ભારતી રાણે ~ આંખના ને આભના

આંખના ને આભના બંને અલગ વરસાદ છે :
કોણ ક્યારે કેટલું વરસ્યું હવે ક્યાં યાદ છે ?

શોધવા નીકળો તમે ટહુકો અને ડૂસકું મળે,
શક્યતાના દેશમાં પણ કેટલા અપવાદ છે !

સ્વપ્ન મારી પાસ આવીને સતત કહેતું રહ્યું,
ચંદ્ર રાત્રિએ કરેલો સૂર્યનો અનુવાદ છે.

શબ્દની પેલી તરફ કોલાહલો કોલાહલો,
મૌનનો કંઈ આ તરફ કેવો અનાહત નાદ છે !

પર્ણથી મોતી ખર્યાની વાયકા ફેલાઈ’તી.
વૃક્ષને તેથી પવન સામે હજી ફરિયાદ છે.

– ભારતી રાણે

પહેલો શેર મનમાં વસી ગયો અને ‘ચંદ્ર રાત્રિએ કરેલો સૂર્યનો અનુવાદ છે’ – વાંચતાં મનમાં ‘વાહ’ નીકળી ગયું… ખરું કહે છે કવિ, શબ્દની તો ચારે તરફ કોલાહલો જ છે. મૌનના નાદમાં ડૂબતાં આવડ્યું તો બેડો પાર !

પતિ-પત્ની ડો. ભારતી રાણે અને ડો. રાજીવ રાણે એમના વિશ્વપ્રવાસોથી જાણીતા છે. ભારતીબહેન પ્રવાસોનું આલેખન અને કવિતા બેયમાં ખૂબ સરસ કામ કરે છે.

14.8.21

આભાર આપનો

17-08-2021

આભાર છબીલભાઈ, મેવાડાજી, અને સુરેશભાઇ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

16-08-2021

આજનુ ભારતી બેન નુ કાવ્ય ખુબજ સુન્દર વ્યવસાયે તબીબ હોવા છતા સાહિત્ય પ્રત્યે નો લગાવ અેટલે આવી સરસ રચનાઓ મળે છે ખુબખુબ અભિનંદન આભાર લતાબેન

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

15-08-2021

સુંદર ગઝલ. વાહ! મત્લા અદ્ભૂ ત અંને ભાવ અપ્રિતમ.

સુરેશ જાની

14-08-2021

‘ચંદ્ર રાત્રિએ કરેલો સૂર્યનો અનુવાદ છે.
સાવ નવી નક્કોર કલ્પના. ગમી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: