ભગવતીકુમાર શર્મા ~ આ પા મેવાડ * Bhagavatikumar Sharma

આ પા મેવાડ ~ ભગવતીકુમાર શર્મા

આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા, વચ્ચે સૂનકાર નામ મીરાં
રણકી રણકીને કરે ખાલીપો વેગળો, હરિના તે નામના મંજિરા
બાજે રણકાર નામ મીરાં…

મહેલ્યુંમાં વૈભવના ચમ્મર ઢોળાય, ઉડે રણમાં તે રેતીની આગ
મીરાંના તંબુરના સૂરે સૂરેથી વહે, ગેરૂવા તે રંગનો વૈરાગ

ભગવું તે ઓઢણું ઓઢ્યું મીરાએ, કીધા જરકશી ચૂંદડીના લીરા
સાચો શણગાર નામ મીરાં…

રણને ત્યજીને એક નિસરે રે શગ, એને દરિયે સમાવાના કોડ
રાણાએ વિષનો પ્યાલો ભેજ્યો, એણે સમરી લીધા શ્રી રણછોડ
જળહળમાં ઝળહળનો એવો સમાસ, જાણે કુંદનની વીટીંમા હીરા
જીવતો ધબકાર નામ મીરાં…

ભગવતીકુમાર શર્મા

એ જ જુગજૂની મીરાંની વાત પણ ‘વચ્ચે સૂનકાર નામ મીરાં’ કે ‘જળહળમાં ઝળહળનો એવો સમાસ’ વાંચીને કવિની પોતીકી મુદ્રા સ્પર્શી જાય ! 

OP 10.6.22

***

છબીલભાઈ ત્રિવેદી

10-06-2022

ભગવતીકુમાર શર્માજી નુ સુંદર કાવ્ય મસ્ત કાવ્ય ખુબજ ગમ્યું આભાર લતાબેન

સિલાસ પટેલિયા

10-06-2022

આ પા મેવાડ
કાવ્ય વાંચવા માણવાની મજા પડી. મેવાડ અને મીરાંનાં ઉલ્લેખો
અન્ય કાવ્ય અને સ્થળ વિષયક રચનાઓ ભણી ખેંચી ગયાં ને
આમ આનંદભીના ચેતોવિસ્તારમાં રમમાણ. થઈ. જવાયું.

આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: