મરીઝ ~ લેવા ગયો * Mariz

લેવા ગયો જો પ્રેમ તો

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.

રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.

સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,
દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ?

એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો ?

એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.

સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો. – મરીઝ

‘ગુજરાતના ગાલિબ’ ગણાતા મરીઝની આજે પૂણ્યતિથિ. સુરત શહેરના આ મરીઝ ગઝલકાર તરીકે સૂર્યને જેમ ઝળહળ્યા છે. એમનું મૂળ નામ અબ્બાસ અબ્દુલઅલી વાસી. આ મહાન શાયરને સ્મૃતિવંદન. એમની આ ગઝલને ચેતન રાવળના સ્વરમાં સાંભળો.  

19.10.21

કાવ્ય : મરીઝ – લેવા ગયો જો સ્વર : ચેતન રાવળ

***

Sikandar multani

20-10-2021

મરીઝ સાહેબની દિવ્ય ચેતનાને વંદના??

Varij Luhar

19-10-2021

મરીઝ સાહેબ ની શબ્દ ચેતનાને વંદન

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

19-10-2021

ભલભલા પ્રેમ માં પડે છે, ખરેખર એમાં ઊભા થવાની ખેવના હોય છે. મરીઝ સાહેબની આ ગઝવ પડવા જતાં સામે કોઇ હાથ ના ઝાલે તો જે વેદના થાય. એની વાત કરે છે. ગઝલમાં પણ એ વેદના બરાબર ઝીલાઈ છે. હાર્દિક શ્રધ્ધાંજલિ.

Kirtichandra Shah

19-10-2021

Mariz atle Mariz atle Mariz He can do what only He can

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: