાં આવો કંઈક અણસાર મળે છે.
એમનો અવાજ સાંભળ્યો. ૐ શાંતિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: