બાલમુકુંદ દવે ~ ચૈતર ચંપો મ્હોરિયો * Balmukund Dave

વિરહિણી  

ચૈતર ચંપો મ્હોરિયો, ને મ્હોરી આંબાડાળ,
મઘમઘ મ્હોર્યા મોગરા, મેં ગૂંથી ફૂલનમાળ.

જૂઈ ઝળૂંબી માંડવે ને બાગે બાગે ફાલ,
તું ક્યાં છો વેરી વાલમા? મને મૂકી અંતરિયાળ!

આ ચૈતર જેવી ચાંદની, ને માણ્યા જેવી રાત;
ગામતરાં તને શે ગમે? તું પાછો વળ ગુજરાત.

કોયલ કૂજે કુંજમાં, ને રેલે પંચમ સૂર,
વાગે વન વન વાંસળી, મારું પલ પલ વીંધે ઉર.

અવળું ઓઢ્યું ઓઢણું ને મારા છુટ્ટા ઊડે કેશ,
શું કહું નિર્દય કંથડા! મને વાગે મારગ ઠેસ.

જોબનને આ ધૂપિયે, પ્રીત જલે લોબાન,
રત આવી રળિયામણી, મારાં કોણ પ્રીછે અરમાન?

સમજી જાજે સાનમાં, મન બાંધી લેજે તોલ;
હોય ઈશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ!

નારી ઉર આળું ઘણું, બરડ કાચની જાત,
તું જન્મ્યો નરને ખોળિયે, તને કેમ સમજાવું વાત?

બ્રહ્મા! ભારી ભૂલ કરી તેં સરજી નારી ઉર,
ઉરને દીધો નેહ ને વળી નેહને દીધો વ્રેહ!

બાલમુકુંદ દવે

“આ ચૈતર જેવી ચાંદની, ને માણ્યા જેવી રાત; ગામતરાં તને શે ગમે? તું પાછો વળ ગુજરાત.” – કાશ, પરદેશ પધારેલા પ્રીતમજીઓ આ વાંચે અને સમજે !

OP 28.2.22

***

આભાર

01-03-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

સાજ મેવાડા

28-02-2022

વિરહ વેદનાને આમ કુદરત સાથે સાંકળીને વ્યકત કરતું આ કાવ્ય ખૂબ ગમ્યું.

છબીલભાઈ ત્રિવેદી

28-02-2022

બાલ મુકુંદ દવેની રચના ખુબજ સુન્દર ચૈત્ર માસમાં પ્રક્રુતિ ખુબ ખીલી ઉઠે છે અને તેની અસર માનવ મન ઉપર પણ થતી હોય છે ખુબ સરસ કાવ્ય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: