વિષ્ણુ પંડ્યા ~ કેવો દુર્લભ પિંડ

કેવો દુર્લભ પિંડ છે તારો, 
વર્ષા-હેમંત-શિશિર 
કે વસંતનો ય ના મોહ, ના માયા.
ના કોઈ આશ્વતીની એષણા.
તુજ આગમન તપતા મધ્યાહને, 
ભૂતળજલ સુકાઈ ગયા હોય, 
સૂર્ય તેના પ્રખર મિજાજમાં 
ને વૃક્ષ-વેલી-છોડની તૃષા  સંતપ્ત. 
આંખનું આંસુ હોઠ પરની પ્યાસનું 
એક જ બિંદુ બની જાય,..
ત્યારે તું આવે છે. 
ગ્રીષ્મના મધ્યાહને અને તપ્ત રાત્રીએ 
પ્રસરે છે અસ્તિત્વના મૂળ, 
ખીલી ઉઠે છે અનહદ રંગીન પુષ્પો, 
મારી અગાશીની સવારને 
રમ્ય કવિતામાં પરિવર્તિત કરી દે છે.. 
દરેક ડાળી સલામ આપે 
સ-સ્મિત ઝુકી ને, 
પૂછું છું તને- 
‘કયા પ્રિય પાત્રની છલકતી સ્મૃતિ 
આટલું ખીલવે છે તને, મિત્ર” 
કે પછી તું યે અસીમિત વેદનાનું જ સંતાન ? 
ને આ હાસ્ય પણ…… 

~ વિષ્ણુ પંડ્યા

ગુલમહોરના ફૂલોને જોઈ પારેવાનું ઘૂ ઘૂ વધારે ઘેઘૂર બનતું હશે ! સડકની જડતા ઓગળવા માંડતી હશે ! રસ્તો ખુદ ડાળીએ વીંટળાવા વ્યાકુળ બની જતો હશે ને રાહદારીઓની તરસી આંખોમાં ચમકતા ફૂલોનો રંગ ધોધમાર વરસતો હશે ! જો કે આ બધાની ગુલમહોરને ક્યાં પડી છે ?

તારાઓની રંગોળીમાંથી નીકળી રુમઝુમ કરતી ઊંઘ આંખમાં આવી પહોંચે ત્યારે કવિતા જેવા સપનાંઓનો પ્રદેશ સાવ હાથવગો બની જાય ! ઊઘડતી સવાર સુગંધના દેશનો પ્રવાસ કરીને આવી હોય, નમણાશ ને કુમાશ બેય હાથે લુટાવતી આવી હોય ત્યારે નીંદરભર્યું ભીનું મન એને ઝૂકી ઝૂકીને સલામ આપે. ભલે સલામ આપતું હોય પણ મન તો મન છે. ગુલમહોરી પ્રભાતી વાતાવરણના કણ કણમાં હળવાશ ઠાંસી ઠાંસીને ભરી હોય ત્યારેય મન સવાલ વગરનું ન જ રહી શકે. પૂછી બેસે, ‘કોની સ્મૃતિ તને આટલું ખીલવે છે દોસ્ત ?

સરસ અછાંદસ

26.7.21

**

Sarla Sutaria

26-07-2021

સુંદર કાવ્યનો સુંંદર આસ્વાદ ???

પ્રફુલ્લ પંડ્યા

26-07-2021

શ્રી વિષ્ણુભાઈ પંડ્યાની આ કવિતા પ્રકૃતિ નિરીક્ષણની એક પ્રેરક ભેટ એ અર્થમાં છે કે આપણે બદલાતી ઋતુઓ અને ઝાડ – પાન તથા ફળ- ફુલની જીવન સૃષ્ટિ વિશે બહુ જાણતાં કે વિચારતાં જ નથી.જો આવું વિચાર- મંથન હોય તો તુરંત ગુલમહોર જેવી સુંદર કવિતા મળી આવે ! કવિશ્રીને હાર્દિક અભિનંદન !
પ્રફુલ્લ પંડ્યા

સુરેશ ‘ચંદ્ર’ રાવલ

26-07-2021

અછાંદસની ખૂબસૂરતી એ છે…કે કાવ્ય જો મુખર બને તો કવનની મજા મરી જાય…શ્રી.વિષ્ણૂભાઈ પંડ્યાનું સુંદર ગર્ભિત કાવ્ય …ગુલમહોરી સવારની હૂંફ આપી જાય છે…અને લતાબેન નો આ સુંદર કાવ્ય પર ખૂબસૂરતી ભર્યો આસ્વાદ…

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

26-07-2021

આ અછાંદસ કવિતાની મજા નામ આપ્યા વગર ઊનાળામાં ભર બપોરે ખીલી જતા ગુલમહોર દ્વારા કવિ હ્રદયમાં ઉદ્ભભવેવા પ્રશ્નની છે.

છબીલભાઈ ત્રિવેદી

26-07-2021

આજનુ વિષ્ણુ પંડયા નુ કાવ્ય ગુલમહોર ખુબ સુંદર કુદરત ની કરામત ને કવિ એ બખુબી કાવ્ય મા ઉતારી છે કોઈ વસંત મા ખીલે તો કોઈ ગ્રીષ્મ મા કુદરત કોઈ ઋતુ નો મોહતાજ નથી ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: