સ્નેહરશ્મિ ~ દિશ દિશ
દિશ દિશ ચેતન રેડી ~ સ્નેહરશ્મિ
દિશ દિશ ચેતન રેડી
વન વન આંકો નૂતન કેડી !
ઊંચી નીચી હોય ધરા છો,
હોય કઢંગી ટેડી;
સરળ તહીં પદ-રેખા પડી
સાથ રહો સૌ ખેડી !
વન વન આંકો નૂતન કેડી !
પૂરવ ને પશ્ચિમને ભેદી,
ઉત્તર દક્ષિણ છેદી;
કાળ અને સ્થળના કાંટાળા
ફેંકો થોર ઉખેડી !
વન વન આંકો નૂતન કેડી !
ભૂત ભાવિના ગોફણ ગૂંથી,
રવિ-શશી ગોળા ફેંકી,
અગમ અલખનું નિશાન તાકી,
ચાલો જગ-તમ ફેડી !
વન વન આંકો નૂતન કેડી !
~ ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’
માનવ તરીકે કઢંગી કેડીને ખેડવાની જ નથી, અગમ અલખના નિશાન તાકી એ નૂતન કેડીને અજવાળવાની પણ છે…. એક ઉદાત્ત સ્વપ્ન માનવજાત માટે !
કવિના જન્મદિવસે સ્મૃતિવંદના સહ…
OP 16.4.22
***
છબીલભાઈ ત્રિવેદી
17-04-2022
કવિ સ્નેહરશ્મિ ની રચના તેમના જન્મદિવસે ખુબ સમયોચિત સરસ આભાર
સાજ મેવાડા
16-04-2022
ખૂબ સરસ માર્મિક ગીત. સ્મૃતિ વંદન.
પ્રતિભાવો