લોકગીત ~ દાદા હો

દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ
વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ
પાછલે તે પરોઢીએ પાણી મોકલે રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ
સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઘડો ન બુડે મારો, ઘડો ન બુડે, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ
ઊગીને આથમિયો દી કૂવા કાંઠડે રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ
દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કહેજો દાદાને રે, કહેજો દાદાને રે, મારી માડીને નવ કહેજો રે સૈ
માડી મારી આંસુ સારશે રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, અફીણિયાં નવ ઘોળજો રે સૈ
અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કાકાના કાબરિયા, કાકાના કાબરિયા, મારા મામાના મૂંઝડિયા રે સૈ
વીરાના વઢિયારા વાગડ ઊતર્યા રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કાકાએ સીંચ્યું, કાકાએ સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું રે સૈ
વીરાએ આંગણ બેડું ફોડિયું રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી – લોકગીત

15.8.21

લોકગીત  સ્વર : આશા ભોંસલે  સંગીત : અવિનાશ વ્યાસ

*****

Sarla Sutaria

21-08-2021

વાગડમાં સાસરે ગયેલી દીકરીના જીવનની વેદના વ્યક્ત કરતું હૃદય સ્પર્શી અમર ગીત

છબીલભાઈ ત્રિવેદી

16-08-2021

આજનુ લોકગીત દાદા હો દિકરી ખુબજ માણવા લાયક લોકમુખે સચવાયેલા ગીતોઅેટલે લોકગીતો મેઘાણી સાહેબ, હસુભાઈ યાજ્ઞિક સાહેબે ઘણા લોકગીતો આપેલા છે રઢિયાળી રાત, ચાંદો ઉગ્યો ચોક મા લોકગીત સંગ્રહ છે આભાર લતાબેન

Varij Luhar

16-08-2021

અવિસ્મરણીય લોકગીત..

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

15-08-2021

ખુબજ વેદનામય લોકગીત યાદ કરાવ્યું. આવા ભાવવાહી ગીતો આજે લુપ્ત થતા જાય છે.

Hitesh. A. Dabhi.

15-08-2021

ખૂબ સરસ માહિતી મળી. આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: