હરીશ મીનાશ્રુ ~ અમે અમથાં

અમે અમથાં અધીરાં અધૂરિયાં હો ~ હરીશ મીનાશ્રુ

અમે અમથાં અધીરાં અધૂરિયાં હો

એવાં રે સાવ અમે એવાં રે તોય

કેવાં હળવાં હરિના હજૂરિયાં હો..

કાયા તો આવડીક કાચલી કથીર, એમાં સિંહણના દવઘોળ્યાં દૂધડાં

કેવાં થાનોલે અમે ચપટીક બાઝયાં ને અધમણ દાઝયાં અબૂધડાં

બત્રીસે કોઠે હરિ ભડકા ઊઠે ને ઘૂંટ જીરવ્યાં તો કેસરકપૂરિયાં હો… 

અમે અમથાં અધીરાં અધૂરિયાં હો…

જેની દાંડલીએ તે અમરાફળ ઝૂલે, એવાં ઝાડનાં જડયાં છે મને બીજ

અવળા કૂવાના જળ સીંચવા ને વીંઝવા અવળા તે વાયરા ને વીજ

વસમા તે વીજળીમાં બેસણાં કરું તો હરિ ઝબકારે હાજરાહજૂરિયાં હો.. 

અમે અમથાં અધીરાં અધૂરિયાં હો…

~ હરીશ મીનાશ્રુ

કબીરની અવળવાણીના ઓછાયા આમાંથી જડે ને હળવી ઝાંખી નરસિંહ મહેતાનીયે …. તોય કવિની આગવી અનુભૂતિ રજૂ કરતું ગીત ! કાયાની આવડી અમથી હસ્તી દર્શાવીને કવિએ એની અંદર રહેલા વિરાટનું દર્શન કેવા કેવા પ્રતીકો દ્વારા કરાવ્યુ છે ! અનેક હરિગીતો મળે છે એમાં આ સાવ અનોખું !  

OP 27.2.22

***

છબીલભાઈ ત્રિવેદી

28-02-2022

કવિ હરીશ મિનાશ્રુ નુ ખુબજ સુન્દર હરિગીત જેમા કબીર અને મીરાની ઝાંખી છતા પોતાની પોતિકી મૌલિકતા ખુબ ખુબ અભિનંદન

Ramesh D.Vaddoriya

27-02-2022

અદભૂત રચના, આધ્યાત્મના ઞુઢાર્થોનુ તળપદી આને રસાળ શૈલીમાં સુંદર નિરૂપણ.
કવિ તથા કાવ્યવિશ્વને અભિનંદન.

Varij Luhar

27-02-2022

અમે અમથાં અધૂરાં અધિરીયાં હો… વાહ વાહ

1 Response

  1. જ્યોતિ હિરાણી says:

    બહુજ સરસ ભાવવાહી ગીત, જેમાં અંતરના ઉંડાણમાંથી
    કોળતા અર્થ પૂર્ણ લય માં ભાવક ને સાથે લઇ હિલ્લોળા તું
    સુંદર ગીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: