કૃષ્ણ દવે ~ હાલો * Krushna Dave

હાલો આકાશ કરો ખાલી
વરસવા માટે બોલાવ્યા’તા તમને ને દીધા કરો છો હાથતાલી ?
હાલો આકાશ કરો ખાલી

ખિસ્સામાં ટીંપાની ત્રેવડ ન્હોતી તો પછી વાદળ થઈ આવ્યા શું કામ ?
ખાલી અંધારવાનું નાટક ભજવાય એવું ચોમાસું લાવ્યા શું કામ ?
ઉપરથી અમને’ય પણ ખખડાવી નાંખીને ક્યો છો કે સંસદ ક્યાં ચાલી ?
હાલો આકાશ કરો ખાલી

દરીયો તો અમૃતના દયે છે ભંડાર કહો ક્યાંય તમે સરખા વરસાવ્યા ?
ક્યાંક વળી ડૂબાડ્યા ગામના ઇ ગામ અને ક્યાંક વળી તળને તરસાવ્યા !
વરસાદ ને પરસાદ તો સરખા વ્હેચાય બધે એટલી’યે અક્કલ નો હાલી ?
હાલો આકાશ કરો ખાલી

– કૃષ્ણ દવે

વરસાદ તરસાવે છે, ત્યારે કૃષ્ણ દવેનું આ કાવ્ય મૂક્યા વગર કેમ ચાલે ? કવિનો અસલી મિજાજ જુઓ, વાદળોને કેવા ખખડાવી નાખે છે ! મૂળ વાત કહેવાની તો એ જ છે કે ગીત વાંચતાવેંત ખબર પડી જાય કે આ તો કૃષ્ણભાઇનું જ ! આટલી પોતીકી મુદ્રા રચનારા કવિ દીવો લઈને જ શોધવા પડે !

9.8.21

***

Vivek Tailor

11-08-2021

સરસ મજાનું ગીત… અભિવ્યક્તિનું નાવીન્ય સ્પર્શી જાય એવું

મજા આવી

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

10-08-2021

વાહ, મેઘનેય ખખડાવી શકે કવિ શ્રી કૃષ્ણ દવે. સરસ ગીત.

છબીલભાઈ ત્રિવેદી

09-08-2021

આજનુ દવેસાહેબ નુ કાવ્ય ખુબજ ગમ્યું કવિ તો ગમે તેને ખખડાવી શકે નાઝીર દેખૈયા જેવા કવિ ઈશ્ર્વર ને પણ પ્રેમથી ખખડવી શકે તો રાજસ્થાન ના ચારણ કવિ દુશાજી આઢા શહેનશાહ અકબરને પણ ખખડાવી નાખે વાહ દવે સાહેબ આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: